રાજ્યમાં ભારે વરસાદની આગાહી, 20 જિલ્લામાં યલો તો 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
રાજ્યમાં ભારે વરસાદની આગાહી વચ્ચે રાહત-બચાવ અંગે આગોતરા પલગાં ભરવા તમામ જીલ્લા કલેકટરને સુચના અપાઈ છે.
રાજ્યમાં ફરી ચોમાસું જામ્યું છે. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યના અનેક જિલ્લામાં આગામી પાંચ દિવસ ભારે વરસાદ પડી શકે છે. જ્યારે રાજ્યના ૨૦ જિલ્લામાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. સાયક્લોનિક સર્ક્યુલેશનને પગલે રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, અમરેલી, પાટણ, મહેસાણામાં અતિભારે વરસાદની આગાહીને લઈ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.
જ્યારે કચ્છ, જામનગર, દ્વારકા, જુનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, બોટાદ, ભાવનગર, અમદાવાદ, ગાંધીનગર, આણંદ, બનાસકાંઠા, સાબરકાંઠા, દાહોદ, સુરત, વલસાડ, નવસારી, ડાંગ, તાપી, છોટા ઉદેપુરમાં ભારે વરસાદની આગાહીને લઈ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે..આ સાથે બુધવારે વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં અતિભારે વરસાદ પડી શકે છે. તો નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરામાં ભારે વરસાદ પડી શકે છે.
ગુરુવારે રાજકોટમાં અતિભારે અને વલસાડ, દમણ, જુનાગઢ, અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદ પડી શકે છે. રાજ્યમાં અત્યાર સુધી સીઝનનો ૨૭.૬૧ ઈંચ સાથે ૮૩.૫૧ ટકા વરસાદ વરસી ચૂક્યો છે. જેમાં ૪૦ ઈંચથી વધુ વરસાદ નોંધાયો હોય તેવા ૪૦ તાલુકા છે. તો કચ્છમાં ૮૭.૬૩ ટકા, ઉત્તર ગુજરાતમાં ૬૮.૩૧ ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં ૭૬.૨૬ ટકા, સૌરાષ્ટ્રમાં ૯૩.૧૪ ટકા અને દક્ષિણ ગુજરાતમાં ૮૨.૭૯ ટકા વરસાદ નોંધાઇ ચૂક્યો છે.
રાજ્યમાં ભારે વરસાદની આગાહી વચ્ચે રાહત-બચાવ અંગે આગોતરા પલગાં ભરવા તમામ જીલ્લા કલેકટરને સુચના અપાઈ છે. આવતીકાલથી 30 સપ્ટેબર સુધી હવામાન વિભાગે અતિભારે વરસાદની આગાહી કરી છે. જેને લઈ જ્યાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવવાની શક્યાતા હોય ત્યાંથી લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરાવવા સુચના અપાઈ છે. તો નાગરીકોનું સ્થળાંતર કરાય તેમનું માહિતી પત્રક મોકલવા પણ સુચના અપાઈ છે.
જીલ્લાના અને તાલુકાના વર્ગ 2ના અધિકારીની રાઉન્ડ ધ ક્લોક નિમણુક કરવા આદેશ કરાયો છે. તો નદી, નાળા, તળાવમાં નાગરીકોને ન્હાવા ન જવા તકેદારી રખાવવા પણ અપીલ કરાઈ છે. સ્થળાંતર અને રેસ્ક્યુ કામગીરી માટે એનડીઆરએફ અને એસડીઆરએફ ટીમ ડિપ્લોય કરવામાં આવે તેના લોકેશન નક્કી કરવા પણ સૂચના અપાઈ છે. ભારે વરસાદના કારણે કોઈ ઘટના ઘટે તો તુરંત સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર જાણ કરવાની રહેશે.