Under-19 Asia Cup final 2025 : U-19 એશિયા કપની ફાઇનલમાં પાકિસ્તાન સામે ભારતની હાર, 191 રને પરાજય
India vs Pakistan U19: ક્રિકેટના મેદાન પર ફરી એકવાર ભારતીય ચાહકોના દિલ તૂટ્યા છે. દુબઈમાં રમાયેલી અંડર-19 એશિયા કપ 2025 (U-19 Asia Cup 2025) ની ફાઈનલ મેચમાં પાકિસ્તાને ભારતને 191 રનના મોટા અંતરથી હરાવીને ટ્રોફી જીતી લીધી છે. સમગ્ર ટૂર્નામેન્ટમાં એક પણ મેચ ન હારનાર ભારતીય ટીમ ફાઈનલ જેવા મહત્વના મુકાબલામાં જ નિષ્ફળ રહી હતી. પાકિસ્તાને ખડકેલા 347 રનના પહાડ જેવા સ્કોર સામે ભારતીય બેટિંગ લાઈન-અપ પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગયું હતું.
ભારતીય યુવા બ્રિગેડ ટ્રોફી જીતવાની ખૂબ જ નજીક હતી, પરંતુ કટ્ટર હરીફ પાકિસ્તાન સામેની ફાઈનલ મેચમાં તેમનું પ્રદર્શન ફિક્કું રહ્યું. IND vs PAK ની આ મહામુકાબલામાં ભારતીય કેપ્ટન આયુષે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો, જે પાછળથી ટીમ માટે ઘાતક સાબિત થયો. પાકિસ્તાની બેટ્સમેનોએ આ તકનો ભરપૂર લાભ ઉઠાવ્યો અને નિર્ધારિત 50 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 347 રનનો તોતિંગ સ્કોર બનાવ્યો. આ મેચમાં હાર સાથે જ એશિયા કપમાં ટીમ ઈન્ડિયાનો 'વિજય રથ' અટકી ગયો છે.
સમીર મિન્હાસ ભારત માટે વિલન સાબિત થયો
પાકિસ્તાન તરફથી સ્ટાર બેટ્સમેન સમીર મિન્હાસ (Sameer Minhas) ભારત માટે મોટો પડકાર બનીને ઉભો રહ્યો. તેણે ભારતીય બોલરોની ધોલાઈ કરતા શાનદાર 172 રનની મેરેથોન ઈનિંગ રમી હતી. તેની આ આક્રમક બેટિંગને કારણે જ પાકિસ્તાન એટલો મોટો સ્કોર બનાવવામાં સફળ રહ્યું, જેનો પીછો કરવો ભારત માટે લગભગ અશક્ય બની ગયું હતું.
ભારતીય બેટિંગ લાઈન-અપનો ધબડકો
348 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયા શરૂઆતથી જ દબાણમાં જોવા મળી હતી. કેપ્ટન આયુષ માત્ર 2 રન બનાવીને પેવેલિયન ભેગો થયો હતો. ત્રીજા નંબરે આવેલા એરોન જ્યોર્જ પણ માત્ર 14 રનનું યોગદાન આપી શક્યા. યુવા સ્ટાર વૈભવ સૂર્યવંશી (Vaibhav Suryavanshi) એ 10 બોલમાં 26 રન બનાવીને થોડી આશા જગાવી હતી, પરંતુ તે પણ લાંબી ઈનિંગ રમી શક્યો નહીં. ઝડપી વિકેટો પડવાને કારણે મિડલ ઓર્ડર પણ તૂટી પડ્યો અને સમગ્ર ટીમ માત્ર 156 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ. પરિણામે, ભારતને 191 રનથી શરમજનક હારનો સામનો કરવો પડ્યો.
લીગ મેચનો ઈતિહાસ ન દોહરાવી શક્યા
આશ્ચર્યની વાત એ છે કે આ જ ટૂર્નામેન્ટના લીગ સ્ટેજમાં ભારતે પાકિસ્તાનને 90 રને હરાવ્યું હતું. ટીમ ઈન્ડિયા ફાઈનલ સુધી અજેય રહી હતી, પરંતુ ખિતાબી જંગમાં પ્રેશર હેન્ડલ કરવામાં યુવા ખેલાડીઓ નિષ્ફળ રહ્યા. ફાઈનલનું દબાણ અને પાકિસ્તાનનો મોટો સ્કોર ભારતીય ટીમની હારનું મુખ્ય કારણ બન્યું.





















