Maharashtra Election Result: મહારાષ્ટ્રમાં હાર બાદ વિપક્ષનો કટાક્ષ, કહ્યું- 'જીત માટે ચૂંટણી પંચને ખૂબ ખૂબ અભિનંદન'
Maharashtra civic body election results: મહાયુતિની જીત પર કોંગ્રેસ અને ઉદ્ધવ જૂથના આકરા પ્રહાર: કહ્યું- આ જનતાનો નહીં, પણ ધનબળ અને બાહુબળનો વિજય છે.

Maharashtra civic body election results: મહારાષ્ટ્રની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં સત્તાધારી મહાયુતિ (Mahayuti) ગઠબંધનનો વિજય થયો છે. જોકે, આ પરિણામો બાદ વિરોધ પક્ષોએ હાર સ્વીકારવાને બદલે ચૂંટણી પંચ અને સત્તાના દુરુપયોગ પર સવાલો ઉઠાવ્યા છે. રવિવારે આવેલા પરિણામો બાદ કોંગ્રેસ અને ઉદ્ધવ ઠાકરે જૂથે (Shiv Sena UBT) કટાક્ષ કરતા કહ્યું હતું કે શાસક પક્ષને જીતાડવા બદલ ચૂંટણી પંચ અભિનંદનને પાત્ર છે.
રવિવાર, 21 ડિસેમ્બરના રોજ મહારાષ્ટ્રમાં મ્યુનિસિપલ કાઉન્સિલ અને નગર પરિષદની ચૂંટણીના પરિણામો જાહેર થયા હતા. જેમાં ભાજપ અને એકનાથ શિંદેના ગઠબંધને મેદાન મારી લીધું છે. જોકે, પરિણામો બાદ વિપક્ષી ગઠબંધન મહાવિકાસ અઘાડી (MVA) એ પોતાની હાર માટે શાસક પક્ષની રણનીતિ અને સરકારી મશીનરીના દુરુપયોગને જવાબદાર ઠેરવ્યા છે.
કોંગ્રેસનો ચૂંટણી પંચ પર કટાક્ષ
ચૂંટણી પરિણામો બાદ કોંગ્રેસે રાજ્ય ચૂંટણી પંચની ભૂમિકા પર આંગળી ચીંધી છે. પ્રદેશ કોંગ્રેસના નેતા હર્ષવર્ધન સપકલે જીતેલા તમામ ઉમેદવારોને શુભકામનાઓ પાઠવી હતી, પરંતુ સાથે જ એક તીખો કટાક્ષ પણ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, "શાસક પક્ષ મહાયુતિને જીતવામાં મદદ કરવા બદલ રાજ્ય ચૂંટણી પંચને પણ ખાસ અભિનંદન આપવા જોઈએ." તેમનો ઈશારો સ્પષ્ટ હતો કે ચૂંટણી નિષ્પક્ષ રીતે યોજાઈ નથી.
'પૈસા અને પાવરથી મળી જીત'
બીજી તરફ, ઉદ્ધવ ઠાકરે જૂથના નેતા અંબાદાસ દાનવે એ શાસક પક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા. છત્રપતિ સંભાજીનગરમાં પત્રકારો સાથે વાત કરતા તેમણે દાવો કર્યો હતો કે મહાયુતિને મળેલી આ સફળતા લોકશાહીનો વિજય નથી, પરંતુ 'પૈસાની તાકાત' (Money Power) અને 'બાહુબળ' (Muscle Power) નું પરિણામ છે. તેમણે આરોપ લગાવ્યો કે સત્તાધારી પક્ષોએ જીતવા માટે તમામ પ્રકારના હથકંડા અપનાવ્યા હતા.
આગામી ચૂંટણીઓ પર અસર નહીં થાય
શું આ હારની અસર આવતા મહિને યોજાનારી મહાનગરપાલિકાઓની ચૂંટણી પર પડશે? આ સવાલના જવાબમાં અંબાદાસ દાનવેએ નનૈયો ભણ્યો હતો. તેમણે ભારપૂર્વક કહ્યું કે આ પરિણામોની અસર આગામી 29 મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી પર નહીં પડે. કારણ કે ગ્રામીણ અને શહેરી મતદારોની વિચારસરણી અલગ હોય છે અને ત્યાંના મુદ્દાઓ પણ ભિન્ન હોય છે.
નાગપુરમાં વિવાદ અને ફરી મતગણતરી
ચૂંટણી દરમિયાન નાગપુર જિલ્લાના કામથી વિસ્તારમાં એક વિવાદ પણ સામે આવ્યો હતો. અહીં મ્યુનિસિપલ કાઉન્સિલની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર અજય અગ્રવાલને માત્ર 116 મતોથી વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. આ પરિણામ સામે કોંગ્રેસના ઉમેદવાર શકુર નાગાણીએ વાંધો ઉઠાવ્યો હતો, જેના કારણે તંત્રએ રવિવારે ફરીથી મતગણતરીનો આદેશ આપવો પડ્યો હતો.




















