Heavy rain: રાજ્યના આ પાંચ જિલ્લાઓમાં ભારે વરસાદ, આજે સ્કૂલોમાં જાહેર કરાઇ રજા
Heavy rain: હવામાન વિભાગે રાજ્યના પાંચ જિલ્લામાં વરસાદનુ રેડ એલર્ટ જાહેર કર્યું છે
Heavy rain: રાજ્યમાં બે દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે રાજ્યના પાંચ જિલ્લામાં વરસાદનુ રેડ એલર્ટ જાહેર કર્યું છે. પાંચ જિલ્લામાં હજુ પણ ભારે વરસાદની આગાહી કરાઇ છે ત્યારે પાંચેય જિલ્લાના શિક્ષણાધિકારીએ આજે સ્કૂલોમાં રજા જાહેર કરી હતી. આજે નર્મદા, દાહોદ, ભરૂચ, છોટાઉદેપુર અને પંચમહાલ જિલ્લાની શાળામાં રજા જાહેર કરવામાં આવી છે. આ પાંચેય જિલ્લામાં બે દિવસથી વરસાદ વરસી રહ્યો છે આ ઉપરાંત ઉપરવાસમાંથી પણ પાણીની આવક થઈ રહી છે. જેના કારણે નીચાણવાળા વિસ્તારો બેટમાં ફેરવાઈ ગયા છે. ત્યારે વિદ્યાર્થીઓની સલામતીને ધ્યાનમાં રાખીને પ્રશાસન તરફથી શાળામાં રજા જાહેર કરવામાં આવી છે.
રાજ્યના પાંચ જિલ્લામાં હવામાન વિભાગે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે તો સાત જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. તો 10 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે.
જે જિલ્લાઓમાં 24 કલાક માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તેમાં ખેડા,અરવલ્લી, મહીસાગર,પંચમહાલ, દાહોદનો સમાવેશ થાય છે. જે જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, વડોદરાનો સમાવેશ થાય છે. તે સિવાય હવામાન વિભાગે વરસાદને લઇને જે જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કર્યું છે તેમાં કચ્છ,પાટણ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, છોટાઉદેપુર, નર્મદા, ભરુચ, સુરત, તાપીનો સમાવેશ થાય છે.
હવામાન વિભાગના મતે બંગાળની ખાડીમાં લો- પ્રેશર સક્રિય છે જેના કારણે ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે અને હજુ ત્રણ દિવસ રાજ્યમાં વરસાદ રહેવાનું હવામાન વિભાગનું અનુમાન છે. ત્યારે માછીમારોને પણ દરિયો ન ખેડવા હવામાન વિભાગે સૂચના આપવામાં આવી છે.
ઉપરવાસમાં પાણીના ભારે આવરાથી સરદાર સરોવર ડેમની જળસપાટી વધીને પહોંચી 138.68 મીટરે પહોંચી છે. ડેમમાં હાલ સાત લાખ 15 હજાર 327 ક્યુસેક પાણીની આવક સામે સાત લાખ 14 હજાર 747 ક્યુસેક પાણીની જાવક છે. સરદાર સરોવર ડેમમાંથી સતત પાણી છોડાતા ભરૂચના ગોલ્ડન બ્રિજે નર્મદા નદીની સપાટી 40 ફુટે પહોંચતા સર્જાઈ પૂરની સ્થિતિ છે. પૂર્વ પટ્ટીના ગામોના ખેતરો અને માર્ગો પર પૂરના પાણી ફરી વળતા વાહન વ્યવહાર બંધ કરાયો હતો.