માળીયાહાટીના તાલુકાના કુકસવાડા ગામમાં ભારે વરસાદથી જળબંબાકાર
જૂનાગઢ જિલ્લાના માળીયાહાટીના તાલુકામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. માળીયાહાટીના તાલુકાના કુકસવાડા ગામમાં ભારે વરસાદ તુટી પડ્યો છે.

જૂનાગઢ: જૂનાગઢ જિલ્લાના માળીયાહાટીના તાલુકામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. માળીયાહાટીના તાલુકાના કુકસવાડા ગામમાં ભારે વરસાદ તુટી પડ્યો છે. મોડી રાતથી સાર્વત્રિક જોરદાર વરસાદ ખાબક્યો છે. રામાપીરમંદિર સહિતના નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર થયા છે. કુકસવાડાની બાજુના ઘુમલી ગામમાં પણ વરસાદ પડતા ત્યાંનું પાણી પણ કુકસવાડા ગામમાં ફરી વળ્યું છે. કુકસવાડા ગામના નીચાણ વાળો વિસ્તાર રામાપીર મંદિર સહિતના વિસ્તારો જળબંબાકાર થયા છે.
કુકસવાડા ગામના ક્રોઝવે ઉપર પાણી ફરી વળ્યા છે. પાણીના કારણે કુકસવાડા તરફ રસ્તો બંધ થયો છે. કુકસવાડા ગામના નીચાણ વાળા તમામ વિસ્તારો જળબંબાકાર થયા છે. ભારે વરસાદથી હજુ સુધી કોઈ નુકસાનીના અહેવાલ નથી.
ગીર સોમનાથ જિલ્લાનો સૌથી મોટો હિરણ ડેમ છલકાયો
ગીર સોમનાથ જિલ્લાનો સૌથી મોટો હિરણ ડેમ છલકાયો છે. મધરાતે ગીરમાં પડેલ ભારે વરસાદથી હિરણ 2 ડેમમાં પાણીની આવક થઈ છે. પાણીની આવક વધતા ડેમનો 1 દરવાજો 0.10 મીટર ખોલવામાં આવ્યો છે. ડેમના નિચાણવાળા વિસ્તાર ઉમરેઠી, માલજીંજવા, ભેરાળા,ઈન્દ્રોઈ, નાવદરા, સવની સહિતના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.
માંગરોળના દરિયામાં ભારે કરંટ
માંગરોળના દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે. દરિયામાં ઊંચા મોજા ઉછળતા જેટી નજીક લાંગરેલી બોટને પણ નુકસાન થયું છે. માછીમારોને દરિયા ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. બોટને પણ સલામત સ્થળે રાખવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. આગામી દિવસોમાં દરિયામાં તોફાની પવન ફૂંકાવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
જૂનાગઢના માંગરોળ પંથકમાં ભારે ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે. વહેલી સવારથી માંગરોળ પંથકમાં ગાજવીજ સાથે તોફાની વરસાદ વરસતા જ્યાં જુઓ ત્યાં પાણી જોવા મળી રહ્યું છે. ઘણાં લાંબા વિરામ બાદ છેલ્લા ત્રણ દિવસથી માંગરોળ પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે. ભારે વરસાદને લઈ ખેડૂતોમાં ખુશીનો માહોલ છે.
રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 68.91 ટકા વરસાદ
રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 68.91 ટકા વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ 72 ટકા વરસાદ દક્ષિણ ગુજરાતમાં જ્યારે ઉત્તર ગુજરાતમાં 71 ટકા, કચ્છમાં 70 ટકા, પૂર્વ મધ્યમાં 69 ટકા વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્રમાં 63 ટકાથી વધુ સરેરાશ વરસાદ નોંધાયો છે. રાજ્યમાં ફરી એક વખત વરસાદી માહોલ જામ્યો છે. સરદાર સરોવર સહિત રાજ્યના કુલ 207 ડેમમાંથી 76 ડેમ હાઈએલર્ટ એટલે કે 70 થી 100 ટકા વચ્ચે ભરાયા છે. જ્યારે 26 ડેમ એલર્ટ પર તેમજ 22 ડેમ વોર્નિંગ પર મૂકવામાં આવ્યા છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં 76 ટકાથી વધુ જળસંગ્રહ છે.





















