Tapi Rain: વ્યારા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ,ગરનાળામાં ભરાયા પાણી
હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી વચ્ચે આજે વ્યારા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. વરસાદ વચ્ચે વ્યારા શહેરના માર્ગો પાણી પાણી થયા છે.

તાપી: હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી વચ્ચે આજે વ્યારા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. વરસાદ વચ્ચે વ્યારા શહેરના માર્ગો પાણી પાણી થયા છે. વ્યારા શહેરના માલીવાડ, આશિષ નગર નજીક માર્ગો પર પાણી ફરી વળ્યા છે. વ્યારા નગરપાલિકાની પ્રિમોન્સુન કામગીરી કેટલીક જગ્યા પર પોકળ સાબિત થઈ છે. ધોધમાર વરસાદને લઈ રસ્તોએ પર પાણી જોવા મળી રહ્યું છે. ભારે વરસાદને લઈ વાહનચાલકો પ્રભાવિત થયા છે.
વ્યારા શહેરમાં પડેલા વરસાદને લઈ રેલવે ગરનાળા નજીક પાણી ભરાયા છે. વ્યારા શહેરમાંથી માંડવી તરફ જતા માર્ગ પર આવતા ગરનાળા નજીક પાણી ભરાયા છે. જોકે વાહનવ્યવહાર પ્રભાવિત નહીં થતા રાહત છે. ગાડીના અડધા ટાયર ડૂબી જાય એટલા પાણી ભરાયા છે. પાણી નિકાલની કામગીરી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે.
તાપી જિલ્લામાં તેમજ ઉપરવાસમાં પડેલા વરસાદ વચ્ચે મીંઢોળા નદીમાં ભરપૂર પાણીની આવક છે. વ્યારાથી ચીખલી તરફ જતા લો લેવલ પુલ પર પાણી ફરી વળ્યા છે. મીંઢોળા નદી પર આવેલ લો લેવલ પૂલ પાણીમાં ગરકાવ થતા વાહનચાલકોની સમસ્યા વધી છે. વ્યારાથી નાની ચીખલીને જોડતા માર્ગ પર પાણી ફરી વળ્યા છે.
આગામી 3 દિવસ દક્ષિણ ગુજરાત માટે અત્યંત ભારે
ગુજરાતના હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આગામી 3 દિવસ દક્ષિણ ગુજરાત માટે અત્યંત ભારે વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે. હવામાન વિભાગ મુજબ અહીં ધોધમાર વરસાદની શક્યતા છે. હવામાન વિભાગે પોતાની આગાહીમાં જણાવ્યું કે, ચાર વરસાદી સિસ્ટમ સક્રિય થઈ હોવાના કારણે ધોધમાર વરસાદ ખાબકશે. આવતીકાલે ડાંગ, નવસારી, વલસાડમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. કાલે દમણ અને દાદરાનગર હવેલીમાં અત્યંત ભારે વરસાદની આગાહી છે.
દેશના પૂર્વ ભાગમાં લો પ્રેશર સિસ્ટમ સાથે સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે. અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન, ટ્રફ લાઈન, મોન્સૂન ટ્રફ સક્રિય થવાના કારણે આગામી ત્રણ દિવસ ખૂબ જ ભારે રહેશે. અમદાવાદમાં આજે ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. રાજ્યમાં વરસાદ સાથે 30થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાશે.
સરેરાશ 90.81 ટકા વરસાદ વરસ્યો
રાજ્યમાં સિઝનનો સરેરાશ 90.81 ટકા વરસાદ વરસ્યો છે. ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ 95.31 ટકા, દક્ષિણ ગુજરાતમાં 94.48 ટકા, પૂર્વ મધ્યમાં 90.58 ટકા, કચ્છમાં 85.14 ટકા અને સૌરાષ્ટ્રમાં 84.48 ટકા વરસાદ વરસ્યો છે.




















