Rain: ભારે વરસાદથી ઉકાઇ ડેમ છલકાયો, જળસપાટી 335 ફૂટથી ઉપર, 11 ગેટ ખોલીને છોડાઇ રહ્યું છે પાણી
Rain: રાજ્યમાં છેલ્લા બે દિવસથી ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે. રાજ્યમાં ગઇકાલથી અત્યાર સુધી કુલ 234 તાલુકાઓમાં ભારે વરસાદ ખાબક્યો છે

Rain: રાજ્યમાં છેલ્લા બે દિવસથી ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે. રાજ્યમાં ગઇકાલથી અત્યાર સુધી કુલ 234 તાલુકાઓમાં ભારે વરસાદ ખાબક્યો છે. રાજ્યમાં સૌથી વધુ વરસાદ ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પડ્યો છે. સૌથી વધુ વાપીમાં 13 ઇંચ વરસાદ ખાબક્યો છે, જેના કારણે દક્ષિણ ગુજરાતનૌ સૌથી મોટા ડેમ ઉકાઇ ડેમમાં પાણીની ભરપૂર આવક નોંધાઇ છે.
તાજા અપડેટ પ્રમાણે, દક્ષિણ ગુજરાતમાં વરસાદના આ રાઉન્ડમાં ભારેથી અતિભારે વરસાદ ખાબક્યો છે. જેના કારણે તાપી નદી પરના ઉકાઇ ડેમમાં પાણીની ભરપૂર આવક નોંધાઇ રહી છે.
હાલમાં તાપીના ઉકાઈ ડેમમાં નવા નીરની ભરપૂર આવક જોવા મળી રહી છે. ઉકાઈ ડેમની જળસપાટી અત્યારે 335.22 ફૂટ પર પહોંચી છે. ડેમના 11 ગેટ 8 ફૂટ ખોલીને તાપી નદીમાં પાણી છોડાઇ રહ્યું છે. ઉકાઇ ડેમમાં હાલ એક લાખ 99 હજાર ક્યૂસેકથી વધુ પાણીની આવક નોંધાઇ રહી છે, જ્યારે ઉકાઇ ડેમમાંથી હાલ 1 લાખ 51 હજાર 459 ક્યૂસેક પાણીની જાવક જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે, તાપી નદીમાં પાણીની આવકમાં વધારો જોતા નદીકાંઠાના વિસ્તારોને એલર્ટ કરાયા છે, અને લોકોને સાવચેત રહેવા અપીલ કરાઇ છે.
તાપી નદી પરનો ઉકાઇ ડેમ અત્યારે સંપૂર્ણ ફૂલ થવાની તૈયારીમાં છે. દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ગણાતો ઉકાઈ ડેમ આજે સંપૂર્ણ ભરાઈ ગયો હોવાની તસવીરો સામે આવી છે. ઉકાઈ ડેમ આજે આ સિઝનમાં પોતાની મહત્તમ સપાટીએ પહોંચ્યો અને સંપૂર્ણ ભરાઇ ગયો છે. ઉકાઈ ડેમની સપાટી 335.22 ફૂટ પર પહોંચી છે. ખાસ વાત છે કે, મધ્ય પ્રદેશ અને અન્ય વિસ્તારોમાં પડી રહેલા વરસાદથી પાણીમાં સતત વધારો થઇ રહ્યો છે. ડેમમાંથી પાણી ડેમની કેનાલ અને હાઇડ્રૉ પાવર સ્ટેશનમાંથી છોડાઈ રહ્યું છે. દક્ષિણ ગુજરાતના લોકોના માથેથી પીવાના પાણીનું સંકટ ટળ્યું છે.
અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. તેમના જણાવ્યા મુજબ અરબ સાગરની સિસ્ટમ અને બંગાળની સિસ્ટમ સક્રિય થઈ છે જેના કારણે વરસાદ વરસી રહ્યો છે. એક પછી એક બનતા લો પ્રેશરના કારણે વરસાદ વરસી રહ્યો છે. અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી અનુસાર રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
સિઝનનો અત્યાર સુધીમાં કેટલો વરસ્યો વરસાદ
ચોમાસાની સિઝનનો રાજ્યમાં અત્યાર સુધીમાં 74.68 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં 88.99, તો કચ્છમાં સિઝનનો અત્યાર સુધીમાં 88.97 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.સૌરાષ્ટ્રમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 82.26 ટકા વરસાદ.. તો મધ્ય ગુજરાતમાં 59.22 ટકા અને ઉત્તર ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 55.97 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.
આ પણ વાંચો
Rain: 24 કલાકમાં 234 તાલુકામાં ખાબક્યો ધોધમાર વરસાદ, તાપીમાં 13 ઇંચ, જાણો તમામ તાલુકાના આંકડા....
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
