રાજ્યમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ વિસ્તારને ઘમરોળશે વરસાદ
દક્ષિણ ગુજરાતમાં બે દિવસથી વરસાદી માહોલના કારણે નદી, ડેમ, ચેકડેમમાં સતત પાણીની આવક થઈ રહી છે.
અમદાવાદ: રાજ્યમાં ફરી વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગે વરસાદને લઈને મોટી આગાહી કરી છે. હવામાન વિભાગ અનુસાર આગામી 5 દિવસ રાજ્યમાં ભારે વરસાદ પડશે. જેમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની આગાહી કરી છે.
હવામાન વિભાગ અનુસાર વલસાડ-નવસારી સહિત આસપાસના વિસ્તારમાં ભારે વરસાદ પડશે. 23 જુલાઈએ લો પ્રેશર બનવાના કારણે વરસાદી સિસ્ટમ સક્રિય બનશે. જેના કારણે આગામી 5 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. ભારે વરસાદની આગાહીની વચ્ચે અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.
વરસાદ આંકડા
રાજ્યમાં ત્રણ દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. આજે સવારથી અત્યાર સુધી કુલ 61 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ વલસાડના પારડી અને વાપીમાં એક ઈંચ પડ્યો હતો. તો નવસારીના ખેરગામમાં પણ એક ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. આ સાથે જ કપરડામાં પણ અડધા ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.
ઓરસંગ નદી બે કાંઠે
છોટા ઉદેપુરમાં આવેલ ઓરસંગ નદી બે કાંઠે વહી રહી છે. મધ્યપ્રદેશમાં સારો વરસાદ થતા અને જિલ્લામાં પણ વરસાદી માહોલના કારણે નદીમાં સતત પાણીની આવક થઈ રહી છે. જેથી ઓરસંગ નદી બે કાંઠે વહી રહી છે. સાથે જ ચેકડેમમાં પણ ઓવરફ્લો થયો છે. ઓરસંગ નદી છોટાઉદેપુર જિલ્લાની જીવાદોરી સમાન છે. છોટાઉદેપુર જિલ્લામાં અત્યારસુધી સરેરાશ 16 ટકા જ વરસાદ નોંધાયો છે. પરંતુ ગઈકાલથી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. જેથી ખેડુતોમાં ફરી એક આશાની કિરણ સેવાઇ રહી છે.
સુરત વિયર કમ કોઝવે બંધ
દક્ષિણ ગુજરાતમાં બે દિવસથી વરસાદી માહોલના કારણે નદી, ડેમ, ચેકડેમમાં સતત પાણીની આવક થઈ રહી છે. સુરતમાં અને ઉપરવાસમાં વરસાદના કારણે કારણે વિયર કમ કોઝવે બંધ કરવામાં આવ્યો છે. તાપી નદીમાં પાણીની આવક વધતા કોઝવે પરથી પાણી વહી રહ્યા છે. જેથી આ ચોમાસાની સીઝનમાં પહેલી વખત કોઝવે બંધ કરાયો છે. રાંદેર અને કતારગામને જોડતો આ કોઝવે છે.