Gujarat Rain: આજે સુરત, નવસારી, વલસાડ અને નર્મદામાં અતિભારે વરસાદની આગાહી
રાજ્યના હવામાન વિભાગ દ્વારા ભારેથી લઈ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં આજે પણ વહેલી સવારથી જ અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ જામ્યો છે.

અમદાવાદ: રાજ્યના હવામાન વિભાગ દ્વારા ભારેથી લઈ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં આજે પણ વહેલી સવારથી જ અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગની વરસાદીની આગાહી વચ્ચે ઘણા જિલ્લાઓમાં મેઘરાજા મહેરબાન થયા છે. આજે પણ ભારેથી અતિભારે વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે.
ત્રણ દિવસ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આજે સુરત, નવસારી, વલસાડ અને નર્મદામાં અતિભારે વરસાદની ચેતવણી હવામાન વિભાગે આપી છે. આ સાથે જ રાજ્યના 10 જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
આગામી 7 દિવસ વરસાદની આગાહી
હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટર એ.કે. દાસે ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી છે. આજે દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે તેમણે જણાવ્યુ છે કે, દક્ષિણ ગુજરાત પર સાયક્લોનિક સર્ક્યુલેશનની સ્થિતિ પ્રવર્તી રહી છે. હાલ ગુજરાતમાં વરસાદ લાવે તેવી સિસ્ટમ સર્જાયેલી છે. જેના કારણે આગામી સાત દિવસ સુધી આખા ગુજરાતમાં હળવાથી ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.
આજે આ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ
હવામાન વિભાગે આપેલા મેપ પ્રમાણે, આજે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આજે નર્મદા, સુરત, વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલીમાં અતિભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ આપ્યું છે. અમરેલી, ભાવનગર, બોટાદ, ભરૂચ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, તાપી, ડાંગમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
રાજ્યમાં સીઝનનો સરેરાશ 46.89 ટકા વરસાદ
રાજ્યમાં અત્યાર સુધી સીઝનનો સરેરાશ 46.89 ટકા વરસાદ વરસ્યો હતો. ચાલુ સીઝનમાં 42 તાલુકામાં સરેરાશ 40 ઈંચથી વધુ વરસાદ વરસ્યો હતો. ચાલુ સીઝનમાં 15 તાલુકામાં સીઝનનો સરેરાશ 80 ઈંચ વરસાદ વરસ્યો હતો. રાજ્યના 34 ડેમ હાઈએલર્ટ પર, 20 ડેમ એલર્ટ પર, 19 ડેમ વોર્નિંગ પર છે. સરદાર સરોવર નર્મદા ડેમમાં કુલ 48.21 ટકા જળસંગ્રહ થયો છે. રાજ્યમાં કુલ 50.32 ટકા વિસ્તારમાં ખરીફ વાવેતર થયું છે. સૌથી વધુ 17.59 લાખ હેક્ટરમાં મગફળીનું વાવેતર થયું છે. કપાસનું 17.10 લાખ, ઘાસચારાનું 3.10 લાખ હેક્ટર, સોયાબીનનું 1.58 લાખ વિસ્તારમાં વાવેતર થયું છે. 80 હજાર હેક્ટરમાં મકાઈનું વાવેતર થઈ ચુક્યું છે. અત્યાર સુધીમાં 10 જિલ્લામાંથી 4278 નાગરિકોનું સલામત સ્થળાંતર જ્યારે 685નું રેસ્ક્યુ કરાયું છે.





















