Banaskantha Rain: શક્તિપીઠ અંબાજીમાં ધોધમાર વરસાદ, બજારોમાં નદી જેવા દ્રશ્યો
આજે બપોર બાદ બનાસકાંઠા જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. શક્તિપીઠ અંબાજી ખાતે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે.

બનાસકાંઠા: આજે બપોર બાદ બનાસકાંઠા જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. શક્તિપીઠ અંબાજી ખાતે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. અરવલ્લીની ગિરિમાળાઓમાં મેઘરાજાનું આગમન થયું છે. અંબાજી અને આજુબાજુના વિસ્તારોમા મેઘરાજા મન મૂકીને વરસ્યા છે.
અંબાજીની બજારોમાં પાણી વહેતા થયા
ભારે પવન સાથે વરસાદને પગલે અંબાજીની બજારોમાં પાણી વહેતા થયા હતા. દાંતા તાલુકાના અનેક ગામોમાં મેઘરાજાનીની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. અંબાજી પંથકમા બપોર બાદ વાતાવરણમા પલટો આવ્યો હતો. દિવસે આકાશમા અંધારપટ છવાયું હતું. બપોર બાદ વરસાદ આવતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. અંબાજી પંથકમાં વરસાદને લઈ લોકોને ગરમીથી રાહત મળી છે. અંબાજીના બજારોમાં પાણી નદીની જેમ વહેતા થયા હતા. ભારે વરસાદ વરસતા યાત્રાધામ અંબાજી પાણી પાણી થયું છે.
હવામાન વિભાગની આગાહી મુજબ આગામી સાત દિવસ સુધી વરસાદી માહોલ રહેશે. આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આજે બનાસકાંઠા, સાબરકાંઠામાં અત્યંત ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આગામી પાંચ દિવસ સુધી માછીમારો દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.
બે વરસાદી સિસ્ટમ સક્રિય
હવામાન વિભાગની આગાહી મુજબ આ સમય દરમિયાન પવન ગતિ 41થી 61 કિલોમીટર પ્રતિ કલાકે રહેશે. બે વરસાદી સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં અલગ-અલગ જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં આજે ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.
રાજ્યના અનેક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ
જ્યારે કચ્છ, પાટણ, ગાંધીનગર, મહેસાણા, અરવલ્લી, અમદાવાદ, સુરેન્દ્રનગર, મહીસાગર, દાહોદ, સુરત, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.
રાજ્યના અનેક જિલ્લાઓમાં યલો એલર્ટ
મોરબી, જામનગર, રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગર, ખેડા,પંચમહાલ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર અને ભરૂચમાં ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
છેલ્લા 24 કલાકમાં 81 તાલુકામાં વરસાદ
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 81 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. સૌથી વધુ પંચમહાલના જાંબુઘોડામાં 8 ઈંચ વરસાદથી જળબંબાકાર થયું હતું. છોટાઉદેપુરના પાવીજેતપુરમાં 5 ઈંચ વરસાદ ખાબક્યો હતો. સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે.
છેલ્લા 24 કલાકમાં જેતપુર પાવીમાં પાંચ ઈંચ, પેટલાદમાં પોણા ચાર ઈંચ, કપરાડામાં 3 ઈંચ, તારાપુરમાં પોણા 3 ઈંચ, હાલોલમાં પોણા 3 ઈંચ , બોરસદ, ઝઘડિયામાં અઢી-અઢી ઈંચ, આણંદમાં બે ઈંચ વરસાદ, ઉમરગામ, છોટાઉદેપુરમાં 2-2 ઈંચ, ચુડામાં પોણા બે ઈંચ, વડોદરામાં પોણા બે ઈંચ, આંકલાવ, બોડેલીમાં દોઢ-દોઢ ઈંચ, વાઘોડિયામાં સવા ઈંચ, કાલોલ, ઘોઘંબા, ખંબાતમાં એક-એક ઈંચ વરસાદ વરસ્યો હતો.





















