Weather Rain Forecast: 27 જૂન સુધી રાજ્યના આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગનું એલર્ટ
Weather Rain Forecast: ગુજરાત પર બેથી વધુ સિસ્ટમ સક્રિય હોવાથી સતત વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે 27 જૂન સુધી વરસાદની આગાહી કરી છે.

Weather Rain Forecast: રાજ્યમાં છેલ્લા એક સપ્તાહથી મેઘરાજાએ જમાવટ કરી છે. ઉલ્લેખનિય છે કે, ગુજરાત પર બેથી વધુ સિસ્ટમ સક્રિય હોવાથી ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગ અને અન્ય મોડલના આંકલન મુજબ ગુજરાતમાં 27 જૂન સુધી વરસાદનું અનુમાન છે. 27 જૂન સુધીમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી છે. ગુજરાતના કેટલાક વિસ્તારમાં ભારે તો કેટલાકમાં મધ્યમ વરસાદનું અનુમાન છે.
રાજ્યમાં આગામી ચાર દિવસ વરસાદની આગાહી છે. ચાર દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં રથયાત્રાના દિવસે પણ મેઘરાજાનું આગમન થઇ શકે છે,અમદાવાદમાં વરસાદનું આજે યલો એલર્ટ અપાયું છે. આજે દાહોદ, વડોદરામાં ભારે વરસાદનું એલર્ટ છે. આજે નવસારી, છોટાઉદેપુરમાં ભારે વરસાદનું એલર્ટ છે. ગીર સોમનાથ, ભાવનગર, દ્વારકામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે.
ગત સોમવારે મેધરાતાએ દક્ષિણ ગુજરાતને ઘમરોળ્યું હતું. ખાસ કરીને સુરત શહેર અને જિલ્લામાં ફાટ્યું આભ તેવી સ્થિતિ સર્જાઇ હતી. સવાર 8 વાગ્યાથી સાંજે 5 સુધીમાં સાડા આઠ ઇંચ વરસાદ પડી જતાં સુરતમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. ભારે વરસાદના કારણે સુરતની તમામ શાળા કોલેજના કેમ્પસ પણ ઘૂંટણસમા પાણીમાં ગરકાવ થઇ ગયા હતા. જેના પગલે રજા જાહેર કરી દેવાઇ હતી. સુરત શહેરના તમામ વિસ્તારમાં ઘૂંટણથી કેડસમા પાણી ભરાયા હતા. સુરતના અનેક માર્કેટોમાં પાણી ઘૂસી જતાં દુકાનોમાં રહેલા માલ સમાનને નુકસાન થયું છે. સુરતના અડાજણ, રાંદેર વિસ્તાર પણ જળમગ્ન હતા. સુરતની અનેક રહેણાંક સોસાયટીમાં પણ પાણી ભરાયા હતા. જેના કારણે રસ્તા બ્લોક થઇ હતા.
સુરતમાં અઠવાલાઇન્સ, પાર્લેપોઇન્ટ,રાંદેર, અડાજણ,પાલ, અઠવા વિસ્તારો જળમગ્ન થતાં જનજીવન પ્રભાવિત થયું છે. સુરતના કામરેજ ચાર રસ્તા પર પાણી ભરાયા છે. નેશનલ હાઈવે પરના સર્વિસ રોડ પર જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. પાણી ભરાતા સર્વિસ રોડ બંધ કરવીની ફરજ પડી હતી. સ્થાનિકો અહીં દર વર્ષે પાણીના ભરાવાથી પરેશાન રહે છે. અહીં દર વર્ષે સર્વિસ રોડ પર પાણી ભરાય છે.





















