(Source: ECI/ABP News/ABP Majha)
રાજ્યમાં આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી, આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ
સાત ઈંચ વરસાદથી રાજકોટના લાઠ અને આસપાસના ગામોના રસ્તાઓ જળબંબાકાર થયા છે.
રાજ્યમાં આજે પણ સાર્વત્રિક ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. રાજ્યના મોટા ભાગના જિલ્લામાં આજે ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.
આજે મહીસાગર, છોટા ઉદેપુર, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, વડોદરા, નર્મદા, વલસાડ, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, મહેસાણા, ખેડા, ડાંગ, તાપી, નવસારી, અમરેલી, દ્વારકા અને દીવમાં આજે ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. રાજ્યમાં અત્યાર સુધીમાં ચોમાસાની સિઝનનો 28 ટકા વરસાદ વરસી ચુક્યો છે.
રાજકોટના લાઠ ગામમાં 7 ઇંચ વરસાદ
રાજકોટના ઉપલેટા તાલુકાના લાઠ અને આસપાસના ગામોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. સાત ઈંચ જેટલો ધોધમાર વરસાદ વરસતા ચારેય તરફ પાણી પાણી થઈ ગયું છે. સાત ઈંચ વરસાદથી લાઠ અને આસપાસના ગામોના રસ્તાઓ જળબંબાકાર થયા છે. તો નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાયા છે. ગયા વર્ષે પણ વરસેલા ધોધમાર વરસાદથી લાઠ ગામમાં પાણી ઘુસી ગયુ હતુ.
જામનગર સાર્વત્રિક વરસાદ
જામનગર જિલ્લામાં રવિવારે સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. જામનગર જિલ્લાના તમામ તાલુકામાં રવિવારે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ધોધમાર વરસાદ વરસતા ચારેય તરફ જળબંબાકારની સ્થિતિ સર્જાય છે. તો સ્થાનિક નદીઓમાં પણ ઘોડાપુર આવ્યુ છે.
જામનગર જિલ્લાના કાલાવડના મુળિયા, લતિપુર, નપાણીયા, ખીજડીયા, ડેરી, નાના વડાળા, અને ગુંદા પંથકમાં નદી નાળા છલકાયા. તો અનેક ચેકડેમો પણ છલકાયા છે. ગામના માર્ગો પણ જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. જામનગરના મુળીયા ગામમાં તો બે કલાકમાં અનરાધાર સાત ઈંચ વરસાદ વરસતા જળબંબાકારની સ્થિતિ સર્જાય છે. કાલાવડના છતર ગામે ભારે વરસાદમાં જેસીબી તણાયુ હતું. ધસમસતા પાણીમાં જેસીબી સાથે ડ્રાઈવર પણ તણાયો. જેનો વીડિયો સોશલ મીડિયામાં વાયરલ થયો છે.
જામજોધપુર તાલુકાના ધ્રાફા ગામમાં પણ ધોધમાર વરસાદથી ફુલઝર નદીમાં ઘોડાપુર આવ્યુ. તો સોગઠી ગામે પણ ભારે વરસાદથી નદીઓ બે કાંઠે વહેતી થઈ. નરમાણા ગામમાં જણ ધોધમાર વરસાદ વરસતા બજારોમાં નદીઓ વહેતી થઈ હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા.
જિલ્લામાં સાર્વત્રિક ધોધમાર વરસાદથી ફુલઝર ડેમના સાત દરવાજા પાંચ ફુટ સુધી ખોલવામાં આવ્યા હતા. તો જામજોધપુર તાલુકાના સીદસર ગામ પાસે આવેલ ઉમિયા સાગર ડેમનું જળસ્તર જાળવવા માટે 10 દરવાજા પાંચ ફુટ ખોલવામાં આવ્યા હતા. તો પ્રશાસને પણ સ્થાનિકોને કાંઠા વિસ્તારમાં અવર જવર ન કરવા માટે સૂચના આપી હતી.