IAS કમલ દયાની બન્યા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેનનો ચાર્જ IAS અધિકારી કમલ દયાનીને સોંપવામાં આવ્યો છે. IAS એ કે રાકેશ પાસે ફેબ્રુઆરી 2022થી ગુજરાત ગૌણ સેવ પસંદગીનો વધારાનો હવાલો હતો.
ગાંધીનગર: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેનનો ચાર્જ IAS અધિકારી કમલ દયાનીને સોંપવામાં આવ્યો છે. IAS એ કે રાકેશ પાસે ફેબ્રુઆરી 2022થી ગુજરાત ગૌણ સેવ પસંદગીનો વધારાનો હવાલો હતો. આસિત વોરાએ રાજીનામું આપતા એ કે રાકેશને ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળનો વધારાનો હવાલો સોંપાયો હતો.
વિવાદ થતા અસિત વોરાએ રાજીનામું આપ્યું
હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થયા બાદ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન અસિત વોરાએ આ પેપરકાંડના બે મહિના બાદ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતુ. તેમના સ્થાને IAS એ.કે. રાકેશને ચાર્જ સોંપવામાં આવ્યો હતો. બોર્ડના ચેરમેનનો ચાર્જ સામાન્ય વહિવટ વિભાગના અધિક મુખ્ય સચિવ કમલ દયાનીને સોંપવામાં આવ્યો છે. IAS એ.કે. રાકેશને રાજ્ય સરકારે કૃષિ વિભાગમાં મુક્યા છે.
અનેક પરીક્ષાઓના પેપર અસિત વોરાના કાર્યકાળ દરમિયાન ફૂટ્યા
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની અનેક પરીક્ષાઓના પેપર અસિત વોરાના કાર્યકાળ દરમિયાન ફૂટ્યા હતા. એ સમયે રાજ્યમાં વિપક્ષના નેતાઓ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ અસિત વોરાના રાજીનામાની માંગ કરી હતી. પેપર લીક થયું હોવાની સરકારની સત્તાવાર જાહેરાત બાદ હેડ ક્લાર્કની પરીક્ષા રદ કરવામા આવી હતી.
પેપર લીક કૌભાંડનો ભાંડો ફોડનારા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ પણ અસિત વોરાને તેના માટે જવાબદાર ઠેરવ્યા હતા. આમ આદમી પાર્ટી તેમજ કોંગ્રેસ દ્વારા પણ આ મામલે સરકાર વિરુદ્ધ દેખાવો કરીને અસિત વોરાને હટાવવાની માંગ કરવામાં આવી હતી.
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના કાર્યો
રાજય સરકાર હેઠળના વિભાગો/ખાતાના વડાઓની કચેરીઓની વર્ગ-૩ ની બિનતાંત્રિક તથા તાંત્રિક સંવર્ગોની જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓ દ્વારા ઉમેદવારોની પસંદગી કરી નિમણૂક આપવા માટે ભલામણ કરવી.
રાજ્ય સરકાર હેઠળના/ખાતાના વડાઓની કચેરીઓમાં વર્ગ-3 ની બિનતાંત્રિક અને તાંત્રિક સંવર્ગના કર્મચારીઓને બઢતી માટેની ખાસ સ્પર્ધાત્મક પરીક્ષાઓનું આયોજન કરી, યોગ્ય ઉમેદવારોની બઢતી માટેની ભલામણ કરવી.
રાજય સરકાર હેઠળના વિવિધ વિભાગો/ખાતાના વડાઓની કચેરીઓના વર્ગ-૩ ના વિવિધ સંવર્ગોની ખાતાકીય ૫રીક્ષાઓ યોજવી.