જૂનાગઢની વિસાવદર બેઠકનો રોચક ઈતિહાસ, આ વખતે જામશે ત્રિપાંખિયો જંગ
વિસાવદરની પેટા ચૂંટણી આગામી 19 જૂનના રોજ યોજાવા જઈ રહી છે. આ બેઠક ઉપર સૌ કોઈની નજર છે કારણ કે અહીં આ વખતે ભાજપ,કોંગ્રેસ અને આપ વચ્ચે ત્રીપાંખિયો જંગ જામશે.

જૂનાગઢ: વિસાવદરની પેટા ચૂંટણી આગામી 19 જૂનના રોજ યોજાવા જઈ રહી છે. રાજયમાં વાવાઝોડાની સચોટ આગાહી કરનાર આગાહીકાર અંબાલાલ પટેલની જેમ વિસાવદરનો ગઢ કોણ જીતશે તે માટે રાજકીય આગેવાનોએ આગાહી કરવાનું શરુ કરી દીધુ છે. આ બેઠક ઉપર સૌ કોઈની નજર છે કારણ કે અહીં આ વખતે ભાજપ,કોંગ્રેસ અને આપ વચ્ચે ત્રીપાંખિયો જંગ જામશે. આ બેઠક પર યોજાનાર ચૂંટણી સરકાર માટે મોટો પડકાર બની ગઈ છે જેનું કારણ છે વિસાવદરના લોકો છેલ્લા દોઢ દાયકાથી આ બેઠક પર જે ધારાસભ્ય ચૂંટે છે તે હંમેશા વિપક્ષની પાટલીમાં બેસે છે.
જૂનાગઢ જિલ્લાની વિસાવદર બેઠક એટલે લેઉવા પાટીદાર મતદારોનો ગઢ ગણાય છે. આ બેઠક પર જનતા પાટીદાર નેતાને ચૂંટીને વિધાનસભા મોકલે છે. જોકે છેલ્લા 13 વર્ષથી આ બેઠક પર પાટીદાર નેતાઓ ચૂંટાયા છે પરંતુ તે ચૂંટાયેલા પ્રતિનિધિઓ સરકારની વિરુદ્ધ વિપક્ષની પાટલીએ બેસે છે. અહીંની જનતા 13 વર્ષથી સરકાર એટલે જે ભાજપ પક્ષના ધારાસભ્યને હારનો સ્વાદ ચખાડે છે.
વિસાવદરની બેઠકમાં ભાજપના વળતા પાણીની શરુઆત વર્ષ 2012 થી થઈ હતી. ભાજપના દિગ્ગજ પાટીદાર નેતા અને પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલે ભાજપ સાથે છેડો ફાડીને 2012માં ગુજરાત પરિવર્તન પાર્ટીની સ્થાપના કરી હતી. ત્યારે ભાજપ અને કોંગ્રેસ વચ્ચેના જંગમાં જીપીપી ત્રીજા પરિબળ તરીકે ઉપસી આવ્યું. ચૂંટણીમાં જીપીપીએ માત્ર બે ધારાસભ્યોથી સંતોષ માનવો પડયો. એક બેઠક અમરેલીની ધારી જયાં નલિન કોટડીયા જીત્યા અને બીજી બેઠક વિસાવદરની હતી જેમાં કેશુભાઈ પટેલ ખૂબ જ મોટી લીડથી વિજેતા બન્યા હતા. જોકે માત્ર બે ધારાસભ્યોથી સિમિત રહેલી જીપીપી પાર્ટીનું ખાસ કંઈ લાબુ રાજકીય ભવિષ્ય ટકી શકયું નહી. વર્ષ 2014માં કેશુભાઈની જીપીપી પાર્ટી ભાજપમાં વિલીન થઈ અને કેશુભાઈએ નાદુરસ્ત તબીયતને પગલે રાજીનામું આપતા વિસાવદરની બેઠક ખાલી પડી. 2014માં યોજાયેલી પેટા ચૂંટણીમાં ભાજપે કેશુભાઈના પુત્ર ભરત પટેલને ટિકિટ આપી. જંગી લીડથી ચૂંટાયેલા કેશુભાઈના પુત્ર ભરતભાઈને વિસાવદરની પ્રજાએ જાકારો આપી કૉંગ્રેસના હર્ષદ રિબડીયાને જીતાડી વિધાનસભામાં મોકલ્યા હતા.
વિસાવદર બેઠક પર પરંપરાગત રીતે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જંગ થતો રહ્યો છે. પરંતુ ગત ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ભૂપતભાઈ ભાયાણીએ ભાજપના હર્ષદ રિબડીયાને પરાજય આપી ખાતુ ખોલાવ્યું હતું. જોકે બાદમાં ભૂપતભાઈએ પણ ભાજપનો ખેસ ધારણ કરતા બેઠક ફરી ખાલી થઈ હતી. આ વખતે પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી (AAP)એ ગાપાલ ઈટાલીયાના નામની જાહેરાત કરતા ભાજપ ભુપત ભાયાણીને મેદાનમાં ઉતારે તો જંગ જામશે. ભાજપ,આપ અને કૉંગ્રેસે પણ ઉમેદવાર ઉતારવાની જાહેરાત કરતા આ બેઠક પર ત્રિપાંખિયો જંગ જોવા મળશે. ત્રણેય પક્ષો પોતાની જીત માટેના દાવા કરી રહ્યા છે.
ભાજપ અહી રાજ્યમાં સત્તામાં હોવાને કારણે વિકાસના કામો, તેમજ કેન્દ્ર-રાજ્યની લાભકારી યોજનાઓ અને મજબૂત સંગઠનના આધારે મત માંગશે અને જીત મળશે તેવી આશા રાખે છે. બીજી તરફ કોંગ્રેસ પક્ષ વિસાવદરની જનતાએ છેલ્લા ત્રણ ચૂંટણીથી જે રીતે સત્તાવિરૂદ્ધ મત આપ્યો છે તે ક્રમશ તેમના માટે આશાજનક હોવાનુ માને છે. જયારે આમ આદમી પાર્ટી નવા વિકલ્પ તરીકે ઉભરી રહી છે, ખાસ કરીને યુવાનો અને શહેરી વિસ્તારના મતદારોમાં પોતાની પકડ બનાવવાનો પ્રયાસ કરે છે.
વિસાવદરની બેઠક પર 13 વર્ષથી અહીંના ધારાસભ્ય સત્તા વિહોણા ચૂંટાતા આવ્યા છે એટલે કે વિપક્ષમાં બેસતા આવ્યા છે. અહીં અનેક જૂના વણઉકેલ પ્રશ્નો આજે પણ ત્યાંને ત્યાં જોવા મળે છે. આ વિસ્તાર મુખ્યત્વે ખેતી આધારીત છે. વિસાવદરની જમીન ખેતી માટે ખૂબ સારી ગણાય પરંતુ ખેતી માટે કોઈ સિંચાઈ યોજના તેમજ પાણીનો પ્રશ્ન વર્ષોથી ખેડૂતોને મૂંઝવતો જોવા મળે છે. અહીંના યુવાનોમાં રોજગારીની તંગી મુખ્ય મુદ્દો છે. યુવાનોમાં રોજગારીનો અભાવ સ્થાનિક સ્તરે ખૂબ જોવા મળે છે કારણકે અહીં કોઈ મોટા ઉઘોગ નથી કે અહીં કોઈ ઔધોગિક વિકાસ થયો નથી. વિસાવદર બેઠકનો મોટાભાગનો વિસ્તાર ગ્રામ્ય વિસ્તાર છે જયાં રસ્તાઓની હાલત ખૂબ ખરાબ જોવા મળે છે. સરકારી હોસ્પિટલોમાં સુવિધાઓનો અભાવ છે. તાલુકા અને ગ્રામ્ય સ્તરે વિકાસના કામો, તેમજ સરકારી યોજનાઓનો યોગ્ય અમલ થતો નથી અને પ્રજાની ફરિયાદો કોઈ સાંભળનારુ ન હોય જેને પગલે મતદારોમાં નારાજગી જોવા મળે છે.
છેલ્લી ત્રણ ચૂંટણીનો ઈતિહાસ જોઈએ તો અહીંના મતદારો હંમેશા સરકાર વિરુદ્ધના ઉમેદવારને પસંદ કરતા આવ્યા છે. વર્ષ 2012માં કેશુભાઈ પટેલ, 2017માં હર્ષદ રિબડીયા અને 2022ની ચૂંટણીમાં ભુપત ભાયાણી વિપક્ષી ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા. આ બતાવે છે કે અહીંના મતદારો પાર્ટીની લહેર નહીં પણ ઉમેદવાર અને સ્થાનિક મુદ્દાઓને વધારે મહત્ત્વ આપે છે.
આ વખતની ચૂંટણી ત્રણ પક્ષોની ટક્કર વચ્ચે પરિણામ પર અસર પહોંચાડી શકે છે. આ વખતે નવા ચહેરાઓ અને જૂના ઉમેદવારો વચ્ચે મુકાબલો થવાનો છે ત્યારે ઉમેદવારની લોકપ્રિયતા અને વિશ્વસનીયતાની પણ કસોટી થશે. જે પક્ષ લોકોની વાસ્તવિક સમસ્યાઓ પર ધ્યાન આપશે તે જીત મેળવશે.વિસાવદરની પેટા ચૂંટણી માત્ર એક બેઠકની ચૂંટણી નથી પરંતુ રાજ્યના રાજકીય દિશાને દોરતું એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે. જનતા પોતાના મૂલ્યાંકનથી ગુજરાતની રાજનીતિમાં ખૂબ જ ચર્ચાસ્પદ એવી વિસાવદર બેઠક પરિવર્તન કરશે કે પુનરાવર્તન તે જાણવુ રસપ્રદ બની રહેશે.



















