ગુજરાત પ્રદેશ કૉંગ્રેસના અધ્યક્ષ અને નેતા વિપક્ષ તરીકે નામ નક્કી, હાઈકમાન્ડની લીલીઝંડી બાદ સત્તાવાર જાહેરાત થશે, જાણો વધુ વિગતો
ગુજરાત પ્રદેશ અધ્યક્ષ પદે જગદીશ ઠાકોરના નામ પર મહોર મારવામાં આવી છે, જ્યારે વિપક્ષ નેતા પદે સુખરામ રાઠવાની પસંદગી કરાઈ છે.
પૂર્વ સાંસદ જગદીશ ઠાકોર ગુજરાત પ્રદેશ કૉંગ્રેસના નવા અધ્યક્ષ બની શકે છે. પાવી જેતપુરના ધારાસભ્ય સુખરામ રાઠવા વિધાનસભામાં વિપક્ષના નેતા બની શકે છે. બંન્ને નેતાઓએ દિલ્હીમાં રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી છે. હાઈકમાન્ડની લીલીઝંડી બાદ સત્તાવાર જાહેરાત થશે.
ગુજરાત પ્રદેશ અધ્યક્ષ પદે જગદીશ ઠાકોરના નામ પર મહોર મારવામાં આવી છે, જ્યારે વિપક્ષ નેતા પદે સુખરામ રાઠવાની પસંદગી કરાઈ છે. આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. હાઈકમાન્ડ દ્વારા આ અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવી શકે છે. ગુજરાત કોંગ્રેસમાં પ્રમુખ પદ અને વિરોધ પક્ષના નેતા માટે લાંબા સમયથી અંદરોઅંદર નેતાઓ વચ્ચે ખેચતાણ ચાલી રહી હતી. જેમા ભરતસિંહ સોલંકી અને હાર્દિક પટેલ સહિતના નેતાઓ પ્રમુખ બનવા માટે લોબિંગ કરી રહ્યા હતા. ગુજરાત કોંગ્રેસના નવા પ્રમુખના મામલે પ્રભારી રઘુ શર્માથી માંડીને રાહુલ ગાંધી સુધી બેઠકો ચાલી હતી.
રાહુલ ગાંધીના નિવાસસ્થાને કોંગ્રેસના નેતાઓની વન ટુ વન બેઠકમાં મોટા ભાગના નેતાઓએ હાર્દિક પટેલને પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવશે તો ફરી એકવાર ગુજરાત કોંગ્રેસમાં મોટું ભંગાણ થવાની ચીમકી ઉચ્ચારી હતી. એટલું જ નહીં, કોંગ્રેસના 20 જેટલા ધારાસભ્યો પણ કોંગ્રેસ છોડવાની ચીમકી ઉચ્ચારી હતી. જેના કારણે કોંગ્રેસ હાઈકમાન્ડ અવઢવમાં પડી ગયા હતા. પરંતુ આખરે તેનો અંત આવી ગયો છે.
સુખરામભાઈ રાઠવા છોટા ઉદેપુરના પાવીજેતપુરના ધારાસભ્ય છે. જ્યારે જગદીશ ઠાકોર પૂર્વ સાંસદ અને ઠાકોર નેતા છે. ગઈ કાલે દીપક બાબરિયાનું નામ સામે આવતા અનેક નેતાઓમાં ચહલ-પલ મચી ગઈ હતી. જોકે, રાહુલ ગાંધીએ ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ બનવા માટેની જે શરત રાખી છે, તે પછી મોટા ભાગના નેતાઓ આ રેસમાંથી બહાર થઈ ગયા છે.
વાત એવી છે કે, ગુજરાત કોંગ્રેસના પ્રમુખ માટે રાહુલ ગાંધીએ આદેશ આપ્યો છે કે, જે પ્રદેશ પ્રમુખ બનશે તે ચૂંટણી નહિ લડી શકે. રાહુલ ગાંધીના આદેશથી મોટા ભાગના લોકો પ્રમુખની રેશમાંથી નીકળી ગયા છે પ્રમુખ બનવા માંગતા મોટાભાગના લોકોને આગામી ચૂંટણી લડવી છે. બીજી તરફ દીપક બાબરીયાએ ચૂંટણી લડવાનીના પાડી છે.
નોંધનીય છે કે, ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ પદેથી અમિત ચાવડા અને વિધાનસભામાં વિપક્ષના નેતા પદેથી પરેશ ધાનાણીનું રાજીનામું સ્વીકારી લેવામાં આવ્યું છે. ત્યારે હવે કોંગ્રેસના નવા સુકાની બનશે, તેના પર સૌની નજર હતી. આવનાર વર્ષમાં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી યોજાઇ રહી છે. રાજકિય પક્ષો તેની તૈયારીમાં લાગી ગયા છે. કોંગ્રેસ પાર્ટી પણ વિધાનસભાની ચૂંટણીને લઇને રણનિતી તૈયાર કરી રહી છે.