સતત ત્રીજા વર્ષે જીતુ વાઘાણી ગુજરાત વિધાનસભાની જાહેર હિસાબ સમિતિના પ્રમુખ બન્યા
વિધાનસભા અધ્યક્ષે સમિતિઓની મુદ્દત લંબાવતા જીતુભાઈ વાઘાણીની પુનઃ નિમણૂક, સમિતિએ અત્યાર સુધીમાં ₹3,50,000 કરોડની તપાસ પૂર્ણ કરી.

Jitubhai Vaghani PAC Chairman: ગુજરાત વિધાનસભાના જાહેર હિસાબ સમિતિના પ્રમુખપદે સતત ત્રીજા વર્ષે જીતુભાઈ વાઘાણીની વરણી કરવામાં આવી છે. વિધાનસભાના છઠ્ઠા સત્ર દરમિયાન અધ્યક્ષ શંકરભાઇ ચૌધરીએ વિધાનસભાની તમામ નાણાકીય તથા બિન-નાણાકીય સમિતિઓની મુદ્દત સાતમા સત્ર સુધી લંબાવવાની જાહેરાત કરી હતી. આ નિર્ણયના પરિણામે જીતુભાઈ વાઘાણી ફરી એકવાર આ મહત્વપૂર્ણ સમિતિના પ્રમુખ બન્યા છે.
આ સમિતિમાં જીતુભાઈ વાઘાણી સાથે વિનેન્દ્રસિંહ ઝાલા, સી. કે. રાઉલજી, જયેશ રાદડીયા, ઇશ્વરસિંહ પટેલ, કિશોર (કુમાર) કાનાણી અને નરેશભાઇ પટેલ સભ્ય તરીકે કાર્યરત રહેશે. આ ઉપરાંત, અનુભવી ધારાસભ્યો અર્જુનભાઇ મોઢવાડીયા, શૈલેષ પરમાર, કાંતીલાલ અમૃતિયા, અરવિંદ રાણા અને નવા યુવા ધારાસભ્યો પ્રવિણકુમાર માળી, ડો. હસમુખ પટેલ, અમુલ ભટ્ટ અને હેમંતભાઇ આહિર પણ સમિતિમાં યોગદાન આપશે.
જીતુભાઈ વાઘાણીના નેતૃત્વ હેઠળની પંદરમી ગુજરાત વિધાનસભાની જાહેર હિસાબ સમિતિએ અત્યાર સુધીમાં નોંધપાત્ર કામગીરી કરી છે. સમિતિએ પોતાનો પ્રથમ અહેવાલ 28મી ફેબ્રુઆરી, 2024ના રોજ, બીજો અહેવાલ 23મી ઓગસ્ટ, 2024ના રોજ અને તાજેતરમાં પૂર્ણ થયેલા બજેટ સત્રમાં 21મી માર્ચ, 2025ના રોજ રજૂ કર્યો હતો. આ અહેવાલોમાં વર્ષ 2011-12 અને 2014-15ના બે વર્ષના હિસાબોની ચકાસણી કરવામાં આવી હતી. સમિતિએ અત્યાર સુધીમાં અંદાજે રૂપિયા ૩,૫૦,૦૦૦ કરોડની નાણાકીય બજેટ જોગવાઈઓની તપાસ પૂર્ણ કરી છે.
વર્ષ 2023-24 દરમિયાન સમિતિએ કુલ 40 બેઠકો યોજી હતી, જેમાં 2692 ફકરાઓનું નિરાકરણ લાવવામાં આવ્યું હતું. તે જ રીતે, વર્ષ 2024-25માં કુલ 29 બેઠકોમાં 1517 ફકરાઓ સેટલ કરવામાં આવ્યા છે. આમ, છેલ્લા બે વર્ષમાં સમિતિ દ્વારા કુલ 4289 પારાને સેટલ કરવામાં આવ્યા છે, જે સમિતિની કાર્યક્ષમતા અને નાણાકીય બાબતો પ્રત્યેની તેની પ્રતિબદ્ધતાને સ્પષ્ટપણે દર્શાવે છે.
સતત ત્રીજા વર્ષે જીતુભાઈ વાઘાણીની પ્રમુખ તરીકેની વરણી એ નાણાકીય શિસ્ત અને પારદર્શિતા જાળવવા માટેના તેમના પ્રયાસોની કદરરૂપે જોવામાં આવે છે. તેમના નેતૃત્વ હેઠળ, જાહેર હિસાબ સમિતિએ રાજ્યના નાણાકીય વ્યવસ્થાપનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.

