વાવાઝોડાને પગલે આ જિલ્લાની શાળામાં રજા જાહેર, આચાર્ય અને સ્ટાફે હાજર રહેવા આદેશ
બિપરજોય વાવાઝોડાની અસર રાજ્યના દરિયા કાંઠે જોવા મળી રહી છે. પ્રસિદ્ધ યાત્રાધામ હર્ષદ માતાજી ખાતે દરિયાનું પાણી રોડ પર આવી ગયું છે.
ગાંધીનગરઃ બિપરજોય વાવાઝોડુ ગુજરાતના દરિયા કિનારે ત્રાટકશે તે નક્કી છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, બિપરજોય વાવાઝોડું 5 કિલોમિટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે. વાવાઝોડુ પોરબંદરથી દક્ષિણ-પશ્ચિમમાં 360 કિ.મી, દેવભૂમિ દ્વારકાથી દક્ષિણ-દક્ષિણ પશ્ચિમમાં 400 કિ.મી, કચ્છના નલિયાથી દક્ષિણ-દક્ષિણ પશ્ચિમમાં 490 કિ.મી દૂર છે.
વાવાઝોડાને પગલે જુનાગઢ જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં 12 અને 13 જૂન રજા જાહેર કરાઈ છે. રજાઓ દરમિયાન શાળાના આચાર્ય અને સ્ટાફે હાજર રહેવાનું રહેશે. વાવાઝોડાની આગાહી સંદર્ભે તકેદારીના ભાગરૂપે આ નિર્ણય લેવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓ માટે રજાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
દરિયાકાંઠે હાલમાં બિપરજોય વાવાઝોડાનો ખતરો છે. દરિયાકાંઠાના જિલ્લાઓમાં પ્રસાશન દ્વારા લોકોને સતર્ક કરવામાં આવી રહ્યા છે. બિપરજોય વાવાઝોડાને લઈ દ્વારકાના દરિયાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે. ગોમતી ઘાટ પર 15થી 20 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા છે. સાવચેતીના ભાગરૂપે પ્રશાસને ઘાટ પર લોકોની અવરજવર પર રોક મૂકી છે. બિપરજોય વાવાઝોડાને લઈ હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે.
દેવભૂમિ દ્વારકાના ગોમતી ઘાટના સંગમ નારાયણ ઘાટમાં બારે માસ પ્રવાસીઓ અને દર્શનાર્થીઓ આવતા હોય છે. હાલમાં ગોમતી ઘાટ પર લોકોને પ્રવેશ આપવામાં નથી આવી રહ્યો. દરિયો પોતાનું રોદ્ર સ્વરૂપ ધારણ કરી ચૂક્યો છે. દ્વારકા ના ગોમતી ઘાટ અને અન્ય સમુદ્ર કિનારે 20 ફૂટ ઊંચા મોજા ઉછળવાનું શરૂ થયું છે. દરિયા કિનારે અને ઘાટ પર પ્રવાસીઓની અવરજવર પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.
બિપરજોય વાવાઝોડાની અસર રાજ્યના દરિયા કાંઠે જોવા મળી રહી છે. પ્રસિદ્ધ યાત્રાધામ હર્ષદ માતાજી ખાતે દરિયાનું પાણી રોડ પર આવી ગયું છે. હર્ષદ ખાતે દરિયામાં કરંટ દેખાયા બાદ દરિયાનાં પાણી રસ્તા પર આવતા બિપરજોય વાવાઝોડાની અસર દેખાઈ રહી છે. અહીં અનેક દુકાનો સુધી પાણી ઘૂસ્યા છે.
અમરેલી જિલ્લાના દરિયાકાંઠે વાવાઝોડાની અસરથી પોલીસ તંત્ર એક્શનમાં આવ્યું છે. જિલ્લા પોલીસ વડાએ જાફરાબાદ દરિયા બંદરની મુલાકાત લીધી છે. આજે સાંજે અમરેલી એસપી હિમકર સિંહ અને ડીવાયએસપી હરેશ વોરા સહિતની પોલીસની ટીમે જાફરાબાદ લાઈટ હાઉસ દરિયાકાંઠાની મુલાકાત લીધી હતી. અમરેલી જિલ્લાના બિપરજોય વાવાઝોડાથી પ્રભાવિત દરિયાકાંઠાના જાફરાબાદ પીપાવાવ શિયાળ બેટ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પોલીસ સુરક્ષાની વ્યવસ્થા અંગેની જાણકારી આપી. તેમજ આગેવાનો અને માછીમારો સાથે વાતચીત કરી હતી. અમરેલી જિલ્લાના પ્રભાવિત થનારા દરિયાકાંઠાના તમામ સ્થળોએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે. જરૂર પડે અસરગ્રસ્ત થાય તેવા લોકોને સેન્ટર હોમમાં ખસેડવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. પોલીસની સમગ્ર ટીમ ઉપર જિલ્લા પોલીસવડા ખુદ મોનિટરિંગ કરી રહ્યા છે.