(Source: ECI/ABP News/ABP Majha)
Kheda News: ઠાસરાના દિપકપુરા ગામમાં ખેતરમાં ધરૂ રોપતા સમયે વીજળી પડતાં સગીરનું મોત, બે ઘાયલ
વરસાદની ઋતુમાં વીજળી પડવાના કિસ્સાઓ વારંવાર બને છે.
Latest Kheda News: રાજ્યમાં આજે ઘણી જગ્યાએ ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં આવેલા દિપકપુરા ગામમાં સીમ વિસ્તારમાં વીજળી પડતા 13 વર્ષના સગીરનું મોત થયું હતું. જ્યારે અન્ય બે લોકો ઘાયલ થયા હતા. ખેતરમાં ડાંગરનું ધરુ રોપતા સમયે વીજળી પડતા આ ઘટના બની હતી. જેમાં ધોરણ 8માં અભ્યાસ કરતો અજય પરેશભાઈ રાઠોડનું ઘટના સ્થળે મોત થયું હતું. મહેન્દ્રભાઈ રાઠોડ અને અરવિંદભાઈ રાઠોડ ઘાયલ થતા સારવાર અર્થે ઠાસરા સરકારી હોસ્પિટલ ખસેડાયા હતા. મૃતક અજય રાઠોડનો મૃતદેહ પીએમ અર્થે ડાકોર સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો.
બે દિવસ પહેલા જામનગર તાલુકાના દોઢીયા ગામે ખેતરમાં વીજળી પડી હતી. વીજળી પડતા બે લોકો દાઝ્યા હતા. વીજળી પડતા બંને લોકોને 108 મારફત જામનગર જીજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. વીજળી પડતા નિમીષા નામની 30 વર્ષની મહિલાનું મોત થયું હતું અને અલ્પેશ નામનો 19 વર્ષીય યુવાન હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
ક્લાઈમેટ રેઝિલિયન્ટ ઓબ્ઝર્વિંગ સિસ્ટમ્સ પ્રમોશન કાઉન્સિલે ભારતીય હવામાન વિભાગના સહયોગથી એક નકશો બહાર પાડ્યો છે. જેમાં વીજળીથી પ્રભાવિત વિસ્તારોની માહિતી આપવામાં આવી છે. આ મેપ અનુસાર, વીજળી પડવાની સૌથી વધુ ઘટનાઓ મધ્યપ્રદેશમાં બને છે. આ પછી છત્તીસગઢ, મહારાષ્ટ્ર, ઓડિશા અને બંગાળ આવે છે. આ રાજ્યો ઉપરાંત બિહાર, ઝારખંડ, ઉત્તર પ્રદેશ, તમિલનાડુ અને કર્ણાટકમાં પણ વીજળી પડવાની ઘટનાઓ બને છે. જણાવી દઈએ કે, દેશના શહેરી વિસ્તારોમાં વીજળી પડવાની ઘટનાઓ વધુ અનુભવાતી નથી. પરંતુ ગ્રામીણ વિસ્તારોમાં આ ખૂબ જ સામાન્ય ઘટના છે.
વરસાદની ઋતુમાં વીજળી પડવાના કિસ્સાઓ વારંવાર બને છે. જ્યારે ચોમાસાના દિવસોમાં વધુ વાદળો હોય છે, ત્યારે આપણે ઘણીવાર આકાશમાંથી વીજળીની સાથે ગર્જનાનો અવાજ સાંભળીએ છીએ. ત્યારે મનમાં સવાલ હશે કે આ વીજળી કેવી રીતે પડે છે અને વીજળી ક્યાંથી આવે છે અને ક્યાં જાય છે.
વિજ્ઞાની બેન્જામિન ફ્રેન્કલિને સૌપ્રથમ 1872માં વીજળી પડવાનું સાચું કારણ સમજાવ્યું હતું. તેમણે કહ્યું કે આકાશમાં વાદળોમાં પાણીના નાના કણો હોય છે, જે હવા સાથે ઘર્ષણને કારણે ચાર્જ થઈ જાય છે. કેટલાક વાદળો પોઝિટિવ ચાર્જ ધરાવે છે અને કેટલાક નેગેટિવ ચાર્જ ધરાવે છે. જ્યારે બંને પ્રકારના ચાર્જવાળા વાદળો એકબીજા સાથે અછડાય છે ત્યારે લાખો વોલ્ટ વીજળી ઉત્પન્ન થાય છે. જ્યારે કોઈ ચાર્જ થયેલ વાદળ પૃથ્વી પર કોઈ ઊંચા વૃક્ષ કે ઈમારતની નજીકથી પસાર થાય છે, ત્યારે ઈમારત કે વૃક્ષમાં તેના ચાર્જ સામે વિપરીત ચાર્જ સર્જાય છે, જ્યારે આ પ્રમાણ વધારે હોય છે, ત્યારે વાદળમાંથી વીજળી ઈમારત કે વૃક્ષ પર પડે છે. આપણે વાદળોની વચ્ચે ચમકતી વીજળી જોઈએ છીએ અને તેનાથી કોઈ નુકસાન થતું નથી, પરંતુ જ્યારે વાદળોમાંથી વીજળી જમીન પર પડે છે ત્યારે નુકસાન પહોંચાડે છે. હવામાનશાસ્ત્રીઓના મતે આ આકાશી વીજળી ધરતી પર પહોંચ્યા બાદ એવું માધ્યમ શોધે છે જ્યાંથી તે પસાર થઈ શકે. વીજળી પડવાની શક્યતા વૃક્ષ કે ઈમારત પર વધુ રહે છે.