'હવે અનશન પર ઉતરીશ, જાન પણ ન્યૌછાવર કરી દઇશ ને....' - ભીંતચિત્રો પર કાળો કૂચડો મારનાર હર્ષદ ગઢવીનું નિવેદન
ભીંતચિત્રો પર હવે હર્ષદ ગઢવીનું પહેલું મોટુ નિવેદન સામે આવ્યુ છે, તેમને કહ્યું કે, હું સ્વામિનારાયણ સંપ્રદાયનો વિરોધી નથી પરંતુ તેમની વૃત્તિ અને પ્રવૃતિઓનો વિરોધી છું.
Sarangpur Controversy: છેલ્લા કેટલાય દિવસોથી ગુજરાતમાં સ્વામિનારાયણ સંપ્રદાયની હરકતોને લઇને વિવાદ ચાલી રહ્યો છે. સાળંગપુરમાં હનુમાનજી પ્રતિમા અને ભીંતચિત્રમાં વિવાદિત રીતે હનુમાનજીને કંડારવામાં આવ્યા છે, આ મુદ્દે રાજ્ય અને દેશના કેટલાય સાધુ-સંતોએ આને તાત્કાલિક દુર કરવાની માંગ કરી છે. જોકે, આ બધાની વચ્ચે ચારણકી ગામના જ હનુમાન ભક્ત હર્ષદ ગઢવીએ કુહાદી સાથે સાળંગપુર મંદિરમાં પ્રવેશ કર્યો હતો અને આ ભીંતચિત્રો પર કાળો કૂચડો મારી દીધો હતો. પોલીસે હર્ષદ ગઢવીની અટકાયત કરી હતી, હવે હાર્ષદ ગઢવી જામીન પર બહાર છે.
ભીંતચિત્રો પર હવે હર્ષદ ગઢવીનું પહેલું મોટુ નિવેદન સામે આવ્યુ છે, તેમને કહ્યું કે, હું સ્વામિનારાયણ સંપ્રદાયનો વિરોધી નથી પરંતુ તેમની વૃત્તિ અને પ્રવૃતિઓનો વિરોધી છું. હર્ષદ ગઢવીએ આજે સનાતન ધર્મની જય સાથે નિવેદન આપ્યું છે કે, હું સ્વામિનારાયણ સંપ્રદાયનો વિરોધી નથી, પણ તેમની વૃત્તિ અને પ્રવુતિનો વિરોધી છું, હનુમાનજીનું અપમાન જોયા બાદ ગુસ્સો કન્ટ્રૉલમાં ના રહ્યો અને મારે ના છૂટકે આ કરવુ પડ્યું. સનાતન ધર્મના સાધુ-સંતોને વારંવાર આ ભીંતચિત્રો હટાવવા હાથ જોડીને વિનંતી કરી, છતા પણ ભીંતચિત્રો હટાવવામાં આવ્યા ન હતા. હવે હું જે કાઈ પગલું ભરીશ તે ગુજરાતના સનાતન ધર્મના સાધુ સંતોને મળીને જ ભરીશ. જો ભીંતચિત્ર હટાવવામાં નઇ આવે તો અનશન પર ઉતરીશ અને જરૂર પડશે તો જાન ન્યૌછાવર પણ કરી દઇશ. ઉલ્લેખનીય છે કે, હર્ષદ ગઢવી હાલમાં જામીન પર બહાર છે, અને તેમને હવે અનશન કરવાની ચિમકી ઉચ્ચારી છે.
ભીંતચિત્રોને નુકશાન પહોંચાનાર હર્ષદ ગઢવીના સમર્થનમાં આવ્યા ગામના સરપંચ અને હિન્દુ સંગઠન
સાળંગપુર હનુમાનજી મૂર્તિ વિવાદ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. સાળંગપુર ખાતે ભીત ચિત્રો પર શાહી ફેંકનાર હર્ષદ ગઢવીના સમર્થનમાં લોકો આવી રહ્યા છે. હર્ષદ ગઢવીના સમર્થનમાં બરવાળા પોલીસ મથકમાં અરજી કરવામાં આવી છે. બરવાળા પોલીસ મથક ખાતે બરવાળા તાલુકા હિન્દુ યુવા સંગઠન અને સાધુ સંતો અરજી દેવા પહોંચ્યા છે. બરવાળા લક્ષ્મણજી મંદિરના મહંત મહામંડલેશ્વર જગદેવદાસ બાપુએ અરજી આપી છે.
હર્ષદ ગઢવી દ્વારા કરાયેલ કૃત્યને સમર્થન આપવામા આવ્યું છે. તેમણે કહ્યું કે, હર્ષદ ગઢવી સજ્જન વ્યક્તિ છે.મંદિરે રજૂઆત કરવા ગયેલ ત્યારે યોગ્ય જવાબ નહીં મળતા ધાર્મિક લાગણી દુભાતા ભીત ચિત્રોને નુકસાન કર્યું. જ્યાં કિંગ ઓફ સાળંગપુર મૂર્તિ વિશાળ બનાવાઈ ત્યારે એની નીચે હનુમાનજીને સામાન્ય વ્યક્તિ ઘણી ઝુકાવવાનું કામ કર્યું તે દુખદ છે.સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે બેધારી નીતિના વિરોધમાં અરજી આપવામાં આવી છે.
તો બીજી તરફ સાળંગપુર ભીતચિત્રોને કાળો કલર કરી નુકસાન પહોંચાડનાર હર્ષદ ગઢવીને ચારણકી ગામના સરપંચ સહિત ગામલોકોએ સમર્થન આપ્યું છે. સમર્થનમાં સરપંચ સહિત ગામલોકોએ પ્રતિક્રિયા આપી છે. હર્ષદ ગઢવીએ કરેલ કૃત્યને લોકોએ યોગ્ય ગણાવી સમર્થન આપતા સાથે હોવાનું જણાવ્યું છે. હર્ષદ ગઢવી ધાર્મિક માણસ છે એટલે લાગણી દુભાય એ સ્વાભાવિક છે. હર્ષદ ગઢવીએ પોતાની વાડીમાં ગજાનંદ આશ્રમ બનાવ્યો છે સાથે જ સાળંગપુર જતા પદયાત્રીઓ માટે આશ્રમમાં સુંદર વ્યવસ્થા પણ કરેલ છે.
ભીંત ચિત્રો પર કાળો કલર મારવામાં આવ્યો
સાળંગપુર હનુમાનજી વિવાદિત ચિત્રો પર હનુમાન ભક્ત હર્ષદ ગઢવી દ્વારા કાળો કલર મારવામાં આવ્યો હતો. જેની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે. દેશના સુપ્રસિદ્ધ અને લાખો શ્રદ્ધાળુઓના આસ્થાના કેન્દ્ર સમાન સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરમાં સ્થાપિત કરાયેલા કિંગ ઓફ સાળંગુપરની વિશાળ પ્રતિમા નીચે ભીંત ચિત્રોમાં હનુમાનજી મહારાજને સહજાનંદ સ્વામીના દાસ તરીકે દર્શાવવામાં આવતા હિન્દુ સમાજમાં ભારે આક્રોશ ફેલાયો છે. આ વિવાદ દિવસેને દિવસે વધી રહ્યો છે. આ દરમિયાન આવતીકાલે સવારે 10 કલાકે અમદાવાદમાં સંતો ભેગા થશે. અમદાવાદના ભારતી આશ્રમ, સરખેજ, લંબે હનુમાન મંદિરે સંતો એકઠા થશે. ઉત્તર અને મધ્ય ગુજરાત તેમજ સૌરાષ્ટ્રથી સંતો આવશે તેવો દાવો કરવામાં આવ્યો છે.