Kutch: કચ્છના યશ તોમર કેસનો ભેદ ઉકેલાયો, 1200 GB ડેટા તપાસી આરોપી સુધી પહોંચી પોલીસ
kutch: કચ્છમાં વેપારીના પુત્રના અપહરણ અને હત્યાના કેસનો ભેદ પોલીસે ઉકેલી લીધો છે
Kutch: કચ્છમાં વેપારીના પુત્રના અપહરણ અને હત્યાના કેસનો ભેદ પોલીસે ઉકેલી લીધો છે. મળતી જાણકારી અનુસાર, ગાંધીધામ વેપારી પુત્ર યશ તોમરના અપહરણ અને હત્યા કેસનો પૂર્વ કચ્છ પોલીસે ભેદ ઉકેલી નાંખ્યો હતો. વેપારી પુત્રના હત્યા કેસમાં રાજેન્દ્ર કાલરિયા અને કિશન સીંચ નામના બે આરોપીની પોલીસે ધરપકડ કરી હતી.
પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું આરોપી રાજેન્દ્રએ લાખો રૂપિયા વસૂલવાના ઈરાદે પૈસાદાર પરિવારના દિકરાનું અપહરણ કર્યું હતું. પોલીસે છેલ્લા 15 દિવસથી વિવિધ ટીમો બનાવી સીસીટીવી ફૂટેજની ઉલટ તપાસ શરૂ કરી હતી. 1 હજાર 200 જીબીના ડેટાની તપાસ કરતા પોલીસ આરોપી સુધી આવી પહોંચી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે આરોપીઓ મદદ કરવાના બહાને વેપારી પુત્રને વિરાન જગ્યાએ લઈ ગયા હતાં. જ્યાં પાઈપથી ઘા મારી હત્યા નિપજાવ્યા બાદ ગળેટૂંપો આપ્યો હતો. બનાવને અંજામ આપ્યા પહેલા 45 દિવસની રેકી કરી હતી.
આ બાબતે પૂર્વ કચ્છ એસપી સાગર બાગમારેએ જણાવ્યું હતું કે, 6 નવેમ્બરના રોજ યશ તોમરનું અપહરણ થયાની જાણકારી તેના પરિવારે આપી હતી. બાદમાં પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી યુવકની શોધખોળ શરૂ કરી હતી. આ કેસ મામલે અંજાર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. અપહરણકારોએ યશના પરિવાર પાસે ખંડણીની પણ માંગણી કરી હતી. ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરવામાં આવી હતી.
પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે આરોપી રાજેન્દ્રકુમાર ઉર્ફે રાજુ નરસિંહભાઈ કાલરીયાનું થોડા સમયથી કામ ચાલતું ન હતું જેથી તે આર્થિક સંકડામણમાં ફસાયો હતો. જેથી તેણે કિશન સાથે મળીને યશનું અપહરણ કર્યું હતું અને તેના પરિવારને ખંડણી માટે ફોન કર્યો હતો. બાદમાં યશની હત્યા કરી નાખી હતી. આરોપી રાજેન્દ્ર યશનાં પરિવારજનોને પહેલાથી ઓળખતો હતો. આજથી પાંચ છ વર્ષ પહેલા બંને એક જ સોસાયટીમાં રહેતા હતા. એટલે બંને પરિવારજનો એકબીજાને ઓળખતા હતા. જેથી યશ પણ રાજેન્દ્રને ઓળખતો હતો. પોલીસે 350 થી વધુ સીસીટીવી ફુટેજનાં આધારે તપાસ હાથ ધરી હતી.