કોરોના સામે લડવા મોરારી બાપૂએ 1 કરોડના દાનની જાહેરાત કરી, જાણો ક્યાં વપરાશે ?
બેકાબૂ બનેલી કોરોનાની લહેર અટકવાનું નામ જ નથી લઈ રહી. દેશમાં કોરોનાના કેસ દરરોજ નવા રેકોર્ડ તોડી રહ્યા છે. મોરારી બાપૂએ આજે રાજુલામાં રામકથા દરમિયાન મોટી જાહેરાત કરી છે.
અમરેલી: કોરોના વાયરસથી બીજી લહેર ખૂબ જ ખતરનાક સાબિત થઈ રહી છે. રાજ્યમાં કોરોનાના કેસ ખૂબ ઝડપથી વધી રહ્યા છે. બેકાબૂ બનેલી કોરોનાની લહેર અટકવાનું નામ જ નથી લઈ રહી. દેશમાં કોરોનાના કેસ દરરોજ નવા રેકોર્ડ તોડી રહ્યા છે. મોરારી બાપૂએ આજે રાજુલામાં રામકથા દરમિયાન મોટી જાહેરાત કરી છે. કોરોનાની વિકટ સ્થિતિમાં ઓક્સિજન, ઇન્જેક્શન, બેડ, દવા કે ડૉક્ટરની સેવા માટે 1 કરોડ રૂપિયાના દાનની જાહેરાત કરી છે.
1 કરોડમાંથી જરૂરિયાત હશે એ પ્રમાણે વાપરવામાં આવશે. 25-25 લાખ રૂપિયા રાજુલા, મહુવા, સાવરકુંડલા અને તળાજા આ ચાર તાલુકામાં કોરોના સંદર્ભે જે પ્રમાણે જરૂરિયાત હશે તે મુજબ વાપરવામાં આવશે. મોરારી બાપૂની આ જાહેરાતને લોકોએ આવકારી છે.
કોરોનાના પ્રસારને રોકવા માટે પ્રજાએ સ્વૈચ્છિક લોકડાઉન સ્વીકાર કર્યો છે અને બધા માસ્ક વગેરે સુરક્ષિત સંસાધનોનો ઉપયોગ કરી રહ્યાં છે. આ અંગે અગાઉ બાપુએ જનતાને ધન્યવાદ આપતાં જણાવ્યું હતું કે આરોગ્ય યજ્ઞમાં સૌ પોતાનું યોગદાન આપી રહ્યાં છે.
નોંધનીય છે કે, ગઈકાલે રાજ્યમાં પ્રથમ વખત 13,105 નવા કેસ નોંધાયા છે. જ્યારે વધુ 137 લોકોનાં મૃત્યુ થયા છે તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 5877 પર પહોંચી ગયો છે.
રાજ્યમાં આજે 5,010 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 3,55,875 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 92 હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 92084 પર પહોંચ્યો છે. જેમાંથી 376 લોકો વેન્ટિલેટર પર અને 91708 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 78.41 ટકા છે.
કોરોનાથી ક્યાં કેટલા મોત થયા ?
આજે અમદાવાદ કોર્પોરેશનમાં 23, સુરત કોર્પોરેશનમાં 22, રાજકોટ કોર્પોરેશન-10, વડોદરા કોર્પોરેશન-10, સુરત-5, મહેસાણમાં 3, જામનગર કોર્પોરેશન-5, બનાસકાંઠા-5, જામનગર-4, વડોદરા-4, પાટણ-3, ભરૂચ 2, ભાવનગર કોર્પોરેશન-3, ગાંધીનગર 2, ભાવનગર 3, જૂનાગઢ કોર્પોરેશન 2, જૂનાગઢ 2, દાહોદ 1, પંચમહાલ 1, વલસાડ 1, સુરેન્દ્રનગર 3, અમરેલી 1, અમદાવાદ 1, સાબરકાંઠા 5, મહીસાગર 1, મોરબી 4, રાજકોટ 4, ગીર સોમનાથ 2, અરવલ્લી 1, નર્મદા 1 અને દેવભૂમિ દ્વારકામાં 3ના મૃત્યુ થયા હતા.