મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાનું શક્તિ પ્રદર્શન, 70થી વધુ ગાડીના કાફલા સાથે ગાંધીનગર પહોંચ્યા
રાજીનામું આપવા નીકળેલા કાંતિ અમૃતિયાએ અધ્યક્ષનો સમય માંગ્યો નથી. ગોપાલ ઈટાલિયાએ પણ અધ્યક્ષ અથવા કાર્યાલયમાં જાણ કરી નથી

ધારાસભ્ય કાંતિ અમૃતિયા ગાંધીનગર પહોંચ્યા હતા. 70થી 100 કારના કાફલા સાથે કાંતિ અમૃતિયાએ શક્તિ પ્રદર્શન કર્યું હતું. ગાંધીનગરમાં પણ કાંતિ અમૃતિયાના સમર્થકો એકત્ર થયા હતા. કાંતિ અમૃતિયાના પુત્ર સમર્થકો સાથે ગાંધીનગર પહોંચ્યા હતા. ગોપાલ ઈટાલિયા રાજીનામું આપશે તો કાંતિ અમૃતિયા રાજીનામું આપશે. ગોપાલ ઈટાલિયાનો એબીપી અસ્મિતાએ ફોન પર સંપર્ક કર્યો હતો. ગોપાલ ઈટાલિયા અને ઈશુદાન ગઢવી સવારથી ફોન ઉપાડી રહ્યા નથી. રાજીનામું આપવા નીકળેલા કાંતિ અમૃતિયાએ અધ્યક્ષનો સમય માંગ્યો નથી. ગોપાલ ઈટાલિયાએ પણ અધ્યક્ષ અથવા કાર્યાલયમાં જાણ કરી નથી. રાજીનામું આપવા જતા સભ્યો અધ્યક્ષને અગાઉથી જાણ કરતા હોય છે. કાંતિ અમૃતિયાએ કહ્યું હતું કે હવે ખબર પડશે કોના બાપમાં ફેર છે. વટે ચડ્યા બાદ કડેથી નથી ઉતરી શકતો. ગોપાલ ઈટાલિયા ઓટલા પર બેસીને ખોટા નાટકો કરે છે. પાર્ટીને પૂછીને કોઈ નિર્ણય નથી લીધો. આ મારી વ્યક્તિગત લડાઈ છે.
કાંતિ અમૃતિયા અને ગોપાલ ઈટાલિયાની રાજીનામાની ચેલેન્જનો રાજકીય ડ્રામા હવે ચરમસીમા પર પહોંચ્યો છે. ધારાસભ્ય કાંતિ અમૃતિયા 70થી વધુ કારના કાફલા સાથે ગાંધીનગર વિધાનસભા પહોંચ્યા હતા. ગાંધીનગર વિધાનસભા ગેટ બહાર કાંતિ અમૃતિયા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાની રાહ જોશે અને જો ગોપાલ ઈટાલિયા નહીં આવે તો કાંતિ અમૃતિયા રાજીનામું નહીં આપે. જો કે ABP અસ્મિતા સાથેની વાતચીતમાં કાંતિ અમૃતિયાએ હુંકાર કર્યો કે હું રાજીનામું ન આપું તો મારા બાપમાં ફેર અને એ ન આપે તો એના બાપમાં ફેર. સાથે જ કહ્યું કે મારા રાજીનામાંને લઈને પાર્ટી એ કોઈ નિર્ણય લીધો નથી. આ મારી વ્યક્તિગત લડાઈ છે. તો ગોપાલ ઇટાલિયા પર પ્રહાર કરતા કહ્યું કે ઓટલા પર બેસીને ખોટા નાટકો કરે છે.
મોરબીથી ગાંધીનગર સુધી હાઈવોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો. પ્રાથમિક સુવિધાના અભાવ મુદ્દે મોરબીમાં કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો હતો. લલિત કગથરાની આગેવાનીમાં કોંગ્રેસે આક્રમક વિરોધ કર્યો હતો. મોરબીમાં મહાનગરપાલિકા ઘેરાવનો કોંગ્રેસે પ્રયાસ કર્યો હતો. મોરબી મહાનગરપાલિકા બહાર પોલીસનો બંદોબસ્ત જોવા મળ્યો હતો. પૂર્વ ધારાસભ્ય જાવેદ પીરજાદા પણ વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા. કગથરા સાથે મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
કોંગ્રેસે કહ્યું કે મોરબી શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ છે. શહેરના રસ્તાઓ પણ બિસ્માર બન્યા છે. મોરબીની જનતા પ્રશાસનના પાપે પરેશાન છે. મોરબી પાલિકાની કચેરીમાં તાળાબંધીની કોંગ્રેસે ચીમકી આપી હતી. મોરબીમાં ગટરીયા પાણીની મોટી સમસ્યા છે. નાગરિકોની રજૂઆત છતાં પ્રશાસન સાંભળતું નથી.





















