(Source: ECI/ABP News/ABP Majha)
રાજ્યમાં શિક્ષકોની ઘટને લઈને RTIમાં ખુલાસો, 15 હજારથી વધુ શિક્ષકોની જગ્યા ખાલી
રાજ્યમાં શાળાઓમાં શિક્ષકોની ઘટને લઈને RTIમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. ટેટ ઉમેદવારે RTI કરી શાળામાં કેટલી શિક્ષકોની ઘટ છે તેની માહિતી માંગી હતી.
ગાંધીનગર: રાજ્યમાં શાળાઓમાં શિક્ષકોની ઘટને લઈને RTIમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. ટેટ ઉમેદવારે RTI કરી શાળામાં કેટલી શિક્ષકોની ઘટ છે તેની માહિતી માંગી હતી. જેમાં ખુલાસો થયો છે કે, પ્રાથમિક શાળાઓમાં 15 હજારથી વધુ શિક્ષકોની જગ્યાઓ ખાલી છે. ધોરણ 6 થી 8માં કુલ 8 હજાર 273 વિદ્યાસહાયકની જગ્યા ખાલી છે.
આ ખાલી જગ્યાઓમાં ગણિત, વિજ્ઞાનમાં 3 હજાર 324, સામાજીક વિજ્ઞાનમાં 3 હજાર 87 અને ભાષામાં 1 હજાર 862ની જગ્યા ખાલી છે. આ ઉપરાંત 1 થી 5ની લાયકાત વાળા 2,188 શિક્ષકો હાલ ધોરણ 6 થી 8માં કામ કરે છે. જો એમને 6 થી 8ના મહેકમમાં ગણવામાં ન આવે તો ધોરણ 6 થી 8માં 10 હજાર કરતા વધુ ખાલી જગ્યા થાય. હાલ ધો. 1 થી 5માં શિક્ષકોની 5 હજાર 867 જગ્યાઓ ખાલી છે. આમ રાજ્યની પ્રાથમિક શાળામાં ટોટલ 15 હજારથી વધુ જગ્યા ખાલી હોવાના RTIમાં આંકડા સામે આવ્યા છે.
લોકરક્ષક ભરતીની અરજી સ્વીકારવાનું શરુ, જાણો કઈ છે છેલ્લી તારીખ ?
લોકરક્ષક ભરતી માટેની અરજી સ્વીકારવાનું શરૂ કરવામાં આવ્યું છે. ઉમેદવારો ભરતી માટે ઓજસ વેબસાઈટ પર ઓનલાઈન આવેદન કરી શકશે. આ ભરતીમાં કુલ 10 હજાર 459 પદો પર ભરતી થવાની છે. જેમાં પુરુષ ઉમેદવારો 8 હજાર 476 અને 1983 મહિલા પદ પર ભરતી થશે. જેની ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 9 નવેંબર, 2021 છે. લોકરક્ષક ભરતીમાં ઉમેદવારે દોડવામાં લીધેલા સમયને આધારે તેમને માર્ક્સ મળશે અને તે મેરીટમાં ધ્યાને લેવામાં આવશે.
PSI અને લોકરક્ષક સંવર્ગોની સીધી ભરતીમાં શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલ તમામ ઉમેદવારો લેખિત પરીક્ષામાં ભાગ લઈ શકશે. રાજ્ય સરકાર દ્વારા શુક્રવારે આ નિર્ણય કરવામાં આવ્યો હતો. આ નિર્ણયથી વધુ ઉમેદવારોને લેખિત કસોટીમાં બેસવાની તક મળશે. પોલીસ અને LRD ની સીધી ભરતીમાં 15 અને 8 નો નિર્ણય બદલ્યો છે.
પોલીસના સબ ઇન્સપેક્ટર અને લોકરક્ષક સંવર્ગોની સીધી ભરતીમાં વધુમાં વધુ ઉમેદવારોને લેખિત પરીક્ષામાં ભાગ લેવાની તક મળી રહે તે હેતુથી પરીક્ષા નિયમોમાં સબ ઇન્સપેક્ટર સંવર્ગ માટે પ્રથમ શારીરિક કસોટીમાં પાસ થયેલ ઉમેદવારો પૈકી ૧૫ ગણા મેરીટોરીયસ ઉમેદવારો અથવા તો પાસ થયેલ તમામ ઉમેદવારો પૈકી જે ઓછા હોય તે અને તે મુજબ લોક રક્ષક સંવર્ગ માટે પ્રથમ શારીરિક કસોટીમાં પાસ થયેલ ઉમેદવારો પૈકી ૦૮ ગણા મેરીટોરીયસ ઉમેદવારો અથવા તો પાસ થયેલ તમામ ઉમેદવારો પૈકી જે ઓછા હોય તે ઉમેદવારોને તે પછીના તબક્કાની લેખિત પરીક્ષામાં ભાગ લેવા માટેની જોગવાઇ રદ કરવા માટે રાજ્યમાંથી મોટા પ્રમાણમાં ઉમેદવારો તરફથી સરકારમાં રજૂઆતો કરવામાં આવી હતી.