આનંદોઃ ગુજરાતમાં 25 હજારથી વધુ રોજગારીની તકોનું સર્જન થશે, રાજ્ય સરકારે 4067 કરોડના વધુ સાત MoU સાઇન કર્યા
વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૨૪ના પૂર્વાર્ધરૂપે રાજ્યમાં ઔદ્યોગિક રોકાણો માટેના MoUની શ્રેણીની છઠ્ઠી કડીમાં વધુ સાત MoU થયાં. અત્યાર સુધીમાંરૂ. ૮,૩૭૩ કરોડના ૧૯ MoU સંપન્ન...
Gandhinagar: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દિશાદર્શનમાં ગુજરાતને બેસ્ટ ડેસ્ટિનેશન ફોર ઇન્વેસ્ટમેન્ટ માટે બેંચમાર્ક તરીકે પ્રસ્થાપિત કરતી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની દસમી શ્રેણી જાન્યુઆરી-૨૦૨૪માં યોજાવાની છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકારે આ સમિટને સફળ બનાવવા માટેના શ્રેણીબદ્ધ આયોજન હાથ ધર્યા છે.
આ હેતુસર વાયબ્રન્ટ સમિટના પૂર્વાર્ધ રૂપે અત્યારથી જ દર અઠવાડિયે વિવિધ ઉદ્યોગરોકાણકારો સાથે રાજ્યમાં ઉદ્યોગો સ્થાપવા માટેના MoUનો ઉપક્રમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરણાથી પ્રયોજવામાં આવે છે.
આ ઉપક્રમના છઠ્ઠા તબક્કામાં ઉદ્યોગ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં સોમવાર તા. ૧૧ સપ્ટેમ્બરે છઠ્ઠી કડીમાં એક જ દિવસમાં રૂ. ૪ હજાર કરોડથી વધુના રોકાણો માટે સાત MoU થયા છે. તેનાથી ૨૫ હજારથી વધુ રોજગારીની તકોનું નિર્માણ થશે.
અત્રે નિર્દેશ કરવો જરૂરી છે કે, વાયબ્રન્ટ સમિટ-૨૦૨૪નાં પૂર્વાર્ધરૂપે પ્રતિ સપ્તાહે યોજવામાં આવતા MoU સાઈનીંગ ઉપક્રમની પાંચ કડીમાં રાજ્યમાં વિવિધ ઉદ્યોગોની સ્થાપના માટે કુલ રૂ. ૮,૩૭૩ કરોડના રોકાણોના ૧૯ MoU સંપન્ન થયા છે. આ ઉદ્યોગો શરૂ થવાથી કુલ ૨૪,૩૦૦થી વધુ સંભવિત રોજગાર અવસરો આવનારા દિવસોમાં મળતા થશે.
તદઅનુસાર ટેક્ષટાઇલ, ઇન્ડસ્ટ્રીયલ પાર્ક, કેમિકલ્સ ઉદ્યોગ માટે કુલ રૂ. ૪ હજાર કરોડથી વધુના સંભવિત મૂડી રોકાણ અને ૨૫ હજારથી વધુ રોજગાર અવસર ઉપલબ્ધ કરાવતા MoU થયા હતા.
આ MoU અનુસાર અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાના ગાંગડ ગામે ડેનિમ ડાઈંગ અને પ્રોસેસીંગ યુનિટ શરૂ કરવા માટે શ્યામ ફેશન ઇન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ દ્વારા રૂ. ૧૦૩.૨૫ કરોડનું રોકાણ કરવામાં આવશે. આ યુનિટ માર્ચ-૨૦૨૪માં કાર્યરત થતા ૧૫૦ જેટલી રોજગારી પ્રાપ્ત થશે.
સુરત જિલ્લામાં ટેક્ષટાઇલ યુનિટ કાર્યરત કરવા માટે જનરલ પોલિટેક્ષ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા રૂ. ૨૫૦ કરોડનું રોકાણ કરવામાં આવશે તથા અંદાજે ૫૦૦ જેટલી રોજગારી પ્રાપ્ત થશે. આ એકમ માર્ચ-૨૦૨૪સુધીમાં કાર્યરત થશે. તેમજ સુરતમાં અન્ય એક ટેક્ષટાઈલ યુનિટ કાર્યરત કરવા APL કોર્પોરેશન પ્રાઈવેટ લિમિટેડ દ્વારા રૂ. ૧૫૩.૯૮ કરોડનું રોકાણ કરવામાં આવશે, જેમાંથી ૨૨૫ લોકોને રોજગારી પ્રાપ્ત થશે. આ યુનિટ આગામી માસના અંત સુધીમાં કાર્યરત થઈ જવાનો અંદાજ છે.
આ ઉપરાંત ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના પખાજણમાં ૫૪૬ હેક્ટર વિસ્તારમાં ઇન્ડસ્ટ્રીયલ પાર્ક સ્થાપવા માટે રૂ. ૪૫૦ કરોડના રોકાણો માટેના MoU પાય પ્રોપર્ટીઝ પ્રાઈવેટ લિમિટેડે કર્યા હતા. આ પાર્કમાં ૧૫ હજાર લોકોને રોજગારી મળશે અને માર્ચ-૨૦૨૪ સુધીમાં પાર્ક કાર્યરત થવાનો છે.
સુરતના પલસાણા તાલુકાના ઈંટાળવા ખાતે ૩.૩૧ લાખ ચોરસ મીટર વિસ્તારમાં એક ઔદ્યોગિક પાર્ક માટે આંતર માળખાકીય સુવિધાઓ વિકસાવવા અંગે રૂ. ૧૧૯.૯૩ કરોડના રોકાણો સાથે MoU થયા છે. ૫૮૨ પ્લોટની ઉપલબ્ધિ સામે અંદાજે ૭ હજાર રોજગારીની તકો અહીં ઉપલબ્ધ થશે અને માર્ચ-૨૦૨૪ સુધીમાં તે કાર્યરત થશે.
આ પાંચ MoU ઉપરાંત કેમિકલ ક્ષેત્રે રૂ. ૩૦૦૦ કરોડના રોકાણો માટે બે MoU થયા હતા.
ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં એગ્રોકેમિકલ્સ, હાઇપરફોર્મન્સ પોલિમર્સ અને પીગમેન્ટ્સના ઉત્પાદન માટે ઘરડા કેમિકલ્સ લિમિટેડ દ્વારા રૂ. ૨૬૦૦ કરોડના રોકાણ માટે MoU કર્યાં હતા. આ રોકાણથી બે હજાર રોજગારીની તકોનું સર્જન થશે. એમઓયુ મુજબ ઘરડા કેમિકલ્સ દ્વારા એગ્રોકેમિકલ્સનું ઉત્પાદન ૨૦૨૪-૨૫માં શરૂ થઈ જશે, જ્યારે એગ્રોકેમિકલ્સ, હાઈપર્ફોર્મન્સ પોલીમર્સ, રંગદ્રવ્યો તથા એગ્રોકેમિકલ્સ ફોર્મ્યુલશનનું ઉત્પાદન ૨૦૨૫-૨૬માં શરૂ થશે.
કેમિકલ ક્ષેત્રે અન્ય એક કંપની યશો ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા ભરૂચના વાગરા તાલુકાના પખાજણ ગામે રબર કેમિકલ્સ, લુબ્રિકન્ટ એડિટિવ્સ તથા સ્પેશિયાલિટી કેમિકલ્સના ઉત્પાદન માટે રૂ. ૪૦૦ કરોડનું રોકાણ કરવામાં આવશે. એપ્રિલ-૨૦૨૪માં આ એકમ કાર્યરત થતા ૨૫૦ રોજગારીની તકોનું સર્જન થશે.
MoU કરનારા ઉદ્યોગકારોએ રાજ્ય સરકારની પ્રશંસા કરતાં કહ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનાં નેતૃત્વમાં રાજ્યમાં સરળતાએ ઉદ્યોગો શરૂ કરી શકાય તેવું પ્રો-એક્ટીવ એડમિનિસ્ટ્રેશન, ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ માટે સરળ પ્રક્રિયા, વહીવટી સરળતા વગેરેની સક્રિય ભૂમિકા રહેલી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ તકે જણાવ્યું કે, રાજ્યમાં ઉદ્યોગ રોકાણકારોને ત્વરાએ ઉદ્યોગો શરૂ કરવામાં સરળતા રહે તેવું વાતાવરણ બન્યું છે અને ઉદ્યોગકારોને મુશ્કેલી ન પડે તથા સરકાર અને ઉદ્યોગો સાથે મળીને રાજ્યના વિકાસની ગતિ વધુ વેગવંતી બનાવે તેવી આપણી નેમ છે.
રાજ્ય સરકાર વતી ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ એસ.જે હૈદર તેમજ ઉદ્યોગકારો વતી ઉદ્યોગ સંચાલકોએ હસ્તાક્ષર કર્યા હતા.
આ MoU સાઇનીંગ અવસરે મુખ્યમંત્રીના મુખ્ય અગ્રસચિવ કૈલાસનાથન, મુખ્ય સચિવ રાજકુમાર, ઉદ્યોગ કમિશનર સંદીપ સાંગલે, સંયુક્ત કમિશનર કુલદીપ આર્ય તથા ઇન્ડેક્સ-બી ના અન્ય વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.