NAVSARI : મંદિર તોડાવનો મામલો ગરમાયો, વિરોધમાં સ્થાનિકોએ મોટી રેલી કાઢી, ગોપાલ ઈટાલીયા, કોંગ્રેસ MLA પણ જોડાયા
Navsari News : નવસારીમાં સર્વોદય સોસાયટીમાં મંદિર તોડવા મામલે ઉગ્ર વિરોધ થઇ રહ્યો છે.
Navsari : નવસારીમાં સર્વોદય સોસાયટીમાં મંદિર તોડવા મામલે ઉગ્ર વિરોધ થઇ રહ્યો છે. આ મંદિર તોડાવનો મામલો ગરમાયો છે. આજે સર્વોદય સોસાયટીના રહીશોએ સર્કિટ હાઉસથી સર્વોદય સોસાયટી સુધી રેલી કાશી વિરોધ નોંધાવ્યો હતો. આ રેલીમાં કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ અને આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલીયા પણ જોડાયા હતા.
ઉલ્લેખનીય છે કે સર્વોદય સોસાયટીમાં નવસારી અર્બન ડેવલોપમેન્ટ અથોરીટી - NUDA એ ગેરકાયદેસર મંદિર તોડવા જતા સ્થાનિકો સાથે ઘર્ષણ થયું હતું. NUDA દ્વારા પોલીસ પ્રોટેક્શન સાથે મંદિર તોડતા સ્થાનિકોએ રસ્તો રોક્યો હતો અને પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. પોલીસ અને તંત્રના દમનને લઈ સોસાયટીના લોકો ઉગ્ર વિરોધ કરી રહ્યાં છે. મહિલાઓ પર થયેલા અત્યાચાર સામે ન્યાય મેળવવા શહેરીજનો એકત્રિત થયા છે.
મંદિર તોડવાના વિરોધમાં ભાજપમાં 1100 રાજીનામાં
નવસારીમાં મંદિર તોડવા મુદ્દે સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. નવસારીમાં સર્વોદય સોસાયટીમાં ગેરકાયદેસર મંદિર તોડવાનો મુદ્દો વિવાદિત બન્યો હતો. હવે આ મામલે ભાજપમાં ભડાકો થયૉ છે. મંદિર તોડવાના મુદ્દે સોસાયટીની મહિલાઓ અને પુરુષો મળી 1100 જેટલા લોકોએ કમલમ પહોંચી રાજીનામાં આપતા હડકંપ મચી ગઈ છે.
નવસારીમાં નવસારી અર્બન ડેવલોપમેન્ટ અથોરીટી - NUDA દ્વારા મંદિર તોડી પોલીસ દ્વારા મહિલાઓ પર દમન કરવાના મુદ્દે આક્રોશના પગલે આ રાજીનામાં અપાયા છે. એક સાથે 1100 લોકોના રાજીનામાંના પગલે ભાજપમાં હડકંપ મચ્યો છે. એક સાથે મોટી સંખ્યામાં રાજીનામાં પડતા ભાજપના ધારાસભ્ય અને ભાજપ સંગઠન મૂંઝવણમાં મુકાયું છે.
મહત્વનું છે કે નવસારી જિલ્લા ભાજપ સંગઠન આગામી સમયમાં પ્રજાની સાથે રહીને બનતી મદદ કરશે તેવી હૈયા ધરપત પણ આપી હતી.આ સમગ્ર બાબતે જિલ્લા તંત્ર, NUDA અને પ્રજાની વચ્ચે ભાજપ સંગઠને પીસાવા સમાન દ્રશ્યો કમલમ ખાતે સર્જાયા હતા.