વલસાડમાં ફરીએકવાર રફ્તારનો કહેર, રેન્જ રોવરે બાઈક ચાલકને અડફેટે લેતા ચાલકનું ઘટના સ્થળે જ મોત
વલસાડના સરોધી નેશનલ હાઇવે પર બની હીટ એન્ડ રનની ઘટના બની છે. રેન્જ રોવર કાર ચાલકે બાઈક ચાલકને અડફેટે લેતા બાઈક ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.
Valsad Accident: વલસાડ તાલુકાના સરોધી ગામના નેશનલ હાઇવે નંબર 48 ઉપર હોટલ યુપી ડાબાની સામે મુંબઈ થી સુરત જતા માર્ગ ઉપર બનેલી હિટ એન્ડ રનની ઘટનામાં મુંબઈ તરફથી પૂરપાટ ઝડપે આવી રહેલ રેન્જ રોવર કાર નંબર gj.05.rj.9117ના ચાલકે યુપી ડાબાની સામે બાઈક નંબર gj 15 ba 3735 નાં ચાલકને પાછળથી ધડાકાભેર અડફેટે લેતા બાઈક ચાલક ફિલ્મી ઢભે હવામાં ફંગોળાઈને હાઈવેની બાજુમાં આવેલ ખાનકુમાં બાઇક સાથે પટકાયો હતો.
આ ઘટનામાં બાઈક ચાલકને માથા તથા શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. સમગ્ર અકસ્માતની ઘટના બનતાની સાથે જ રેન્જ રોવર કારના ચાલકે પોતાની કાર અકસ્માતની ઘટનાથી 100 મીટર દૂર આવેલ એક હોટલની સામે મુખ્ય માર્ગ ઉપર મૂકી પરિવાર સાથે ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.
સમગ્ર ઘટના બનતા ની સાથે જ આસપાસના રાહદારીઓ તથા સ્થાનિકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને સમગ્ર ઘટનાની જાણ પોલીસ તથા 108 ની ટીમને કરી હતી. ઘટનાની જાણ થતાની સાથે જ વલસાડ 108ની ટીમનાં પાયલોટ કેતન આહીર તથા ઇએમટી માનસી પટેલ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ઇજા પામેલ યુવકની યોગ્ય તપાસ કરતા તેને ઘટના સ્થળે મૃત જાહેર કર્યો હતો.
સમગ્ર બનાવને પગલે વલસાડ રૂરલ પોલીસની ટીમે ઘટના સ્થળે પહોંચી કારની તપાસ કરી આસપાસના વિસ્તારમાં શોધખોળ કરતા કાર ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હોવાનું રાહદારીઓએ જણાવ્યું હતું. ત્યારબાદ વલસાડ રૂરલ પોલીસની ટીમે સેવાભાવી એમ્બ્યુલન્સ સંચાલક સુનિલભાઈ પટેલને ઘટનાની જાણ કરતાં સુનિલભાઈએ લાશનો કબજો મેળવી વલસાડની સિવિલ હોસ્પિટલ ખાતે પી.એમ અર્થે ખસેડી હતી. ત્યારબાદ સમગ્ર ઘટનાની જાણ મૃતકના પરિવારને કરવામાં આવી હતી.
પરિવારના સભ્યો પાસેથી મળતી માહિતી મુજબ અકસ્માતની ઘટનામાં મૃતક ઈસમ વલસાડનાં જૂજવા પટેલ ફળિયામાં રહેતો સાવનકુમાર જયંતીભાઈ રાઠોડ ઉંમર વર્ષ 30 હોવાનું જાણવા મળ્યું હતું. સમગ્ર બનાવને પગલે મૃતક યુવકના પિતા જયંતીભાઈ ચમારભાઇ રાઠોડ એ રેન્જ રોવર કારનાં ચાલક શૈલેષભાઈ મશરુવાલા રહે. સુરત વિરુદ્ધ વલસાડ રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદ નોંધી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે.