Election Result 2022: ગુજરાતમાં BJP ની રેકોર્ડ જીત પર PM મોદીએ આપ્યું પ્રથમ નિવેદન, જાણો
ગુજરાત અને હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીના પરિણામ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પહેલી પ્રતિક્રિયા આપી છે.
Election Result 2022: ગુજરાત અને હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીના પરિણામ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પહેલી પ્રતિક્રિયા આપી છે. પોતાના ગૃહ રાજ્યમાં ભાજપની વિક્રમી જીત અંગે તેમણે કહ્યું કે, “આભાર ગુજરાત. અભૂતપૂર્વ ચૂંટણી પરિણામો જોયા પછી હું ઘણી લાગણીઓથી અભિભૂત છું. લોકોએ વિકાસની રાજનીતિને આશીર્વાદ આપ્યા છે અને તેમની ઈચ્છા પણ વ્યક્ત કરી છે કે તે વધુ ઝડપી ગતિએ ચાલુ રહે. હું ગુજરાતની જનશક્તિને નમન કરું છું.
To all hardworking @BJP4Gujarat Karyakartas I want to say - each of you is a champion! This historic win would never be possible without the exceptional hardwork of our Karyakartas, who are the real strength of our Party.
— Narendra Modi (@narendramodi) December 8, 2022
પીએમ મોદીએ હિમાચલના લોકોનો પણ આભાર માન્યો હતો. તેમણે કહ્યું, “હું હિમાચલ પ્રદેશના લોકોનો ભાજપ પ્રત્યેના પ્રેમ અને સમર્થન માટે આભાર માનું છું. અમે રાજ્યની આકાંક્ષાઓને પૂર્ણ કરવા અને આવનારા સમયમાં લોકોના પ્રશ્નો ઉઠાવવા માટે કામ કરવાનું ચાલુ રાખીશું.
ગુજરાતમાં ભાજપ ફરી સત્તા પર આવી રહ્યું છે. ચૂંટણી પંચના તાજેતરના આંકડાઓ અનુસાર, ભાજપે 182 વિધાનસભા બેઠકોમાંથી 126 બેઠકો જીતી છે અને 30 પર આગળ છે. કોંગ્રેસ ફરી એકવાર ચૂંટણી હારી છે. હિમાચલમાં કોંગ્રેસને બહુમતી મળતી દેખાઈ રહી છે. અત્યારે કોંગ્રેસ 38 સીટો જીતી છે અને 2 પર આગળ છે. જ્યારે ભાજપે 18 બેઠકો જીતી છે અને 7 પર આગળ છે. અન્ય ત્રણ બેઠકો જીતી છે.
68 સભ્યોની હિમાચલ પ્રદેશ વિધાનસભામાં કોંગ્રેસે બહુમતનો આંકડો પાર કર્યા બાદ મુખ્યમંત્રી જયરામ ઠાકુરે કહ્યું કે તેઓ જનતાના જનાદેશનું સન્માન કરે છે. તેમણે પોતાનું રાજીનામું રાજ્યપાલને સોંપી દીધું છે. જ્યારે ગુજરાતમાં બીજેપીના સીએમ ચહેરા ભૂપેન્દ્ર પટેલ ફરીથી રાજ્યની કમાન સંભાળશે. પ્રદેશ ભાજપ અધ્યક્ષ પ્રમુખ સીઆર પાટીલે ગુરુવારે (8 ડિસેમ્બર) જણાવ્યું હતું કે પટેલ ફરીથી 12 ડિસેમ્બરે મુખ્ય પ્રધાન તરીકે શપથ લેશે.
ભૂપેન્દ્ર પટેલ ફરી કેમ બની રહ્યા છે CM
પાટીદાર અનામત આંદોલનને કારણે 2017માં ભાજપ 99 બેઠકો પર આવી ગયું હતું. પાર્ટીએ 1995 પછી સૌથી ઓછી બેઠકો જીતી હતી. પાર્ટીએ ભૂપેન્દ્ર પટેલને પ્રમોટ કરીને અને પછી તેમને મુખ્યમંત્રી પદનો ચહેરો બનાવીને પાટીદાર સમુદાયને આકર્ષવાની યોજના બનાવી હતી.
ઘાટલોડિયા બેઠક પર CM ભૂપેન્દ્ર પટેલનો 1 લાખ 91 હજાર મતથી વિજય
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત થઈ છે. ભાજપને અત્યાર સુધીના ઈતિહાસમાં સૌથી વધુ બેઠકો મળી રહી છે. પ્રથમ વખત રાજ્યના તમામ જિલ્લામાં ભગવો લહેરાયો છે. ભાજપની ભવ્ય જીતથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમિત શાહે ગુજરાતમાં ભવ્ય વિજય બદલ મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલને ટેલીફોનના માધ્યમથી શુભેચ્છા પાઠવી છે.