વડાપ્રધાન મોદી 25-26 ઓગસ્ટે ગુજરાતની મુલાકાતે: ₹1,218 કરોડના વિકાસકાર્યોની ભેટ આપશે, 4.25 લાખ લોકોને લાભ થશે
પીએમ મોદીની આગામી ગુજરાત મુલાકાત રાજ્યના વિકાસ માટે એક મહત્વપૂર્ણ ઘટના સાબિત થવાની છે. તેઓ અમદાવાદ-મહેસાણા-ગાંધીનગરમાં ઊર્જા અને મહેસૂલ વિભાગના વિવિધ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.

PM Modi Gujarat visit 2025: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 25 અને 26 ઓગસ્ટના રોજ ગુજરાતની મુલાકાત લેવાના છે, જ્યાં તેઓ ઉત્તર ગુજરાતના વિકાસને વેગ આપતા કરોડો રૂપિયાના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. આ વિકાસકાર્યોમાં ઊર્જા, પેટ્રોકેમિકલ્સ અને મહેસૂલ વિભાગના કુલ ₹1,218 કરોડના પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે. આ પ્રકલ્પોથી રાજ્યના લાખો નાગરિકોને વીજળી અને મહેસૂલ સંબંધિત સેવાઓમાં નોંધપાત્ર સુધારાનો લાભ મળશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં ₹1,122 કરોડના વીજ વિતરણ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરશે, જે અમદાવાદ, મહેસાણા અને ગાંધીનગર જિલ્લાના 4.25 લાખ ગ્રાહકોને લાભ પહોંચાડશે. આ ઉપરાંત, તેઓ ₹96 કરોડના ખર્ચે બનનારી મહેસૂલ વિભાગની બે અત્યાધુનિક બિલ્ડિંગનું ખાતમુહૂર્ત પણ કરશે. આ પ્રોજેક્ટ્સનો મુખ્ય ઉદ્દેશ્ય વીજળીના નુકસાનને ઘટાડવાનો, વીજ પુરવઠાની વિશ્વસનીયતા વધારવાનો અને મહેસૂલ સેવાઓને વધુ કાર્યક્ષમ બનાવવાનો છે.
ઊર્જા ક્ષેત્રમાં મોટા પ્રોજેક્ટ્સ
વડાપ્રધાનના હસ્તે ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ હેઠળ ₹1,122 કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ થશે. આ પ્રોજેક્ટ્સ યુજીવીસીએલ (UGVCL) અને ગેટકો (GETCO) દ્વારા લાગુ કરવામાં આવ્યા છે.
- અમદાવાદ: અમદાવાદમાં વીજળીના ઓવરહેડ વાયરિંગને ભૂગર્ભમાં નાખવા માટે ₹608 કરોડનો ખર્ચ થયો છે. આનાથી 2.01 લાખથી વધુ ગ્રાહકોને સલામત અને અવિરત વીજળી મળશે.
- મહેસાણા: મહેસાણામાં ₹221 કરોડના ખર્ચે ઓવરહેડ વીજળીના માળખાને ભૂગર્ભમાં ફેરવવામાં આવ્યું છે, જેનો લાભ 1.36 લાખ ગ્રાહકોને થશે. આ પ્રોજેક્ટથી સેવાની ગુણવત્તા અને સલામતી સુનિશ્ચિત થશે.
- ગાંધીનગર: ગાંધીનગરમાં વીજ વિતરણની ભૂગર્ભ સિસ્ટમ ₹178 કરોડના ખર્ચે તૈયાર થઈ છે, જે 86,014 ગ્રાહકોને ફાયદો પહોંચાડશે.
- સબસ્ટેશનનું લોકાર્પણ: આ ઉપરાંત, અમદાવાદમાં બે નવા સબસ્ટેશન – ₹75 કરોડનું 66 kV ગોતા સબસ્ટેશન અને ₹39 કરોડનું 66 kV ચાંદખેડા-II સબસ્ટેશન – વીજ પુરવઠાને વધુ મજબૂત બનાવશે.
આ તમામ પ્રોજેક્ટ્સનો મુખ્ય ઉદ્દેશ્ય 2024-25 સુધીમાં વીજળીના નુકસાનને ઘટાડીને 12-15% ના રાષ્ટ્રીય બેન્ચમાર્ક સુધી લાવવાનો છે.
મહેસૂલ વિભાગમાં આધુનિકીકરણ
વડાપ્રધાન મોદી મહેસૂલ વિભાગના બે અત્યાધુનિક બિલ્ડિંગનું ખાતમુહૂર્ત પણ કરશે, જેનો કુલ ખર્ચ ₹96 કરોડ છે.
- ગાંધીનગરમાં લેન્ડ ડેટા સેન્ટર: ₹62 કરોડના ખર્ચે બનનારું આ છ માળનું ભવન જમીન અને મહેસૂલ સંબંધિત મહત્વપૂર્ણ રેકોર્ડ્સને સુરક્ષિત રીતે સંગ્રહિત કરશે. આ સેન્ટર ભવિષ્ય માટે મહેસૂલ વિભાગની સંવેદનશીલ માહિતીનો વિશ્વસનીય બેકઅપ પૂરો પાડશે.
- અમદાવાદમાં સ્ટેમ્પ્સ અને રજિસ્ટ્રેશન ભવન: ₹34 કરોડના ખર્ચે તૈયાર થનારું આ બહુમાળી ભવન અમદાવાદ (પશ્ચિમ) માં મહેસૂલ સંબંધિત તમામ સેવાઓને એક જ છત નીચે લાવશે, જેનાથી નાગરિકો માટે સ્ટેમ્પ્સ અને રજિસ્ટ્રેશનનું કામ સરળ બનશે.




















