સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારીના છેલ્લા દિવસે મોટી ઉથલપાથલ: બોટાદમાં 4, વાંકાનેરમાં 7 બેઠકો પર ભાજપ બિનહરીફ
Local body elections: બોટાદમાં ભાજપના ઉમેદવારો બિનહરીફ, હાલોલમાં ભાજપનું લઘુમતી કાર્ડ, કુતિયાણામાં કાંધલ જાડેજાના ભાઈની ઉમેદવારી

Local body elections: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં આજે ઉમેદવારી ફોર્મ ભરવાના છેલ્લા દિવસે અનેક જગ્યાએ રાજકીય ઉથલપાથલ જોવા મળી છે. જેમાં બોટાદમાં વોર્ડ નં.7માં ચાર બેઠકો પર ભાજપના ઉમેદવારો સામે કોઇએ ફોર્મ જ ન ભર્યું તો હાલોલમાં ભાજપે ત્રણ મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપી ભાજપમાંથી દાવેદારી કરનારાઓને ચોંકાવી દીધા છે. વાંકાનેર પાલિકાની ચૂંટણીમા તો 28 પૈકી સાત બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ થયા છે. બીજી તરફ કુતિયાણામાં ધારાસભ્ય કાંધલ જાડેજાના નાના ભાઈ કાના જાડેજાએ ઉમેદવારી કરી નવી રાજકીય ચર્ચાઓ જગાવી છે.
બોટાદમાં ભાજપના 4 ઉમેદવાર બિનહરીફ
બોટાદ નગરપાલિકાની મધ્યસત્ર ચૂંટણીમાં ભાજપને મોટી સફળતા મળી છે. નગરપાલિકાના વોર્ડ નંબર 7માં ભાજપના ચાર ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે. આ વોર્ડમાં ભાજપના ઉમેદવારો સામે કોઈપણ પક્ષ કે અપક્ષ ઉમેદવારે ફોર્મ ભર્યું ન હોવાથી મતદાન પહેલાં જ ભાજપને વિજય મળ્યો છે.
વાંકાનેરમાં પણ ભાજપના 7 ઉમેદવારો બિનહરીફ
વાંકાનેર નગરપાલિકામાં મધ્યસત્ર ચૂંટણીમાં ભાજપને મોટી સફળતા મળી છે, જ્યાં કુલ 28 બેઠકો પૈકી 7 બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ થયા છે. વોર્ડ નંબર 1ના તમામ 4 ભાજપના ઉમેદવારો સામે કોઇએ પણ ઉમેદવારી નથી નોંધાવી તેમજ વોર્ડ નંબર 5માં પણ ત્રણ સામે કોઇએ ઉમેદવારી નોંધાવી નથી.
કુતિયાણામાં નવી રાજકીય ચર્ચા
પોરબંદર જિલ્લાના કુતિયાણા નગરપાલિકાની આગામી ચૂંટણીમાં રાજકીય સમીકરણો બદલાઈ રહ્યા છે. વર્તમાન ધારાસભ્ય કાંધલ જાડેજાના નાના ભાઈ કાના જાડેજાએ રાજકારણમાં પ્રવેશ કર્યો છે. તેમણે સમાજવાદી પાર્ટી તરફથી કુતિયાણા નગરપાલિકાના વોર્ડ નં 6 માટે 24 ઉમેદવારો સાથે ઉમેદવારી નોંધાવી છે.
હાલોલમાં ભાજપનું લઘુમતી કાર્ડ
હાલોલ નગરપાલિકામાં લઘુમતી મતદારોની વસ્તી ધરાવતા વોર્ડ 3 અને 5 માં ભાજપે માત્ર એક એક હિન્દુ ઉમેદવારને જ મેન્ડેટ આપ્યો હતો. જો કે અંતિમ સમયમાં ભાજપે આ બંને વોર્ડમાં કોંગ્રેસના ચાર કાર્યકરો અને ચાલુ ચૂંટણીમાં કોંગ્રેસ કે અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવે તેવા ઉમેદવારોને મેન્ડેટ આપી ભાજપમાંથી ઉમેદવારી કરાવી દેતા આ મુદ્દો પણ ચર્ચાસ્પદ બની ગયો છે.
તાપી જિલ્લા ભાજપમાં આંતરિક વિખવાદ
તાપી જિલ્લાના સોનગઢ નગરપાલિકાની આગામી ચૂંટણીમાં ભાજપમાં આંતરિક વિખવાદ સપાટી પર આવ્યો છે. વોર્ડ નંબર 2માંથી ટિકિટની દાવેદારી કરનાર જિલ્લા સંગઠન મંત્રી અનીતાબેન અભય પાટીલે પાર્ટીના તમામ હોદ્દા પરથી રાજીનામું ધરી દીધું છે.
આ પણ વાંચો....
બજેટ 2025-26માં ગુજરાતને શું મળ્યું? MSME, સ્ટાર્ટઅપ્સ, ખેડૂતો અને મત્સ્યોદ્યોગને ફાયદા
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
