આજથી મગફળીની ટેકાના ભાવે ખરીદી પ્રક્રિયા શરૂ, ડાંગર, મકાઈ, બાજરીની નોંધણી પ્રક્રિયા પણ શરૂ
ખેડૂતોને નોંધણી અંગે મુશ્કેલી જણાય તો હેલ્પલાઈન નંબર 85111 71718 અથવા 85111 71719 નંબર પર સંપર્ક કરવાનો રહેશે.
રાજ્ય સરકાર તરફથી લઘુતમ ટેકાના ભાવથી મગફળી, ડાંગર, મકાઈ અને બાજરીની સીધી ખરીદી માટેની નોંધણી પ્રક્રિયાનો આજથી પ્રારંભ થશે. ટેકાના ભાવે મગફળી વેચવા ઈચ્છુક ખેડૂતે 31 ઓક્ટોબર 2021 સુધીમાં નોંધણી કરાવવાની રહેશે. તો ડાંગર, મકાઈ અને બાજરી માટે ખેડૂતો 16 ઓક્ટોબર સુધી નોંધણી કરાવી શકશે.
રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ મારફતે લઘુતમ ટેકાના ભાવે મગફળી, ડાંગર, મકાઈ અને બાજરીની ખરીદી કરવામાં આવનાર છે. આ માટેની નોંધણી પ્રક્રિયાનો આજથી પ્રારંભ થશે.
લઘુતમ ટેકાના ભાવે વેચાણ કરવા ઈચ્છુક ખેડૂતોએ ગ્રામ્ય કક્ષાએ VCE પાસે તો તાલુકા કક્ષાએ APMC ખાતે ઓનલાઈન નોંધણી કરાવી શકાશે. નોંધણી માટે ખેડૂતે જરૂરી પુરાવા તરીકે આધારકાર્ડની નકલ, 7-12 અને 8-અની નકલ, ગામ નમૂના 12માં પાક વાવણી અંગેની એંટ્રી ન થઈ હોય તો પાકની વાવણી અંગેનો તલાટીની સહી સિક્કા સાથેનો દાખલો, ખેડૂતના નામના બેંક ખાતાની પાસબુકની નકલ અથવા કેંસલ ચેકની નકલ સાથે લાવવાની રહેશે.
ખેડૂતોને નોંધણી અંગે મુશ્કેલી જણાય તો હેલ્પલાઈન નંબર 85111 71718 અથવા 85111 71719 નંબર પર સંપર્ક કરવાનો રહેશે.
VCE કર્મીની હડતાળ
રાજ્યમા આજથી મગફળી ખરીદી માટેનું રજીસ્ટેશન શરૂ થવાનું છે, ત્યારે મગફળી ખરીદીના પહેલા દિવસે જ VCE કર્મચારીઓએ હડતાળ પર જવાની જાહેરાત કરી છે. 1 ઓક્ટોબરના રોજ તમામ VCE કર્મીઓનું પોતાની પડતર માંગણીઓના કારણે એક દિવસ ઓનલાઇન કામગીરી બંધ રાખવાનું એલાન કર્યું છે.
તમામ VCE કર્મીઓને સરકારી ધારાધોરણ મુજબ પગારધોરણ લાગુ કરી રક્ષણ આપવા, અને તમામ VCE કર્મીઓના પડતર પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવે તેવી સરકાર સમક્ષ માંગ કરી છે. VCE કર્મચારીઓ 1લી તારીખે એક દિવસની હડતાલ કરશે, જ્યારે પાંચ ઓક્ટોબરના રોજ તમામ VCE કર્મીઓ કાળી પટ્ટી ધારણ કરીને કામગીરીમાં જોડાશે.
જ્યારે 13 ઓક્ટોબરે VCE કર્મીઓ ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે એકત્રિત થઈ પોતાની માંગણી સરકાર સમક્ષ મુકશે. VCE કર્મચારીઓનો આરોપ છે કે 2006થી VCE તરીકે કામ કરતા કર્મીઓનું શોષણ થઇ રહ્યું છે.