Gujarat Rain: આગામી પાંચ દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદ વરસી શકે છે.
ગાંધીનગર: રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદ વરસી શકે છે. છેલ્લા ઘણા દિવસોથી વરસાદે વિરામ લીધો છે. ફરી એક વખત વરસાદની એન્ટ્રી થશે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદ વરસી શકે છે. સુરત, નવસારી,તાપી, ડાંગ, નર્મદા, છોટાઉદેપુર, દાહોદમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સિવયા સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ, જૂનાગઢ અને કચ્છમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણામાં વરસાદની શક્યતા છે. અમદાવાદ શહેરમાં પણ વરસાદી માહોલ રહેશે. રાજકોટ, જૂનાગઢ,ગીર સોમનાથ, અમરેલી અને પોરબંદરમાં વરસાદ પડવાની શક્યતા છે. ગુજરાતમાં આગામી પાંચ દિવસ સુધી સામાન્ય વરસાદ વરસી શકે છે.
હિમાચલ-ઉત્તરાખંડમાં વરસાદને કારણે ભારે તારાજી
હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં વરસાદને કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા છે. હિમાચલમાં સતત ભારે વરસાદને કારણે ઓછામાં ઓછા 41 લોકોના મોત થયા છે, જ્યારે ઉત્તરાખંડમાંથી ભૂસ્ખલનને કારણે ભારે તબાહીના સમાચાર છે. હવામાન વિભાગ (IMD) એ બંને રાજ્યોમાં આગામી થોડા દિવસોમાં વધુ ભારે વરસાદની આગાહી કરી છે.
- હિમાચલ પ્રદેશમાં સોમવારે (14 ઓગસ્ટ) વરસાદે વિનાશ વેરવાનું ચાલુ રાખ્યું હતું અને અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 50 લોકોના મોત થયા છે. શિમલામાં ભૂસ્ખલન બાદ કાટમાળ નીચે દબાઈ જવાને કારણે આમાંથી નવ લોકોના મોત થયા હતા. શિમલાના સમર હિલ વિસ્તારમાં શિવ મંદિરના કાટમાળ નીચે ઘણા લોકો દટાયા હોવાની આશંકા છે. સાવન માસ હોવાથી દુર્ઘટના સમયે મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો હાજર હતા.
- હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુએ શિમલાના સમર હિલ વિસ્તારમાં ભૂસ્ખલન સ્થળ પર પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું. તેમણે કહ્યું કે હું લોકોને અપીલ કરીશ કે તેઓ ઘરની અંદર જ રહે, નદીઓ અને ભૂસ્ખલન ગ્રસ્ત વિસ્તારોની નજીક ન જાય. વરસાદ બંધ થતાં જ રિસ્ટોરેશનનું કામ શરૂ થઈ જશે. હિમાચલના સોલન જિલ્લાના જડોન ગામમાં રવિવારે રાત્રે વાદળ ફાટવાના કારણે એક જ પરિવારના સાત સભ્યોના મોત થયા હતા.
- હિમાચલમાં ભારે વરસાદને જોતા સોમવારે તમામ શાળાઓ અને કોલેજોને બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો હતો. IMDએ જણાવ્યું કે છેલ્લા 24 કલાકમાં દેશના વિવિધ ભાગોમાં ભારે વરસાદ થયો છે. ઉત્તરાખંડમાં ઋષિકેશ 42.00 સેમી વરસાદ સાથે પ્રથમ ક્રમે છે, ત્યારબાદ કાંગડા, હિમાચલ પ્રદેશ 27.00 સેમી વરસાદ સાથે છે.
- હિમાચલ પ્રદેશના IMD ડેપ્યુટી ડાયરેક્ટર બુઇ લાલે સમાચાર એજન્સી ANIને જણાવ્યું કે હિમાચલ પ્રદેશમાં છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદ થયો છે. રાજ્યમાં આગામી 24 કલાક માટે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. રાજ્યમાં 18 ઓગસ્ટ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે.
- IMD એ કહ્યું કે તેણે 15 ઓગસ્ટ માટે યલો એલર્ટ જારી કર્યું છે, જેમાં ચંબા, કાંગડા, કુલ્લુ, મંડી, સોલન, શિમલા, સિરમૌર અને હમીરપુરનો સમાવેશ થાય છે. જુટોગ અને સમર હિલ રેલવે સ્ટેશન વચ્ચેનો કાલકા-શિમલા રેલવે ટ્રેક પણ ભારે વરસાદને કારણે ધોવાઈ ગયો છે. કંડાઘાટ-શિમલા વચ્ચેની ટ્રેનોની અવરજવર રદ કરવામાં આવી છે.