Gujarat Rain: વીજળીના કડાકા-ભડાકા અને પવનના સુસવાટા સાથે આ જિલ્લાઓમાં ખાબકશે વરસાદ
રાજ્યમાં ધોધમાર વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા તોફાની બેટિંગ કરશે તેવુ અનુમાન હવામાન વિભાગે વ્યક્ત કર્યું છે.

અમદાવાદ: રાજ્યમાં ધોધમાર વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા તોફાની બેટિંગ કરશે તેવુ અનુમાન હવામાન વિભાગે વ્યક્ત કર્યું છે. સૌરાષ્ટ્રમાં પણ મેઘરાજા મન મૂકીને વરસશે. મોનસૂન ટ્રફના કારણે રાજ્યમાં ફરી એકવાર ધોધમાર વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં ધોધમાર વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.
આ જિલ્લામાં આજે વરસાદનું એલર્ટ
હવામાન વિભાગ મુજબ આજે એટલે કે 4 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતના નર્મદા અને તાપીમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે. જ્યારે મધ્ય ગુજરાતના છોટા ઉદેપુર અને દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, નવસારી, ડાંગ અને વલસાડમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ અતિ ભારે વરસાદની શક્યતાને પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.
સૌરાષ્ટ્રના બોટાદ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથની સાથે સંઘ પ્રદેશ દીવમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરાયું છે. જ્યારે મધ્ય ગુજરાતના આણંદ, ખેડા, મહીસાગર, પંચમહાલ, દાહોદ અને વડોદરામાં પણ ભારે વરસાદની શક્યતાને પગલે યલો એલર્ટ જાહેર કરાયું છે. ભારે વરસાદની આગાહીને પગલે માછીમારોને પણ દરિયો ન ખેડવા માટેની સૂચના આપવામાં આવી છે.
ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદની શક્યતાને પગલે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી શકે છે. જ્યારે કેટલાક જિલ્લાઓમાં હળવાથી લઈને સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.
સરેરાશ 90.81 ટકા વરસાદ
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર-ગાંધીનગર મુજબ, રાજ્યમાં સિઝનનો સરેરાશ 90.81 ટકા વરસાદ વરસ્યો છે. ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ 95.31 ટકા, દક્ષિણ ગુજરાતમાં 94.48 ટકા, પૂર્વ મધ્યમાં 90.58 ટકા, કચ્છમાં 85.14 ટકા અને સૌરાષ્ટ્રમાં 84.48 ટકા વરસાદ વરસ્યો છે. રાજ્યની જીવાદોરી ગણાતો સરદાર સરોવર નર્મદા ડેમ 89.66 ટકા ભરાયેલો છે. જ્યારે રાજ્યના અન્ય 206 જળાશયોમાં 80.58 ટકા જળસંગ્રહ છે.
રાજ્યમાં 108 ડેમ હાઈ એલર્ટ પર છે, જ્યારે 80 ડેમ 100 ટકા ભરાયેલા છે. આ સિવાય 30 ડેમ એલર્ટ અને 9 ડેમ વોર્નિંગ પર છે. જ્યારે 67 ડેમ 70 થી 100 ટકા, 25 ડેમ 50 થી 70 ટકા અને 18 ડેમ 25 થી 50 ટકા ભરાયેલા છે. 16 ડેમ 25 ટકાથી ઓછા ભરાયેલા છે.





















