Gujarat Rain Forecast: બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમના કારણે રાજ્યમાં ફરી વરસાદની આગાહી
Gujarat Rain Forecast: સામાન્ય રીતે રાજ્યમાંથી ચોમાસાએ વિદાય લઇ લીધી છે પરંતુ બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમથી ફરી એકવાર ગુજરાતમાં મેઘરાજનું આગમન થાય તેવા સંકેત મળી રહ્યાં છે. જાણીએ વિગતવાર વેધર અપેડટસ

Gujarat Rain Forecast:ચોમાસાએ રાજ્યમાંથી સંપૂર્ણ વિદાય લઇ લીધી છે. જો કે તેમ છતાં પણ દક્ષિણ ગુજરાતમાં કેટલીક જગ્યાએ છુટછવાયો વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાતમાં હજુ પણ આગામી 3થી 4 દિવસ વરસાદ વરસી શકે છે. ખાસ કરીને નવસારી, તાપી, ડાંગ, સુરત, નર્મદા, દાદરાનગર હવેલી અને દમણના વિસ્તારમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ વરસી શકે છે.
હાલ વરસાદી બે સિસ્ટમ એક્ટિવ છે. અરબી સમુદ્રમાં જે સિસ્ટમ છે તે ધીમે ધીમે આગળ વધી રહી છે. જે હાલ વેલમાર્ક લો પ્રેશર એરિયા છે. આગામી 24 કલાકમાં આ સિસ્ટમ ડિપ્રેશન બની જશે.આ સિસ્ટમ આગળ જતાં વધુ મજબૂત બની જશે. વધારે મજબૂત બન્યા બાદ પણ તે આગળ વધશે. આ સિસ્ટમ ઉપરાંત બંગાળની ખાડીમાં પણ એક સિસ્ટમ એક્ટિવ થઇ રહી છે. આ સિસ્ટમ 21 ઓક્ટોબરે લો પ્રેશર એરિયા બનશે અને ત્યારબાદ તે લો પ્રેશર એરિયા આગળ વધશે. હવે સવાલ એ છે કે શું આ સિસ્ટમ ગુજરાતમાં વરસાદ લાવશે તો હવામાન વિભાગના મોડલ મુજબ આ સિસ્ટમના કારણે ગુજરાતમાં વરસાદ આવશે, હવામાન વિભાગના મોડલ મુજબ આ સિસ્ટમ મહારાષ્ટ્ર પરથી પસાર થશે જેના કારણે 27 ઓક્ટોબરની આસપાસ ગુજરાતમાં વરસાદ વરસી શકે છે.
બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમ વરસાદ લાવશે કે કેમ તેને લઇને હજુ હવામાનના જુદા જુદા મોડલ જુદુ જુદુ અનુમાન લગાડી રહ્યાં છે. કેટલાક મોડલનું આંકલન છે કે આ સિસ્ટમ આગળ જતાં નબળી પડશે અને તેની અસર ગુજરાત નહિ વર્તાય એટલે કે આ સિસ્ટમની ગુજરાતમાં વરસાદ નહિ આવે, ટૂંકમાં આ સિસ્ટમ મજબૂતાઇથી કેટલી આગળ વધે છે. તેના પણ ગુજરાતના આગામી દિવસોના હવામાનનો આધાર રહેલો છે.
હાલ રાજ્યમાં મગફળી, કપાસ, તુવેર, મગ, સહિતના પાક તૈયાર હોવાથી લણણીનું કામ ચાલી રહ્યું હોય ત્યારે વરસાદની આગાહી હોવાથી આ કામ જલ્દીથી પતાવીને તૈયાર પાકને સલામત સ્થળે રાખવો હિતાવહ છે.
તો બીજી તરફ તમિલનાડુમાં વરસાદે દીવાળીની મજા બગાડી છે. સોમવારે સવારે તમિલનાડુની રાજધાની ચેન્નાઈમાં ભારે વરસાદે તબાહી મચાવી હતી. ઘણા વિસ્તારો પાણીમાં ડૂબી ગયા હતા અને વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો.
ચેન્નાઈમાં સતત બે દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે, જેના કારણે માર્ગ અને હવાઈ ટ્રાફિક ખોરવાઈ ગયો છે. ઘણા વિસ્તારોમાં ઘૂંટણિયે પાણી ભરાઈ ગયા છે. આગામી દિવસોમાં પણ ચેન્નાઈ સહિત તમિલનાડુના ઘણા શહેરોમાં છુટછવાયો વરસાદ ચાલુ રહેવાની ધારણા છે.





















