નાંદોદ તાલુકામાં આઠ ઈંચ વરસાદથી જળબંબાકાર, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 142 તાલુકામાં વરસાદ
રાજ્યમાં છેલ્લાં 24 કલાક દરમિયાન નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં સૌથી વધુ 8 ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો હતો

રાજ્યમાં છેલ્લાં 24 કલાક દરમિયાન નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં સૌથી વધુ 8 ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો હતો. આજે સવારે 6 થી 10 કલાક સુધીમાં રાજ્યમાં નર્મદા જિલ્લાના સાગબારા અને તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકામાં 4 ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો હતો.
રાજ્યમાં ગત 24 કલાક દરમિયાન 26 જિલ્લાના 142 તાલુકાઓમાં હળવાથી ભારે વરસાદ વરસ્યો છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-SEOC ગાંધીનગરના અહેવાલ મુજબ છેલ્લાં 24 કલાક દરમિયાન રાજ્યના નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં સૌથી વધુ 8.6 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. જ્યારે નર્મદા જિલ્લાના તિલકવાડા અને દાહોદ તાલુકામાં 7 ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે.
અન્ય તાલુકાઓની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં છોટાઉદેપુર જિલ્લાના જેતપુર પાવી, પંચમહાલના શહેરા તેમજ વલસાડના ધરમપુર અને વાપી તાલુકામાં 6 ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત સુરતના બારડોલી તાલુકામાં, મહિસાગરના વિરપુર અને લુણાવાડા, દાહોદના સિંઘવડ, અરવલ્લીના મોડાસા, પંચમહાલના મોરવા-હડફ અને ગોધરા, વલસાડના પારડી, નવસારીના ખેરગામ, તાપીના સોનગઢ અને વ્યારા તાલુકામાં 5 ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો છે. તદુપરાંત નર્મદા જિલ્લાના ગરુડેશ્વર અને ડેડિયાપાડા, દાહોદના લીમખેડા, પંચમહાલના જાંબુઘોડા અને હાલોલ, છોટાઉદેપુરના સંખેડા અને બોડેલી તેમજ સુરતના મહુવા અને ઉમરપાડા તાલુકામાં 4 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.
વધુમાં રાજ્યના 7 તાલુકામાં ત્રણ ઈંચથી વધુ, 16 તાલુકામાં બે ઇંચથી વધુ, 25 તાલુકામાં એક ઈંચથી વધુ જ્યારે, 67 તાલુકામાં એક ઇંચ કરતા ઓછો વરસાદ નોંધાયો છે. 25 જૂન, 2025ના રોજ સવારે 6 થી 10 કલાક સુધીમાં રાજ્યમાં નર્મદા જિલ્લાના સાગબારા અને તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકામાં 4 ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો છે.
વડોદરાના ડભોઈના ઉપરવાસમાં ભારે વરસાદથી ઢાઢર નદીમાં પૂર આવ્યા હતા. ઢાઢર નદીના પાણી ડભોઈ તાલુકાના 7થી 8 ગામના માર્ગો પર ફરી વળ્યા હતા. તાપી જિલ્લામાં સતત બીજા દિવસે સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો. સવારે બે કલાકમાં તાપીના કુકરમુંડામાં બે ઈંચથી વધુ વરસાદ વરસ્યો હતો. વ્યારા, વાલોડ, ડોલવણ, સોનગઢ તાલુકામાં પણ વરસાદ વરસ્યો છે. વ્યારા- સોનગઢ તાલુકામાં છેલ્લા 24 કલાકમાં પાંચ ઈંચ વરસાદ વરસ્યો હતો.





















