(Source: ECI/ABP News/ABP Majha)
દેશમાં રસીકરણમાં રાજસ્થાન સૌથી મોખરે, જાણો ગુજરાત આ યાદીમાં કેટલામાં ક્રમ પર છે
શહેરી વિસ્તાર સિવાય અન્ય જિલ્લામાં ગ્રામ્ય સ્તરે રસીકરણનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે.
રાજ્યમાં કોરોનાની રસીકરણનું મહાઅભિયાન ચાલી રહ્યું છે. ત્યારે રાજ્યમાં અત્યાર સુધીમાં 21 લાખ 48 હજારથી વધુ લોકોને કોરોનાની રસી આપવામાં આવી છે. શનિવારે અને રવિવારે રજા હોવાથી રસીકરણની કામગીરી પર અસર જોવા મળશે.
જો કે દેશમાં માત્ર ત્રણ એવા રાજ્ય છે કે જ્યાં રસીકરણ અભિયાન તેજ ગતિએ ચાલી રહ્યું છે. જેમાં રાજસ્થાન સૌથી મોખરે છે. બીજા નંબર પર મહારાષ્ટ્ર અને ત્રીજા નંબર પર ગુજરાત છે. રાજ્યમાં નવ માર્ચથી 10 માર્ચ સુધીમાં 48 હજારથી વધુ દર્દીઓને કોરોનાની રસી આપવામાં આવી છે.
શહેરી વિસ્તાર સિવાય અન્ય જિલ્લામાં ગ્રામ્ય સ્તરે રસીકરણનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 17 લાખ 24 હજાર 805 વ્યક્તિઓને કોરોનાની રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો. જ્યારે ચાર લાખ 25 હજાર 371 વ્યક્તિઓને રસીનો બીજો ડોઝ આપી દેવામાં આવ્યો છે. આમ અત્યાર સુધીમાં રાજ્યમાં 21 લાખથી વધુ કોરોનાની રસી અપાઈ ચૂકી છે.
રાજસ્થાનમાં 25 લાખ 10 હજાર, મહારાષ્ટ્રમાં 23 લાખ 20 હજાર, પશ્ચિમ બંગાળમાં 20 લાખ 30 હજાર, ઉત્તર પ્રદેશમાં 19 લાખ 60 હજાર લોકોને કોરોનાની રસી આપવામાં આવી છે.