Rajya Sabha Election: ભાજપે રાજ્યસભાના ઉમેદવાર બનાવ્યા તે બાબુભાઇ દેસાઇ કોણ છે ?
ભાજપે રાજ્યસભા ચૂંટણી માટેના બે ઉમેદવારોના નામની જાહેરાત કરી છે
ગાંધીનગરઃ ભાજપે રાજ્યસભા ચૂંટણી માટેના બે ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. ભાજપે કાંકરેજના પૂર્વ ધારાસભ્ય બાબુભાઇ જેસંગભાઇ દેસાઇ અને વાંકાનેરના મહારાજા કેસરીદેવસિંહ ઝાલાને ઉમેદવાર બનાવ્યા હતા.
કોણ છે બાબુભાઈ દેસાઈ?
2007 થી 2012 સુધી બનાસકાંઠાની કાંકરેજ બેઠકથી ધારાસભ્ય રહ્યા હતા. 2012થી ગુજરાત પ્રદેશ ભાજપના ગૌ સંવર્ધન સેલના કન્વીનર રહ્યા હતા. કાંકરેજના ધારાસભ્ય તરીકેનો તેમનો કાર્યકાળ ખૂબ જ જનપ્રિય અને લોકહિતેષી રહ્યો છે. ગુજરાતના નામાંકિત મીડિયા ગ્રુપ દ્ધારા તેઓને શ્રેષ્ઠ ધારાસભ્ય તરીકેનો એવોર્ડ પણ મળ્યો છે.
બાબુભાઇ દેસાઇ કાંકરેજ તાલુકાના ઉબરી ગામના વતની છે. ઓલ્ડ SSC અને અંગ્રેજી મીડિયમમાં સ્ટેનોગ્રાફીનો અભ્યાસ કર્યો છે. રબારી સમાજમાં ભામાશા અને દાનવીર રત્ન તરીકેની ઓળખાય છે. કન્યા કેળવણી માટે કાર્યરત છે.
દ્વારકા સહિત રાજ્યભરની અનેક ધાર્મિક પ્રવૃતિઓ સાથે જોડાયેલા છે. અનેક સમૂહલગ્ન અને ધાર્મિક કાર્યક્રમના દાતા છે. ઉંઝા પાસે મકતુપુરની અનેક સંસ્થાઓમાં મહત્વનું યોગદાન આપ્યું છે. 10 જેટલી સેવાભાવી અને ધાર્મિક સંસ્થાઓમાં ટ્રસ્ટી છે.
બનાસકાંઠામાં પૂર વખતે વહીવટી તંત્રના ખભેથી ખભો મિલાવી કરોડો રૂપિયાના ખર્ચે અનાજ-રાશનનું વિતરણ હોય, કોરોના કાળમાં કરેલી જનસેવા હોય કે પછી લમ્પી વાયરસના રોકધામ માટે કરવામા આવેલી ગૌ સંવર્ધન પ્રવૃતિ હોય બાબુભાઇએ દરેક જીવમાં શિવને જોયા છે.
તેઓ સુકન્યા સમૃદ્ધિ યોજના, ગંગાસ્વરૂપા વિધવા સહાય યોજના જેવી અનેકવિધ ફ્લેગશીપ સ્કીમનો વિસ્તાર કરવા બાબુભાઇ દેસાઇ સમયાંતરે કેમ્પનું આયોજન કરે છે. ધાર્મિક અને સામાજિક પ્રસંગોમાં રસોડા ચલાવવા, દીકરીઓના સમૂહ લગ્નને સ્પોન્સર કરવા સાથે અનેક ધાર્મિક સામાજિક સંસ્થામાં તેઓ ટ્રસ્ટી તરીકેની સેવા આપે છે.
કોણ છે કેસરીદેવસિંહ ઝાલા?
તેઓ વાંકાનેર સ્ટેટના મહારાજા અને ભાજપના સનિષ્ઠ નેતા અને કાર્યકર્તા છે. ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીમાં પણ કેસરીદેવસિંહની ભૂમિકા મહત્વપૂર્ણ રહી અને સ્થાનિક કક્ષાએ તેમના નેતૃત્વમાં જ દાયકાઓ બાદ વાંકાનેરની બેઠક કોંગ્રેસના પીરજાદા પાસેથી આંચકી ભાજપના ઉમેદવારને જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવી તો વાંકાનેર તાલુકા પંચાયતમાં આઝાદી બાદ પ્રથમ વખત ભાજપે સત્તાનો સ્વાદ ચાખ્યો હતો.
કેસરીદેવસિંહને 2011માં અત્યારના વડાપ્રધાન અને ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ખેસ પહેરાવી ભાજપમાં પ્રવેશ કરાવ્યો હતો.
કેસરીદેવસિંહની પક્ષમાં કામગીરી
ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીમાં મહત્વની ભૂમિકા રહી હતી. દાયકાઓ બાદ વાંકાનેરની બેઠક પર ભાજપને સત્તા મળી હતી. કોંગ્રેસના પીરજાદાની હાર માટે કેસરીદેવસિંહની રણનીતિ સફળ રહી હતી. આ ઉપરાંત તેઓ પક્ષમાં અનેક જવાબદારીઓ નીભાવી ચૂક્યા છે.
તેઓ 2011થી ભાજપના સક્રિય સભ્ય છે. 2014,2019 લોકસભા ચૂંટણીમાં ચૂંટણી લક્ષી જોગવાઈઓની જવાબદારી પણ તેમણે સંભાળી છે. 2021માં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઈન્ચાર્જની જવાબદારી સંભાળી હતી. તેઓ રાજકોટ જિલ્લા ઉપપ્રમુખ અને મોરબી જિલ્લા પ્રમુખ રહ્યા છે. રાજકીય ઉપરાંત સામાજિક અને ધાર્મિક ક્ષેત્રે પણ અનેક પ્રવૃતિઓ સાથે તેઓ સંકળાયેલા છે.
કેસરીદેવસિંહની સામાજિક, ધાર્મિક પ્રવૃતિઓ
કેસરીદેવસિંહ અખિલ ભારતીય ક્ષત્રિય મહાસભાના યુવા પાંખના પ્રમુખ છે. અમરસિંહજી હાઈસ્કૂલના ઉપપ્રમુખ, રમાકુંવરબા કન્યા છાત્રાલયના ટ્રસ્ટી, બોયસ બોર્ડિંગના ટ્રસ્ટી છે. 9 વર્ષથી જન્માષ્ટમી સેવા સમિતિ સાથે સંકળાયેલા છે. તેઓ વર્ષોથી ગણપતિ ઉત્સવનું આયોજન કરે છે. તમામ જ્ઞાતિના ધાર્મિક કાર્યક્રમોમાં અચૂક હાજરી આપે છે.
કેશરીદેવસિંહ અને આ તમામ કારણોથી જ સમગ્ર વાંકાનેરની જનતા તેમના પ્રિય નેતા અને રાજાને પ્રજાના પ્રતિનિધિ તરીકે જોવા ઈચ્છે છે. મહારાજા દિગ્વિજયસિંહનું નિધન થતા તેમના પુત્ર કેશરીદેવસિંહનું માર્ચ 2022માં રાજતિલક કરાયું હતું.