સુરેન્દ્રનગરમાં બળાત્કાર પીડિતાએ કરી આત્મહત્યા, આઠ દિવસ બાદ પણ આરોપીઓ ન પકડાતા લોકોમાં આક્રોશ
ગ્રામજનોએ કલેકટરને આવેદન પાઠવી દુષ્કર્મ આચરનારા નરાધમોને જાહેરમાં ફાંસી આપવાની માંગ કરી હતી. રેલીમાં 200થી વધુ લોકો જોડાયા હતા
સુરેન્દ્રનગરઃ સુરેન્દ્રનગરના ટીંબા ગામે એક નરાધમે યુવતી પર દુષ્કર્મ આચર્યા બાદ યુવતીએ આત્મહત્યા કરી લેતા ચકચારી મચી ગઈ છે.યુવતીની આત્મહત્યા બાદ ફરિયાદ નોંધવામાં આવી હતી.ઘટનાના આઠ દિવસ બાદ પણ આરોપીઓ ન ઝડપાતા ગ્રામજનોએ રેલી યોજી કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.
ગ્રામજનોએ કલેકટરને આવેદન પાઠવી દુષ્કર્મ આચરનારા નરાધમોને જાહેરમાં ફાંસી આપવાની માંગ કરી હતી. રેલીમાં 200થી વધુ લોકો જોડાયા હતા અને આરોપીઓને પકડવાની માંગ કરી હતી.
બીજી તરફ ભરૂચના આમોદમાં 14 વર્ષીય સગીરાના મળેલા મૃતદેહમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. સગીરા સાથે દુષ્કર્મ આચરી હત્યા કરાઈ હોવાનો પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો થયો છે. બે દિવસ પૂર્વે સગીરા ગામની સીમમાં લાકડા વિણવા ગઈ હતી. ત્યારબાદ ગુમ થઇ હતી. ગઈકાલે તેનો મૃતદેહ મળી આવ્યો હતો.
તે સિવાય રવિવારે થયેલી હત્યાનો ભેદ ઉકેલતા સાવરકુંડલા ગ્રામ્ય પોલીસ આરોપીને ઝડપી પાડ્યો હતો. રાજુ રાઠોડ નામનો આ શખ્શ જેણે પોલીસની પૂછપરછમાં પોતે હત્યા કર્યાની કબૂલાત કરી હતી. મનીષની હત્યા પહેલા તેની મંગેતર જાગૃતિએ મનીષ અને રાજુ બંનેને સંપર્ક કર્યો હતો. જાગૃતિની કોલ ડિટેઇલથી જ પોલીસ રાજુ સુધી પહોંચી. રાજુની ધરપકડ બાદ પુછપરછમાં આરોપીએ કબૂલાત કરી કે તેણે અને તેની પ્રેમિકાએ મળીને આ હત્યાનો પ્લાન ઘડી કાઢ્યો હતો. હાલ તો સાવરકુંડલા કોર્ટે વધુ તપાસ માટે આરોપી રાજુના ૬ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે અને જાગૃતિને અમરેલી સબ જેલમાં મોકલવામાં આવી છે.
સુરતમાંથી ઝડપાયો ડ્રગ્સનો જથ્થો
સુરતમાંથી પણ એમડી ડ્રગ્સના જથ્થા સાથે મોસ્ટ વોન્ટેડ આરોપીને ઝડપી લેવામાં આવ્યો હતો. મળતી જાણકારી અનુસાર સુરત પુણા નિયોલ ચેક પોસ્ટ નજીકથી 5.85 લાખના MD ડ્રગ્સ સાથે એક આરોપીને ઝડપી લેવામાં આવ્યો હતો. SOG પોલીસે બાતમીના આધારે પ્રવીણ બિશ્નોઇ નામના ડ્રગ્સ પેડલરની ધરપકડ કરી હતી.