Republic Day 2023: કર્તવ્ય પથ પર રજૂ થઈ ગુજરાતની ઝાંખી, જાણો શું છે ખાસિયત
Republic Day 2023: 74માં ગણતંત્ર દિવસ દિવસની ઉજવણી પ્રસંગે ક્લિન-ગ્રીન ઉર્જાયુક્ત ગુજરાત વિષય આધારિત ટેબ્લો રજુ કરી ઉર્જાક્ષેત્રે દેશ અને દુનિયાને નવી રાહ ચીંધવાનો ઝાંખી દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો.
Republic Day 2023: 74માં પ્રજાસત્તાક પર્વની આજે ગુજરાત સહિત દેશમાં ઉજવણી થઈ રહી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગણતંત્ર દિવસના અવસર પર ત્રિરંગો ફરકાવ્યો. આ દરમિયાન 21 તોપોની સલામી આપવામાં આવી હતી. જે બાદ પરેડ શરૂ થઈ હતી. ઈજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફત્તાહ અલ-સીસી આ સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા.
74માં ગણતંત્ર દિવસ દિવસની ઉજવણી પ્રસંગે ક્લિન-ગ્રીન ઉર્જાયુક્ત ગુજરાત વિષય આધારિત ટેબ્લો રજુ કરી ઉર્જાક્ષેત્રે દેશ અને દુનિયાને નવી રાહ ચીંધવાનો ઝાંખી દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો. કચ્છ-મોઢેરાની સાંસ્કૃતિક ઝલક અને સૌર-પવનઊર્જાના વિજ્ઞાનિક-તકનીકી અભિગમનું એકીકરણ કરીને પુનઃ પ્રાપ્ય ઊર્જાના નિર્માણ દ્વારા ઊર્જાક્ષેત્રે દેશ અને દુનિયાને નવી રાહ ચીંધવાનો ઝાંખી દ્વારા સુંદર પ્રયાસ કરવામાં આવ્યો.
Delhi | Gujarat's tableau shows the renewable sources of energy on the theme 'Clean-Green energy Efficient Gujarat', at Republic Day 2023 pic.twitter.com/r7EFa7OivD
— ANI (@ANI) January 26, 2023
ઝાંખીના પૃષ્ઠભાગમાં ગુજરાતનું જાણીતું સૂર્યમંદિર જ્યાં આવેલું છે તે મોઢેરા ગામ BESS મારફતે દેશનું સૌ પ્રથમ 24x7 સોલાર ઊર્જા મેળવતું ગામ બન્યું છે. તાજેતરમાં જ યુનાઇટેડ નેશન્સ(UN)ના સેક્ટરી-જનરલ અન્ટોનિઓ ગુટરસે સૌરઊર્જાથી આત્મનિર્ભર બનેલા મોઢેરાની મુલાકાત લઈને ગુજરાતના આ કાર્યની ખૂબ પ્રસંશા કરી હતી. આ સાથે PM KUSUM યોજના મારફત સોલાર રૂફટોપથી ખેતીમાં સિંચાઈ, કેનાલ રૂફટોપથી ઊર્જા ઉપ્તાદન, અન્ય અસ્કયામતો ઉપર પવન-સૂર્ય ઊર્જાથી ક્લિન-ગ્રીન ઊર્જા ઉત્પાદન કરીને આ ક્ષેત્રે આત્મનિર્ભરતા તેમજ આર્થિક ઉપાર્જનથી રાજ્યમાં થયેલી સુખદ ઊર્જાક્રાંતિને પ્રદર્શિત કરવામાં આવી છે.
આ ઉપરાંત કચ્છના સફેદ રણ, પારંપરિક રહેઠાણ ભૂંગા, કચ્છી પરિવેશમાં સજ્જ રણના વાહન ઊંટને દોરી જતી ગ્રામીણ કચ્છી મહિલા સહિતના ઘણા આકર્ષણો વિન્ડફાર્મ અને સોલાર પેનલ્સ સાથે આ ઝાંખીમાં રજૂ કરવામાં આવ્યા છે.
ગુજરાતમાં બોટાદમાં રાજ્યકક્ષાની ઉજવણી
આજે દેશ સહિત રાજયના જુદા જુદા જિલ્લાઓમાં પ્રજાસત્તાક દિન પર્વની ઉજવણી થઈ રહી છે. ગુજરાતના બાટોદ જિલ્લામાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે બોટાદ ખાતે પ્રજાસત્તાક દિવસ પર ત્રિરંગો ફરકાવ્યો, સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ એ સમયે ત્યાં હાજર રહ્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેતા દેખાયા અને મુખ્ય ધ્વજવંદન સમારોહની અધ્યક્ષતા પણ કરી. ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે કમલમમાં ધ્વજ વંદન કર્યું.