રેવન્યુ તલાટી બનવું હવે અઘરું!: સરકારે ભરતીના નિયમોમાં કર્યા ફેરફાર, જાણો શું બદલાયું!
હવે સ્નાતક અને 35 વર્ષ સુધીના ઉમેદવારો જ અરજી કરી શકશે, રેવન્યુ વિભાગનું સત્તાવાર નોટિફિકેશન જાહેર.

Revenue Talati recruitment 2025: ગુજરાત સરકારના રેવન્યુ વિભાગે રેવન્યુ તલાટીની ભરતી પ્રક્રિયામાં બે મહત્વપૂર્ણ ફેરફારો કર્યા છે. આ ફેરફારો લાયકાત અને વયમર્યાદાને લગતા છે, જે ભરતીના નિયમોમાં નોંધપાત્ર બદલાવ લાવશે. રેવન્યુ વિભાગ દ્વારા આ સુધારાઓ માટે સત્તાવાર નોટિફિકેશન પણ બહાર પાડવામાં આવ્યું છે.
પહેલો અને સૌથી મહત્વનો ફેરફાર લાયકાત સંબંધિત છે. અગાઉ રેવન્યુ તલાટીની ભરતી માટે ધોરણ 12 પાસ લાયકાત જરૂરી હતી, પરંતુ હવેથી ઉમેદવારો માટે સ્નાતક (ગ્રેજ્યુએટ) થવું ફરજિયાત રહેશે. આનો અર્થ એ છે કે માત્ર સ્નાતકની ડિગ્રી ધરાવતા ઉમેદવારો જ રેવન્યુ તલાટીની પોસ્ટ માટે અરજી કરી શકશે. આ ફેરફારનો હેતુ ભરતી પ્રક્રિયામાં ઉચ્ચ લાયકાત ધરાવતા ઉમેદવારોને તક આપવાનો છે.
બીજો મહત્વનો ફેરફાર વય મર્યાદાને લઈને છે. અગાઉ રેવન્યુ તલાટી ભરતી માટે ઉમેદવારોની મહત્તમ વય મર્યાદા 33 વર્ષ હતી, જે હવે વધારીને 35 વર્ષ કરવામાં આવી છે. આ ફેરફારથી વધુ ઉમેદવારોને સરકારી નોકરી માટે અરજી કરવાની તક મળશે અને વય મર્યાદાના કારણે ઘણા ઉમેદવારોને થતા અન્યાયને દૂર કરી શકાશે.
રેવન્યુ વિભાગ દ્વારા આ બંને ફેરફારો સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યા છે અને ભરતીના નિયમોમાં સુધારો કરવામાં આવ્યો છે. આ ફેરફારો આગામી રેવન્યુ તલાટી ભરતીથી લાગુ થશે. જે ઉમેદવારો રેવન્યુ તલાટી બનવા ઇચ્છુક છે, તેઓએ હવે નવી લાયકાત અને વય મર્યાદાના માપદંડોને ધ્યાનમાં રાખીને પોતાની તૈયારી કરવી પડશે. સરકારના આ નિર્ણયથી સ્પર્ધા વધુ તીવ્ર બનવાની શક્યતા છે, પરંતુ તે યુવાનો માટે સરકારી નોકરી મેળવવાની વધુ તકો પણ ઊભી કરશે.
નોંધનીય છે કે, તલાટીની પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર મળ્યા હતા જેમાં પંચાયત વિભાગ દ્વારા એક મોટો નિર્ણય લેતા હવે તલાટીની પરીક્ષા માટે ગ્રેજ્યુએશન ફરજિયાત કરવામાં આવ્યું છે. અત્યાર સુધી તલાટીની પરીક્ષા ધોરણ 12 પાસ પર લેવામાં આવતી હતી.
તલાટી-કમ-મંત્રી એ ગુજરાત સરકારમાં એક સરકારી હોદ્દો હતો જે દરેક ગામમાં હોય છે. આ કેડર પંચાયત વિભાગમાં આવે છે. જેથી તે રાજ્ય સરકારના નહીં, પરંતુ પંચાયતના કર્મચારીઓ કહેવાય છે. તેઓએ પંચાયતને લગતા તથા રેવન્યુને લગતા તમામ ગ્રામ્ય કક્ષાના કાર્યો કરવાના થાય છે. એપ્રિલ ૨૦૧૦માં ગુજરાત સરકાર દ્વારા તલાટી-કમ-મંત્રીને અલગ અલગ કેડર બનાવવામાં આવી, જેમાં પંચાયત હસ્તકનું કામ પંચાયત મંત્રી કરે તથા રેવન્યુ હસ્તકનું કામ મહેસૂલ તલાટી કરે તેવો નિર્ણય કરવામાં આવ્યો.
ગ્રામ પંચાયત મંત્રીએ સરકારના પંચાયત વિભાગના કર્મચારી હોવાથી તે રાજ્ય સરકારના પંચાયત વિભાગને લગતી તમામ કામગીરી કરવાની થાય છે. પંચાયતની યોજનાઓને લગતી તમામ કામગીરી તથા પંચાયત વિભાગ દ્વારા સોંપવામાં આવતી તમામ કામગીરી ગ્રામ પંચાયત મંત્રીએ કરવાની થાય છે. જિલ્લાવાર ગ્રામ પંચાયત મંત્રીની ભરતી પંચાયત પસંદગી મંડળ દ્વારા કરવામાં આવે છે.





















