આજથી દેશભરમાં 45 વર્ષથી વધુ વયનાને રસી અપાશે, જો આ ગતિએ ગુજરાતમાં રસી અપાશે તો દિવાળી સુધીમાં...
આરોગ્ય વિભાગના ટાર્ગેટ પ્રમાણે, ગુજરાતમાં હાલ અંદાજે 2 લાખ લોકોને રોજ વેક્સિન અપાઈ રહી છે.
દેશમાં આજથી વેક્સીનેશન કામગીરી વધુ ઝડપી બનશે. કેમ કે આજથી 45 વર્ષથી ઉપરના તમામ લોકોને વેક્સીનનો પહેલો ડોઝ આપવામાં આવશે. અત્યાર સુધી દેશમાં 60 વર્ષથી, 45થી વર્ષથી ઉંપરના ગંભીર બીમારી ધરાવતા લોકો, કોરોના વોરિયર્સ, ફંટલાઈન વર્કરને વેક્સીન આપવાની કામગીરી ચાલતી હતી.
પરંતુ કોરોનાના વધતા સંક્રમણને ધ્યાનમાં રાખીને હવે 45થી વધુ વર્ષ ધરાવતા તમામ લોકોને આજથી વેક્સીન આપવામાં આવશે. ભારતમાં અત્યાર સુધીમાં સાડા છ કરોડ લોકોને વેક્સીનનો ડોઝ આપવામાં આવ્યો છે.
આરોગ્ય વિભાગના ટાર્ગેટ પ્રમાણે, ગુજરાતમાં હાલ અંદાજે 2 લાખ લોકોને રોજ વેક્સિન અપાઈ રહી છે. જો આ જ ઝડપે વેક્સિન આપવાનું કામ ચાલુ રહ્યું તો નવરાત્રિ પહેલાં સપ્ટેમ્બર મહિનાના પહેલા અઠવાડિયામાં ગુજરાતની 18 વર્ષથી વધુની ઉંમરની તમામ 4 કરોડ 48 લાખ લોકોને વેક્સિન અપાઈ ચૂકી હશે. આધાર કાર્ડના ડેટા મુજબ ગુજરાતની હાલની 6 કરોડ 45 લાખની વસ્તીના 70 ટકાને વેક્સિન અપાઈ ચૂકી હશે.
દરમિયાન કેન્દ્ર સરકારે જે રાજ્યોમાં કોરોનાનો રાફડો ફાટી નીકળ્યો છે ત્યાંની સરકારોની સાથે વાતચીત આગળ વધારી છે. સાથે જ હવે રસીકરણની વય મર્યાદામાં પણ ઉમેરો કરવામાં આવી રહ્યો છે. રાજ્ય સરકારો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના પ્રશાસનની સાથે હાલ કેન્દ્ર સરકાર ૪૫ વર્ષથી વધુ વયના દરેક લોકો માટે રસીકરણ શરૂ કરવા મામલે વાતચીત કરવામાં આવી હતી.
હાલ દેશભરમાં કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા ૫,૫૨,૫૬૬એ પહોંચી ગઇ છે જે કુલ કેસોના ૪.૫૫ ટકા છે. એક સમયે આ સંખ્યા બે લાખથી પણ નીચે પહોંચી ગઇ હતી તેમાં હવે બેગણો વધારો થોડા જ દિવસોમાં થઇ ગયો છે. સાથે જ રીકવરી રેટ પણ ઘટીને હવે ૯૪.૧૧ ટકાએ આવી ગયો છે. પાંચ રાજ્યો એવા છે કે જ્યાં દેશના કુલ કેસોના ૭૯ ટકા કેસો છે. જેમાં મહારાષ્ટ્ર, કેરળ, કર્ણાટકા, પંજાબ અને છત્તીસગઢનો સમાવેશ થાય છે.