Drinking Water: ગુજરાતનાં ગામડાઓને પીવાનું પૂરતું પાણી મળી રહે તે માટે સરકારનું મોટું આયોજન, 64 જળાશયો આરક્ષિત
Gujarat Drinking Water:

Gujarat Drinking Water: ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતા હેઠળ મળેલી રાજ્ય મંત્રી મંડળની બેઠકમાં ગુજરાતમાં પીવાના પાણીની ઉપલબ્ધતા અંગે સમીક્ષા કરવામાં આવી હતી. પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે આ સંદર્ભે પ્રેસ-મીડિયાના મિત્રોને માહિતી આપતા જણાવ્યું હતું કે, ઉનાળાની સિઝન દરમિયાન ગુજરાતનાં નાગરિકોને પીવા માટેનું શુદ્ધ અને પર્યાપ્ત પાણી ઉપલબ્ધ થાય તે સુનિશ્ચિત કરવા માટે રાજ્ય સરકાર દ્વારા સુદ્રઢ આયોજન કરવામાં આવ્યું છે.
આ સંદર્ભે તેમણે ઉમેર્યું હતું કે, રાજ્યમાં કુલ ૬૪ જળાશયોનું પાણી પીવાના ઉપયોગ માટે આરક્ષિત કરવામાં આવ્યું છે. જ્યારે, હાલની સ્થિતિએ રાજ્યમાં પીવા માટેના ૧૪,૮૯૫ MCFT પાણીની જરૂરીયાત સામે આ જળાશયોમાં કુલ ૨,૨૩,૪૩૬ MCFT પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. આ ઉપરાંત હાલની સ્થિતીએ રાજ્યના સરદાર સરોવર ડેમ સહિતના કુલ ૨૦૭ જળાશયોમાં પણ કુલ ૪,૩૯,૧૨૯ MCFT જેટલુ પાણી સંગ્રહિત છે, જે ગત વર્ષની સરખામણીએ લગભગ ૦૬ ટકા જેટલું વધુ છે.
વધુ વિગતો આપતા પ્રવક્તા મંત્રીએ કહ્યું હતું કે, હાલમાં રાજ્યના ૧૫,૭૨૦ ગામોને સરફેસ સોર્સ આધારીત જુથ યોજનાઓ દ્વારા પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. જ્યારે, બાકીના ૨,૪૩૨ ગામો ભૂગર્ભ જળ આધારીત યોજનાઓથી પીવા માટેનું પાણી મેળવી રહ્યા છે. આ ગામોને પણ જુથ યોજનામાં આવરી લેવા માટેના કામો હાલ પ્રગતિ હેઠળ છે. આમ, રાજ્યના તમામ ૧૮,૧૫૨ ગામોને પર્યાપ્ત માત્રામાં પીવાનું પાણી મળી રહ્યું છે.
પીવાના પાણી માટે ઉપયોગમાં લેવાતા મોટા ભાગના ડેમોમાં ૧૫ જુલાઇ, ૨૦૨૫ સુધી પીવાના પાણીનો પર્યાપ્ત જથ્થો ઉપલબ્ધ છે. રાજ્યના દરેક જળાશયમાં પીવાના પાણી માટેનો જથ્થો અનામત રાખ્યા બાદ બાકીના પાણીના જથ્થાનો વપરાશ સિંચાઇ માટે કરવામાં આવે છે, તેમ મંત્રી શ્રી પટેલે ઉમેર્યું હતું.
ગુજરાતમાં પ્રિ-મૉનસૂન એક્ટિવિટી શરૂ, આગામી ત્રણ દિવસ તોફાની વરસાદની આગાહી, આઇએમડીએ આપ્યું એલર્ટ
હવામાન વિભાગ અનુસાર, ગુજરાતમાં કમોસમી વરસાદની સંભાવના છે, આગામી 7 દિવસ દરમિયાન 3-5 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં વધારો થશે. અમદાવાદ અને ગાંધીનગરમાં આજે મહત્તમ તાપમાન 39 ડિગ્રી સેલ્સિયસ રહેશે. સાથે સાથે આગામી 3 દિવસ સમગ્ર રાજ્યમાં ગાજવીજ સાથે હળવા વરસાદ શક્યતા છે. સૌરાષ્ટ્ર થી પૂર્વ મધ્ય અરબ સાગર પર ટ્રફ સક્રિય થવાનાં કારણે આગામી ત્રણ દિવસ તોફાની રહી શકે છે. આજે 40-50 કિ.મી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ અંગે અંબાલાલ પટેલ દ્વારા પણ આગાહી કરવામાં આવી હતી. કેટલાક વિસ્તારોમાં ચોમાસા પહેલાંની અસર જોવા મળી શકે છે. આ અંગે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે, 13 મેથી રાજ્યના અનેક વિસ્તારોમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરૂ થઇ ગયુ છે, જેના કારણે આગામી દિવસોમાં વરસાદી માહોલ સર્જાવાની શક્યતા છે.





















