(Source: ECI/ABP News/ABP Majha)
GANDHINAGAR : પીએમ મોદીના આગમન અને વિવિધ સરકારી કાર્યક્રમોને કારણે ગુજરાત વિધાનસભાનું ચાલુ સત્ર એક દિવસ મોકૂફ રહેશે
PM MODI IN GUJARAT : વડાપ્રધાન મોદી 11 અને 12 માર્ચ એમ બે દિવસ ગુજરાત પ્રવાસે છે.
GANDHINAGAR : વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસ ગુજરાતના પ્રવાસે છે. પીએમ મોદીના આગમન અને વિવિધ સરકારી કાર્યક્રમોને કારણે ગુજરાત વિધાનસભાનું ચાલુ સત્ર એક દિવસ મોકૂફ રહેશે. 11 માર્ચે મળનારી ચાલું સત્રની બેઠક 14 માર્ચે મળશે. આ સાથે જ રાજ્યના શિક્ષણ પ્રધાન તેમજ રાજ્ય સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ પીએમ મોદીના આગમન સમયે બે દિવસ આયોજિત થનારા વિવિધ સરકારી કાર્યક્રમો અને ભાજપ સંગઠનના કાર્યક્રમોની માહિતી આપી હતી.
પીએમ મોદીનો ગુજરાત પ્રવાસ
વડાપ્રધાન મોદી 11 અને 12 માર્ચ એમ બે દિવસ ગુજરાત પ્રવાસે છે. 11 માર્ચે પીએમ મોદી અમદાવાદ એરપોર્ટથી પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ પહોંચશે. આ સમગ્ર રુટ પર ભવ્ય રોડ શો કરવામાં આવશે, જેમાં સેંકડો કાર્યકરો જોડાશે. કમલમ ખાતે વડાપધાન મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. અહીં પીએમ મોદી ધારાસભ્યો અને સાંસદો સાથે બેઠક કરશે અને ભોજન પણ કમલમમાં જ લેશે. કમલમથી વડાપ્રધાન મોદી રાજભવન જશે અને રાજભવનથી પીએમ જીએમડીસી ખાતેના સરપંચ સંમેલનમાં હાજર રહેશે અને સંબોધન કરશે. 12 માર્ચે પીએમ મોદી રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિ.ના પ્રથમ દીક્ષાંત સમારોહમાં હાજર રહશે. તેમની સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર રહેશે.
રાષ્ટ્રીય રક્ષાશક્તિ યુનિ.નો પ્રથમ દીક્ષાંત સમારોહ
12 માર્ચે રાષ્ટ્રીય રક્ષાશક્તિ યુનિ.નો પ્રથમ દીક્ષાંત સમારોહ યોજાશે. રક્ષા શક્તિ યુનિવર્સિટીનો પ્રથમ દીક્ષાંત સમારોહ પીએમ મોદી, ગૃહમંત્રી અમિત શાહ, સીએમ ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની હાજરીમાં યોજાશે. આ સમારોહના અધ્યક્ષસ્થાને રક્ષા શક્તિ યુનિવર્સિટીના કુલપતિ પ્રો.ડો. વિમલ પટેલ ઉપસ્થિત રહેશે. 13 વિદ્યાર્થીઓને માનદ ડોક્ટરેટ, 38ને ગોલ્ડ મેડલ અને 1090 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવશે.
માતા હીરાબાને મળવા જશે પીએમ મોદી
વડાપ્રધાન મોદી કોબા ખાતે આવેલા કમલમ પર સંગઠન કાર્યક્રમોમાં ભાગ લઇ રાજભવન ખાતે રવાના થશે. આ દરમિયાન તેઓ કોબા ખાતે માતા હીરાબાને મળવા તેમના ઘરે જશે એવી સંભવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણાં સમયથી પીએમ મોદી તેમના માતા હીરાબાને મળ્યા નથી.