બહેનની ખોટી સહી કરી ભાઇએ પડાવી વારસાગત સંપત્તિ, જાણો ગુજરાત હાઇકોર્ટે શું આપ્યો ચુકાદો?
એક વ્યક્તિએ પોતાની મોટી બહેનની ખોટી અને બનાવટી સહી કરી વારસાગત્ત સંપતિ પચાવી પાડી હોવાના કેસમાં ગુજરાત હાઇકોર્ટે મહત્વનો આદેશ આપ્યો હતો.
ગુજરાત હાઇકોર્ટે વારસાગત સંપત્તિ મામલે મોટો ચુકાદો આપ્યો હતો. મળતી જાણકારી અનુસાર એક વ્યક્તિએ પોતાની મોટી બહેનની ખોટી અને બનાવટી સહી કરી વારસાગત્ત સંપતિ પચાવી પાડી હોવાના કેસમાં ગુજરાત હાઇકોર્ટે મહત્વનો આદેશ આપ્યો હતો.
વાસ્તવમાં આ કેસ વડોદરાનો છે જ્યાં વર્ષ 1975ની વારસાગત સંપત્તિ પચાવી પાડવા માટે પોતાની મોટી બહેનની ખોટી અને બનાવટી સહીના આરોપમાં 81 વર્ષીય ભાઇ વિરુદ્ધ નોંધાયેલી પોલીસ ફરિયાદ રદ્દ કરવાનો ગુજરાત હાઇકોર્ટે ઇનકાર કર્યો હતો. જસ્ટિસ દિવ્યેશ.એ.જોશીએ આરોપી ભાઇની ફરિયાદ રદ કરવા અંગેની ક્વોશીંગ પિટિશન ફગાવી દીધી.
હાઇકોર્ટે ભારતમાં ભાઇઓની મહત્વપૂર્ણ સાંસ્કૃતિક ભૂમિકા પર ભાર મુકતા અવલોકન કરતા કહ્યું હતું કે આપણા દેશમાં પિતાના મૃત્યુપછી એક જ વ્યક્તિ એ સ્થાન લઇ શકે છે તે છે ભાઇ. પછી ભલે તે નાનો હોય કે મોટો હોય. આપણી સંસ્કૃતિમાં ભાઇઓને પિતાની બાજુમાં ગણવામાં આવે છે અને તેથી તેઓએ બહેનોને આપવાનું વલણ રાખવું જોઇએ. જો કાંઇ નહી તો ઓછામાં ઓછું તેમના કાયદેસરના હક્કો તો બહેનોને આપવા જ જોઇએ.
હાઇકોર્ટે કહ્યું હતું કે અરજદાર લગભગ 81 વર્ષના નાગરિક છે. સાથે એ પણ સત્ય છે કે એક અસહાય દીકરી તેના પિતાના મૃત્યુ બાદ તેણીની પૈતૃક સંપત્તિ પર તેના કાયદેસરના હક માટે લડી રહી છે. તેના પોતાના જ ભાઇ દ્ધારા કેટલીક ખોટી અને બનાવટી સહીઓ કરીને વારસાગત્ત સંપત્તિના હક્કથી વંચિત રાખવામાં આવી હોવાનો આરોપ છે.
કોર્ટે કહ્યું કે આ કેસ ફરિયાદી અને અરજદાર વચ્ચે પૈતૃક સંપત્તિના અંગેના વિવાદનો છે, જેઓ ભાઇ અને બહેન છે. ફરિયાદી બહેને આરોપ લગાવ્યો હતો કે અરજદાર ભાઇએ મહેસૂલ વિભાગના અધિકારીઓ સમક્ષ તેમના ભાઇ બહેનોની નકલી સહી બનાવી અને ખોટો દાવો કર્યો હતો કે તેઓએ 1975 પહેલા તેના અધિકારો છોડી દીધા હતા. જેનાથી રેકોર્ડ પર અરજદાર એકમાત્ર માલિક બની ગયો અને નવેમ્બર 2023માં ત્રીજા પક્ષકારને મિલકત વેચવાની મંજૂરી પણ આપવામાં આવી હતી. અરજદાર ભાઇએ આ મામલે કોર્ટ સમક્ષ મુદ્દો ઉઠાવ્યો હતો કે આ ફરિયાદ 40-50 વર્ષ પછી કરવામાં આવી હતી. જેની સામે બહેને કોર્ટને કહ્યું હતું કે તેને વર્ષ 2013માં આ સમગ્ર છેતરપિંડીની જાણ થઇ હતી અને તેણે તરત જ મહેસૂલ અધિકારીઓ પાસેથી સંબંધિત દસ્તાવેજ મેળવ્યા હતા અને પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ મામલે હાઇકોર્ટે ભાઇની અરજી ફગાવી હતી અને મોટી બહેનની દલીલો ગ્રાહ્ય રાખી હતી.