Gujarat: ગુજરાતમાં બે દિવસ બાદ માવઠાની આગાહી, કઇ તારીખે ક્યાં પડશે વરસાદ?
આ બધા વચ્ચે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યુ છે.
Gujarat: રાજ્યમાં હવામાન વિભાગે માવઠાની આગાહી કરી છે. આ બધા વચ્ચે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યુ છે.
અમદાવાદ સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી વાદળો ઘેરાયેલા જોવા મળી રહ્યા છે. વાતાવરણમાં આવી રહેલા પલટાને લઈને હવામાન વિભાગે બે દિવસ કમોસમી વરસાદની આગાહી કરી છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર શુક્રવારે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી શકે છે. તો શનિવારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં માવઠાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે.
હવામાન વિભાગના મતે આગામી શુક્રવારે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, દાહોદ, છોટા ઉદેપુર, બોટાદ અને સુરેન્દ્રનગરમાં હળવો વરસાદ વરસી શકે છે તો શનિવારે વલસાડ, નવસારી, ગીર સોમનાથ, દમણ અને દાદરાનગર હવેલીમાં કમોસમી વરસાદ વરસશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે.
બનાસકાંઠામાં ખેડૂતોને સાવચેતી રાખવાની સૂચના
બનાસકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, એક અને બે માર્ચના રોજ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં છૂટા છવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. જિલ્લામાં ફરી કમોસમી વરસાદના કારણે રાયડો, જીરું, બટાકાના પાકને નુકસાનની ભીતિ સેવાઇ રહી છે.
ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓમાં ખુલ્લામાં રાખવામાં આવેલ અનાજ તેમજ ખુલ્લામાં રાખવામાં આવેલ અનાજ પલળીને બગડી ન જાય તેની સાવચેતી રાખવા અપાઈ સૂચના આપવામાં આવી છે. ખેડૂતોને પણ પોતાનો તૈયાર પાક સલામત સ્થળે ખસેડવાની સૂચનાઓ આપવામાં આવી છે.
કેશોદમાં 15 ડિગ્રી લઘુત્તમ તાપમાન
1 માર્ચના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, બોટાદ, સુરેન્દ્રનગર, મહીસાગર, દાહોદ અને છોટાઉદેપુર જિલ્લામાં કમોસમી વરસાદ પડશે. 2 માર્ચના ગીર સોમનાથ, વલસાડ અને નવસારી જિલ્લામાં માવઠું પડશે. આજે કેશોદ સૌથી ઠંડુંગાર રહ્યું છે. કેશોદમાં 15 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે. ભૂજ, ડીસા અને રાજકોટમાં 16 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે અમદાવાદમાં 20 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે.
ગુજરાતના વાતાવરણમાં છેલ્લા ઘણા દિવસોથી સતત પલટો આવી રહ્યો છે. હવામાન વિભાગે પણ હવે ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. આ સાથે હવામાન વિભાગે પોતાની આગાહીમાં દરિયાકાંઠે 45થી 55 પ્રતિકલાક સ્પીડ રહેશે તેવી આગાહી કરી છે. જેના કારણે માછીમારોને પણ ચેતવણી આપી દેવામાં આવી છે.
વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સના કારણે કમોસમી વરસાદની શક્યતા
પહેલા ત્રણ દિવસ ગુજરાતમાં વાતાવરણ શુષ્ક રહેશે. જે બાદ ચોથા અને પાંચમા દિવસે સામાન્ય વરસાદની આગાહી કરી છે. વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સના કારણે કમોસમી વરસાદની શક્યતા દર્શાવી છે. ચોથા દિવસે એટલે પહેલી માર્ચના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, છોટાઉદેપુર, દાહોદમાં હળવા વરસાદની શક્યતા દર્શાવાઈ રહી છે.