રાજ્યમાં આગામી ત્રણ દિવસ વરસાદી માહોલ જોવા મળશે, જાણો ફરી ક્યારથી વરસાદનું જર વધશે
ગુજરાત પર સતત વરસી રહી છે મેઘરાજાની મહેર. સૌરાષ્ટ્રમાં હજુ પણ જળબંબાકારની સ્થિતિ છે. રાજ્યમાં અત્યાર સુધી વરસી ચૂક્યો છે 72 ટકા વરસાદ.
રાજ્યમાં આગામી ત્રણ દિવસ વરસાદી માહોલ જોવા મળશે. આ આગાહી કરી છે હવામાન વિભાગે. જે અનુમાન કરાયું છે તે પ્રમાણે 19 અને 20 સપ્ટેમ્બરથી ફરી વરસાદનું જોર વધશે. જો કે આટલા સારા વરસાદ છતાં હજુ રાજ્યમાં વરસાદની 20 ટકા ઘટ છે. ઉલ્લેખનીય છે કે ઓડિશા તરફથી આવતી વરસાદી સિસ્ટમ ફંટાઈ જતા હવામાન વિભાગે સૌરાષ્ટ્રમાંથી રેડ એલર્ટની આગાહી દૂર કરી છે.
અગાઉ રાજકોટ, જૂનાગઢ અને વલસાડમાં હવામાન વિભાગે અતિભારે વરસાદની શક્યતાને લઈ રેડ એલર્ટ જાહેર કર્યું હતું. જોકે આગામી ત્રણ દિવસ હજુ પણ કેટલાક વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ વરસશે તેવું હવામાન વિભાગનું અનુમાન છે.
ડેમ એલર્ટ પર
ગુજરાત પર સતત વરસી રહી છે મેઘરાજાની મહેર. સૌરાષ્ટ્રમાં હજુ પણ જળબંબાકારની સ્થિતિ છે. રાજ્યમાં અત્યાર સુધી વરસી ચૂક્યો છે 72 ટકા વરસાદ.
નજર કરીએ ક્યાં ઝોનમાં કેટલો વરસી ચૂક્યો છે વરસાદ તેના પર. તો સૌરાષ્ટ્રમાં સૌથી વધુ 85 ટકા વરસી ચૂક્યો છે વરસાદ. જ્યારે કચ્છમાં 75 ટકા વરસી ચૂક્યો છે વરસાદ. તો દક્ષિણ ગુજરાતમાં 73 ટકા અને મધ્ય ગુજરાતમાં 59 ટકા વરસી ચૂક્યો છે વરસાદ. સૌથી ઓછો ઉત્તર ગુજરાતમાં 57 ટકા વરસ્યો છે વરસાદ.
મેઘરાજા મન મૂકીને વરસતા જળાશયોમાં પાણીની સતત થઈ રહી છે આવક. રાજ્યમાં 48 ડેમ નવા નીરથી છલકાઈ ચૂક્યા છે. જેમાના 44 ડેમ તો ફક્ત સૌરાષ્ટ્રના જ છે. રાજ્યમાં 69 ડેમ છે હાઈએલર્ટ પર છે. જ્યારે 11 ડેમ છે એલર્ટ પર છે. નજર કરી ઝોન વાઈઝ ડેમમાં પાણીના જથ્થાની સ્થિતિ પર તો સૌરાષ્ટ્રના 141 ડેમમાં 75 ટકા પાણીનો જથ્થો છે. તો કચ્છના 20 ડેમમાં 26 ટકા પાણીનો જથ્થો છે.
ઉત્તર ગુજરાતના 15 ડેમમાં 29 ટકા પાણીનો જથ્થો છે. તો મધ્ય ગુજરાતના 17 ડેમમાં 52 ટકા પાણીનો જથ્થો છે. જ્યારે દક્ષિણ ગુજરાતના 13 ડેમમાં 87 ટકા પાણીનો જથ્થો છે. અને રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં 54 ટકા પાણીનો જથ્થો સંગ્રહિત છે.