મહીસાગર જિલ્લાનું એવું એક તાલુકા મથક, જ્યાં એસટી બસ સ્ટેન્ડ જ નથી, બસ અને મુસાફરો રોડ પર જ ઉભા રહે છે
Mahisagar News : જો કોઈ ગામમાં એસ.ટી સ્ટેન્ડ એટલે કે બસ સ્ટેન્ડ જ ન હોય તો મુસાફરો બસમાં બેસવા માટે ક્યાં જાય અને બસ આવવામાં સમય હોય તો ક્યા બેસીને રાહ જુએ તે એક પ્રશ્ન બની રહે છે.
Mahisagar : સામાન્ય રીતે પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરતા લોકો બસમાં મુસાફરી કરવા માટે બસ સ્ટેન્ડ પર જતા હોય છે. પરંતુ જો કોઈ ગામમાં એસ.ટી સ્ટેન્ડ એટલે કે બસ સ્ટેન્ડ જ ન હોય તો મુસાફરો બસમાં બેસવા માટે ક્યાં જાય અને બસ આવવામાં સમય હોય તો ક્યા બેસીને રાહ જુએ તે એક પ્રશ્ન બની રહે છે. ત્યારે આજે આપણે એક એવા જ તાલુકાના મુખ્ય મથકની વાત કરીશું કે જ્યાં બસ સ્ટેન્ડ જ નથી.
બસ અને મુસાફરો રોડ પર જ ઉભા રહે છે
મહિસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના મુખ્ય મથક બાકોરના કે જ્યાં બસોને ઉભી રહેવા માટે બસ સ્ટેન્ડ જ નથી.અહીં આવતી તમામ બસો રસ્તા ઉપર જ ઊભી રહે છે રસ્તા ઉપરથી જ મુસાફરો બસમાં સવાર થાય છે અને પોતાના નિયત સ્થાન ઉપર જવા માટે મુસાફરી કરે છે. ત્યારે જે મુસાફર બસના સમય કરતા પહેલા આવી ગયા હોય તે લોકોને બેસવા માટે કોઈ દુકાનના ઓટલે અથવા તો ઝાડની નીચે સહારો લેવો પડતો હોય છે. તો કેટલાક મુસાફરો રોડ ઉપર જ ઉભા રહે છે ત્યારે અકસ્માતનો સૌથી મોટો ભય રહેલો છે.
ખાનપુર તાલુકાનું મુખ્ય મથક છે બાકોર
ખાનપુર તાલુકાની વાત કરવામાં આવે તો ખાનપુર તાલુકાનું મુખ્ય મથક બાકોર છે. બાકોર ગામમાં તાલુકાની તમામ કચેરીઓ જેવી કે તાલુકા પંચાયત કચેરી, મામલતદાર કચેરી, તાલુકા ન્યાયાલય, તાલુકા પોલીસ મથક, પોસ્ટ ઓફિસ, બેન્ક સહિતની કચેરીઓ આવેલી છે ખાનપુર તાલુકામાં 86 ગામ આવેલા છે તાલુકામાં 96 હજારથી વધુ ની વસ્તી છે 86 ગામના લોકો તાલુકાના કામેં બાકોર ખાતે આવતા હોય છે પરંતુ એસ.ટી.સ્ટેન્ડ ન હોવાના કારણે અનેક હાલાકીનો સામનો નાગરિકોને કરવો પડી રહ્યો છે.
બસ સ્ટેન્ડ ન હોવાથી વિદ્યાર્થીઓને મુશ્કેલી
બાકોરથી અભ્યાસ અર્થે મોડાસા અને લુણાવાડા જતાં જે વિદ્યાર્થીઓ છે, તેમને પણ ભારે મુશ્કેલી પડે છે કારણ કે જ્યારે તેઓ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી બસમાં બેસવા માટે બાકોર ખાતે આવે છે ત્યારે બસ સ્ટેન્ડ ન હોવાના કારણે વિદ્યાર્થીઓ રોડ ઉપર ઊભા જ બસની રાહ જુવે છે. ત્યારે વિદ્યાર્થીઓ પણ હવે બાકોર ખાતે નવીન એસ.ટી.સ્ટેન્ડ બને અને તેમને સુવિધાઓનો લાભ મળે તેવી માંગ કરી રહ્યા છે. વિદ્યાર્થીઓએ વધુમાં જણાવ્યું કે ચોમાસાની ઋતુ હોય ત્યારે બસ સ્ટેન્ડ ન હોવાના કારણે અનેક મુશ્કેલીઓ ઉભી થાય છે.
બાકોરમાં ક્યારે બનશે એસટી સ્ટેન્ડ ?
આ અંગે લુણાવાડા એસ.ટી.ડેપો મેનેજરને પૂછતાં જણાવ્યું હતું કે બાકોર ખાતે ડેપો માટે જમીન સંપાદન કરવામાં આવી છે ટુક સમયમાં ખાદ્યમુહૂર્ત કરી બાંધકામ હાથ ધરવામાં આવશે. બસ સ્ટેન્ડ બનતા નવા રૂટ શરૂ થશે. હવે જોવું રહ્યું કે આ ખાતમુહૂર્ત ક્યારે થાય છે અને ક્યારે કામગીરી શરૂ થાય છે અને ક્યારે તાલુકા મુખ્ય મથક બાકોરને બસ સ્ટેન્ડની સુવિધાઓ મળશે.