![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
સૌરાષ્ટ્રમાં ભાજપને લાગી શકે છે મોટો ઝટકો, આ દિગ્ગજ નેતા ભાજપ છોડી ફરી કોંગ્રેસમાં જોડાય તેવી ચર્ચા
14 માર્ચના રોજ માણાવદરના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અરવિંદ લડાણીએ સીઆર પાટીલના હસ્તે ભાજપનો ખેસ ધારણ કર્યો હતો.
![સૌરાષ્ટ્રમાં ભાજપને લાગી શકે છે મોટો ઝટકો, આ દિગ્ગજ નેતા ભાજપ છોડી ફરી કોંગ્રેસમાં જોડાય તેવી ચર્ચા There is talk of Jawahar Chavda leaving BJP and joining Congress સૌરાષ્ટ્રમાં ભાજપને લાગી શકે છે મોટો ઝટકો, આ દિગ્ગજ નેતા ભાજપ છોડી ફરી કોંગ્રેસમાં જોડાય તેવી ચર્ચા](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/25/9f76b4b675b21b80b5450d022abb39f91711331742966899_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Jawahar Chavda: લોકસભા પહેલા પ્રદેશ ભાજપને લાગી શકે છે મોટો ઝટકો. ભાજપના નેતા જવાહર ચાવડા ઘરવાપસી કરી શકે છે. જવાહર ચાવડા ફરી કૉંગ્રેસનો હાથ પકડી શકે છે. જવાહર ચાવડા કૉંગ્રેસમાં જોડાય તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. 2019માં જવાહર ચાવડા કૉંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા હતા.
નોંધનીય ચે કે, લોકસભાની ચૂંટણી જાહેર થયાને 8 દિવસ થઈ ગયા છે. તેની સાથે સાથે ગુજરાતમાં વિધાનસભાની પેટાચૂંટણી પણ આવી રહી છે ત્યારે ભાજપે અને કોંગ્રેસે હજુ સુધી એક પણ ઉમેદવારનું નામ જાહેર કર્યું નથી. આ ઘટનાક્રમ વચ્ચે છેલ્લા ચાર દિવસથી જવાહર ચાવડાની ઘર વાપસીએ જોર પકડ્યું છે.
થોડા દિવસ પહેલા જ અરવિંદ લાડાણીએ માણાવદરના ધારાસભ્યપદેથી રાજીનામું આપી દીધું હતું. 2019માં જવાહર ચાવડાએ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાતા પેટાચૂંટણી કરવી પડી હતી અને અત્યારે અરવિંદ લાડાણી કોંગ્રેસ છોડીને ભાજપ જોઇન કરતા પેટાચૂંટણી આવી પડી છે. તે સમયે લાડાણી કોંગ્રેસમાંથી તો જવાહર ચાવડા ભાજપમાંથી ચૂંટણી લડી રહ્યા હતા. જ્યારે આ વખતે ભાજપે લાડાણીને ટિકિટનું વચન આપ્યું હોવાથી તેમની ઉમેદવારી લગભગ નક્કી છે, જ્યારે કોંગ્રેસે હજુ ઉમેદવારની નામ પર મહોર મારી નથી. બીજી બાજુ આ સીટ પરથી લડવા માટે જવાહર ચાવડા તત્પર છે. જેથી તેઓ ભાજપથી નારાજ છે અને નવાજૂની કરવાના મૂડમાં હોય એમ લાગી રહ્યું છે.
14 માર્ચના રોજ માણાવદરના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અરવિંદ લડાણીએ સીઆર પાટીલના હસ્તે ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. આ કાર્યક્રમમાં માણાવદર ભાજપના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટમંત્રી જવાહર ચાવડાની ગેરહાજરી જોવા મળી હતી. આ સાથે જ તેમની નારાજગીની ચર્ચાઓ શરૂ થઈ હતી.
હાલમાં પોરબંદર લોકસભા સીટના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા દ્વારા વંથલી માર્કેટિંગ યાર્ડ ખાતે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મિટિંગમાં જવાહર ચાવડા હાજર રહ્યા નહોતા. જવાહર ચાવડા આવે છે અને આવશેની વાતો ચાલી હતી પણ કાર્યક્રમ પૂર્ણ થયો છતાં તેઓ આવ્યા નહોતા. છેલ્લા કેટલાક વખતથી નારાજ ચાવડાએ પક્ષના જ નહીં, સરકારી કાર્યક્રમમાં જવાનું પણ ટાળ્યુ છે. ત્યારે લોકસભાની ચૂંટણી અગાઉ કંઈક નવાજૂની થાય તેવાં એંધાણના વર્તારા છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)