કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતૂર, રાજ્યમાં જાણો કેટલા કલાક કમોસમી વરસાદની કરાઈ આગાહી ?
રાજ્યમાં 48 કલાક કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. અનેક વિસ્તારોમાં આજે આફતનો વરસાદ પડ્યો છે. યાર્ડમાં પડેલી જણસોને નુકસાન થયું છે. હજુ પણ બે દિવસ સુધી રાજ્યમાં વાદળછાયુ વાતાવરણ રહેશે..
રાજ્યમાં 48 કલાક કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. અનેક વિસ્તારોમાં આજે આફતનો વરસાદ પડ્યો છે. યાર્ડમાં પડેલી જણસોને નુકસાન થયું છે. હજુ પણ બે દિવસ સુધી રાજ્યમાં વાદળછાયુ વાતાવરણ રહેશે. અરબી સમુદ્રમાં સર્જાયેલા લૉ પ્રેશર સિસ્ટમની દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અસર પડશે. માવઠાના કારણે શિયાળુ પાકને ભારે નુકસાનની ભીતિ છે.
ઉત્તર ગુજરાતમાં માવઠાનો માર પડ્યો છે. બનાસકાંઠાના કાંકરેજમાં કમોસમી વરસાદથી રવિ પાકને નુકસાન થયું છે. ભર શિયાળે વરસાદથી ખેડૂતોને પડ્યા પર પાટુ જેવી સ્થિતિ સર્જાઈ છે. શિહોરી, ખારીયા, ખીમાણાં, થરા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો છે.
ગુજરાતમાં છેલ્લા બે દિવસથી બદલાયેલા વાતાવરણ વચ્ચે વલસાડ જિલ્લામાં વાપીના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ નોંધાયો છે. જેમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ વરસતા ખેડૂતોની ચિંતા વધી છે. આ કમોસમી વરસાદના લીધે ખેડૂતોના રવિ પાકને નુકસાન થવાની ભીતિ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે વાપીમાં છેલ્લા બે દિવસથી ભારે ઉકળાટ બાદ માવઠું થયું છે. આ સિઝન રવિ પાકની છે. ખેડૂતોએ હાલ જ રવિ પાકની વાવણી કરી છે તેમજ માવઠાને લીધે આ પાકને નુકશાન થવાની ભીતિ છે.
વાપીમાં વહેલી સવારથી ધીમે ધારે વરસાદ પડ્યો હતો. બાદમાં ચોમાસું જામ્યું હોય તેમ ધોધમાર વરસાદ શરૂ થયો હતો. જેના કારણે આ વિસ્તારમાં શાકભાજી અને રવિ પાક લેતા ખેડૂતોમાં ચિંતા વધી છે. જો આ વરસાદ હજુ પણ ચાલુ રહેશે તો ચોક્કસ પણે રવિ પાકને નુકશાન થશે. વાપીના બલીઠા, હરિયા હોસ્પિટલ, મોરારજી સર્કલ વિસ્તારમાં કમોસમી વરસાદના લીધે વાતવરણમાં ઠંડક પ્રસરી છે. તેમજ શિયાળામાં માવઠું થતા વાતાવરણ પણ આહલાદક બન્યું છે. જો કે આ માવઠાની અસર વધુ બે દિવસ રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. અરબી સમુદ્રમાં સર્જાયેલા લૉ પ્રેશર સિસ્ટમની દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અસર પડશે. માવઠાના કારણે શિયાળુ પાકને ભારે નુકસાનની ભીતિ છે.