Unseasonal Rain Forecast: રાજ્યના આ વિસ્તારમાં પડશે ફરી કમોસમી વરસાદ, અંબાલાલે કરી આગાહી
ફરી રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે. રાજ્યના 9 જિલ્લામાં કમોસમી વરસાદ પડ્યો છે. આ દરમિયાન અંબાલાલે પણ કમોસમી વરસાદની આગાહી કરી છે.
Unseasonal Rain Forecast: રાજ્યમાં ફરી વાતાવરણમાં પલટો આવ્યો છે. ગરમીના પ્રકોપ વચ્ચે રાજ્યમાં કમોસમી વરસાદ વરસતા ગરમીથી રાહત મળી છે. દ.ગુજરાત, સૌરાષ્ટ્રના જિલ્લામાં ઝરમર વરસાદ વરસ્યો છે. તો તાપી, વલસાડ, નવસારીમાં પણ વરસાદ વરસ્યો છે.દાહોદ, છોટા ઉદેપુર, ભાવનગરમાં પણ કમોસમી વરસાદથી ઉનાળુ પાક પકવતા ખેડૂતોમાં ચિંતા સેવાઇ રહી છે. રાજ્યના 9 જિલ્લામાં ઝરમર કમોસમી વરસાદ વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ વરસાદની આગાહી કરી છે. 26 અને 27 એપ્રિલ રાજ્યના કેટલાક જિલ્લામાં હળવા વરસાદનો અનુમાન વ્યક્ત કર્યો છે. અંબાલાલના અનુમાન મુજબ રાજ્યના તમામ ઝોનમાં ઝરમર વરસાદ વરસી શકે છે.
રાજ્યમાં આકરી ગરમીના પ્રકોપ વચ્ચે વાતાવરણમાં પલટો આવ્યો છે. છોટાઉદેપુર જિલ્લામાં વહેલી સવારના સમયે કમોસમી વરસાદ વરસ્યો છે. જિલ્લા કલેકટર કચેરી તરફથી આજે મતદાન જાગૃતિ સાયકલ રેલીનું આયોજન કરાયું છે. આ રેલીમાં વરસતા વરસાદમાં નીકળી હતી. આ તરફ માવઠાના કારણે ખેડૂતો ચિંતાતૂર બન્યા છે.
આ તરફ તાપી જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. તાપીના વાલોડ, વ્યારા, ડોલવણ સહિતના વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો છે. વ્યારાના મિશન નાકા, સ્ટેશન રોડ સહિતના કેટલાક વિસ્તારમાં વહેલી સવારે ઝરમર વરસાદ વરસ્યો છે. આકરી ગરમી વચ્ચે વહેલી સવારે ઝાપટુ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. જોકે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. માવઠાના કારણે ખેડૂતોના કેરી અને ઉનાળુ પાકને નુકસાન થવાની શક્યતા છે..
આ તરફ સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારમાં પણ કમોસમી વરસાદ વરસ્યો છે. ભાવનગરમાં વહેલી સવારના સમયે માવઠુ વરસ્યું છે. ભાવનગર શહેરના ચિત્રા, બોર તળાવ, કુંભારવાડા, દેસાઈ નગર, રાજનગર સહિતના વિસ્તારમાં વહેલી સવારે આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા અને થોડીવારમાં વરસાદી ઝાપટું વરસ્યું છે. વરસાદી ઝાપટાએ ખેડૂતોની ચિંતા વધારી દીધી છે.
દાહોદનાં વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. વહેલી સવારે કમોસમી વરસાદી ઝાપટું પડ્યું છે. દાહોદ શહેર સ્ટેશન રોડ તેમજ છાપરી, ગલાલિયાવાડ, રળિયાતી રાબડાલ સહિત આસપાસના વિસ્તારમાં ઝાપટું પડ્યં છે.
વલસાડમાં વરસાદી માહોલ જામ્યો છે. પેહલા ધૂમમ્સયુ વાતાવરણ અને ત્યાર બાદ અમી છાંટણા થયા છે. વાતાવરણમાં એકદમ પલટો આવ્યો છે. તીથલરોડ, કોલેજ કેમ્પસ, કચેરી રોડ સહિતના વિસ્તારમાં વરસાદ છે. વરસાદને કારણે ગરમીનો પારો ગગળ્યો છે. વહેલી સવારે થયેલ વાતાવરણમાં પલટાને લઈને અને ખુબજ હળવા વરસાદ બાદ રસ્તાઓ ભીના થયા છે.
નવસારી જિલ્લામાં વાતાવરણમાં અચાનક ફેરફાર થયો છે. જિલ્લાના ગણદેવી તાલુકાના વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા છે. ગણદેવી તાલુકાના બીલીમોરા સહિત વિસ્તાર કાળા ડીબાંગ વાદળોથી ઘેરાયા છે. વરસાદી માહોલને કારણે લોકોને બફારાથી રાહત પરંતુ ગણદેવી સહિતનાં વિસ્તારોમાં કેરી તેમજ ચીકુના પાકને નુકસાનની ભીતિ છે.