છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 168 તાલુકામાં કમોસમી વરસાદ, કપડવંજમાં સૌથી વધુ પોણા બે ઇંચ વરસાદ
ગાંધીનગરના માણસા અને ભાવનગરના સિહોરમાં દોઢ ઈંચ કમોસમી વરસાદ વરસ્યો હતો.

છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 168 તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો હતો. રાજ્યમાં ખેડાના કપડવંજમાં સૌથી વધુ પોણા બે ઈંચથી વધુ વરસાદ વરસ્યો હતો. ગાંધીનગરના માણસા અને ભાવનગરના સિહોરમાં દોઢ ઈંચ વરસાદ, મહેસાણાના જોટાણા અને વડોદરા શહેરમાં સવા ઈંચ વરસાદ, મહેસાણા, કડી, ભાવનગર શહેર અને તાપીના ડોલવણમાં એક ઈંચ વરસાદ, નડિયાદ, ખાનપુર અને દસાડા તાલુકામાં એક ઈંચ વરસાદ, સોજીત્રા, કામરેજ, દિયોદર, વિજાપુર, પ્રાંતિજમાં પોણો ઈંચ વરસાદ, ચોટીલા, બાયડ, દેહગામ, મહેમદાવાદમાં પોણો ઈંચ વરસાદ, હિંમતનગર, ગાંધીનગર, ધોળકા અને માંડલમાં અડધા ઈંચથી વધુ વરસાદ, મૂળી, તારાપુર, મહુધા, રાણપુર, પાદરામાં અડધો ઈંચ વરસાદ, હળવદ, ભાભર, લખતર, વસોમાં અડધો ઈંચ વરસાદ, તલોદ, હાંસોટ, લખપત, ધનસુરા, ચુડાસમામાં અડધો ઈંચ વરસાદ વરસ્યો હતો.
કચ્છના મુન્દ્રા અને નખત્રાણા પંથકમાં મોડી રાત્રે પવન સાથે વરસાદ વરસ્યો હતો. મુન્દ્રાના મોટા કાંડગરા,નાના કાંડગરા સહિતના ગામોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. નખત્રાણાના વિથોણ તથા આસપાસના ગામમાં પવન સાથે કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાકને નુકસાનની ભીતિ સેવાઇ રહી છે. હજુ આજે પણ કચ્છ જિલ્લામાં વરસાદની આગાહીથી ખેડૂતો ચિંતાતૂર બન્યા છે. રાજ્યના 53 તાલુકામાં વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગે હજુ આજે પણ 18 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ જાહેર થયું છે. સોમવારે ભાવનગરમાં એક ઇંચ વરસાદ નોંધાયો છે. શિહોરમાં દોઢ ઇંચ વરસાદ નોંધાયો છે. 13 તાલુકામાં અડધાથી પોણા ઇંચ વરસાદ વરસ્યો છે.
અમદાવાદમાં 75 સ્થળે વૃક્ષો ધરાશાયી
અમદાવાદમાં વાવાઝોડા બાદ તારાજીના દ્રશ્યો સામે આવ્યા હતા. પવનના કારણે શહેરમાં 75 સ્થળે વૃક્ષો ધરાશાયી થયા હતા. 48 સ્થળેથી ધરાશાયી થયેલા વૃક્ષોનો નિકાલ કરવામાં આવ્યો છે. 38 સ્થળે હાલ વૃક્ષોના નિકાલની કામગીરી શરૂ કરવામાં આવી છે. દરિયાપુરમાં ભારે પવનના કારણે વૃક્ષ પડતા એકનું મોત થયુ છે. સુરેશભાઈ સથવારાનું વૃક્ષ પડતા મોત થયું હતું. વૃક્ષ નીચે દટાતા શશાંક સથવારા નામનો યુવક ઈજાગ્રસ્ત થયો હતો. વૃક્ષ નીચે દબાતા 15થી વધુ વાહનોને નુકસાન થયું હતું. અમદાવાદના સિવિલ હોસ્પિટલ પાસે તોતિંગ વૃક્ષ ધરાશાયી થયું હતું. અમદાવાદમાં તેજ પવનો ફૂંકાતા અનેક સ્થળે હોર્ડિંગ્સ ધરાશાયી થયા હતા. એયરપોર્ટ આઈકોનિક રોડ પર હોર્ડિંગ્સ ભારે પવનમાં ધરાશાયી થયા હતા.




















